વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ ભાવનગરમાં બનશે !

વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ ભાવનગરમાં બનશે !
- યુ.કે.સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઈનાં પદ્મનાભ ગ્રુપ દ્વારા પ્રોજેક્ટ માટે કરાશે 1900 કરોડનું મૂડીરોકાણ
અમદાવાદ, તા.15: ગુજરાતના વૈશ્વિક વિકાસને એક નવા ફલક પર લઈ જવાની નેમ સાથે મહત્ત્વાકાંક્ષી અને દુનિયાના સર્વપ્રથમ એવા સી.એન.જી. ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપનાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે યુ.કે.સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઈ સ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રુપના સહયોગમાં 1900 કરોડના મૂડીરોકાણથી સી.એન.જી.(કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે.
રૂપાણીએ જીઆઈડીબીના અધ્યક્ષ તરીકે આ દરખાસ્તને ગુજરાત સરકાર તેમજ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડની મંજૂરી આપી છે. વિશ્વના સૌ પ્રથમ આ સી.એન.જી.ટર્મિનલની સી.એન.જી.ની      ક્ષમતા વાર્ષિક 1.5 મિલિયન મેટ્રિક ટનની હશે. આ સી એન જી ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગ્રુપ વચ્ચે 2019ની વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન છે અને વાર્ષિક 3 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન થાય છે.
ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરીય સુવિધાઓમાં આમુલ ફેરફાર કરવામાં આવશે. જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજિંગ, ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર સી.એન.જી.નાં પરિવહન માટેનું આંતરમાળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો ટર્મિનલ, લિક્વિડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક 9 મિલિયન મેટ્રિક ટન થશે, જેમાંથી 6 મિલિયન આ પ્રોજેક્ટની હશે.
રૂપાણીએ ઉમેર્યું હતું કે યુ.કે. તેમજ ગુજરાત સ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રુપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રૂા.1300 કરોડ અને બીજા તબક્કામાં રૂા.600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રૂટ મારફત કુલ રૂા.1900 કરોડનું મૂડી રોકાણ કરશે. આ દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.
ટૂંક સમયમાં રાજ્ય સરકારની બુટ નીતિ 1997 અંતર્ગત સ્વીસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જી.એમ.બી.અને કંપની વચ્ચે વિગતવાર કન્સેસન એગ્રીમેન્ટ થશે. ફોરસાઇટ ગ્રુપ અને પદ્મનાભ મફતલાલ ગ્રુપ દ્વારા આ ટર્મિનલ સ્થાપવા માટે જરૂરી પૂર્વ અમલવારીના લક્ષ્યો જેવા કે પ્રી-ફિઝિબિલિટી પ્રોજેક્ટ રિપોર્ટ, સાઇટ સિલેક્શન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ તેમજ સી.એન.જી.વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પૂર્ણ કરવામાં આવેલ છે.
કેન્દ્ર સરકારની વિદેશી રોકાણની આકર્ષક નીતિનાં પરિણામ સ્વરૂપ આ પ્રોજેક્ટમાં રૂા.500 કરોડનું વિદેશી રોકાણ કરવામાં આવનાર છે. આ પોર્ટ સુધી બ્રોડગેજ રેલવે અને નેશનલ હાઇ વે જોડાયેલા છે જેથી હાલ વિકસાવવામાં આવી રહેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન (ધોલેરા એસઆઈઆર)ની સાથોસાથ આ ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓનાં માલ પરિવહનને મળશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer