LACએ ચીનની હરકતો નામંજૂર: રાજનાથ

LACએ ચીનની હરકતો નામંજૂર: રાજનાથ
ભારત-ચીન તણાવ મુદ્દે સંસદમાં સંરક્ષણ મંત્રીનું નિવેદન : સેના તમામ પડકારો ઝીલવા સજ્જ
 
ચર્ચાની માગ સાથે કોંગ્રેસનો વોકઆઉટ
નવી દિલ્હી, તા.1પ: ભારત-ચીન વચ્ચે સરહદે વ્યાપ્ત તણાવ મામલે મોદી સરકાર ચર્ચા કરવાથી કેમ દૂર ભાગી રહી છે ? તેવા સવાલ સાથે વિપક્ષ કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સંસદમાં નિવેદન આપ્યું કે આપણા જવાનોનો જુસ્સો બુલંદ છે. ચીનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. તેમણે ચીનની એલએસી પર યથાસ્થિતિ બદલવાના એકતરફા પ્રયાસ કોઈ કાળે મંજૂર ન હોવાનો કડક સંદેશો આપ્યો હતો.
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચાલી રહેલા તણાવ વચ્ચે વિપક્ષો સરકારનાં નિવેદનની માગ કરી રહ્યા હતા ત્યારે રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું કે સરહદે ભારતના જવાનો પૂરી તૈયારી સાથે તૈયાર છે. તેમણે ચીનને વાતચીતનો પ્રસ્તાવ આપતા કહ્યું કે જો સરહદે ચીન કોઈ હરકત કરશે તો આપણા જવાનો યોગ્ય જવાબ આપશે.
લદ્દાખમાં મુશ્કેલ દૌર અને હાલ દેશના જવાનોની સાથે ઉભા રહેવાનો સમય હોવા પર ભાર મૂકતા કહ્યું કે સેના માટે ખાસ શત્ર-સરંજામની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના રહેવા માટે તમામ સારી         સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લદ્દાખમાં આપણે એક પડકારજનક સમયનો સામનો કરી રહ્યા છીએ. આ સમય છે કે ગૃહ પોતાના જવાનોને વિરતાનો અહેસાસ કરાવતાં તેમને એક સંદેશો આપે કે સમગ્ર ગૃહ તેમની સાથે ઉભું છે. વર્તમાન પરિસ્થિતિ પહેલાથી અલગ છે. આપણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છીએ જ્યારે પણ દેશ સમક્ષ કોઈ પડકાર ઉભો થયો છે આ ગૃહે સેના પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આપણા જવાનોનો જોશ અને ઉત્સાહ બુલંદ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે અમે સરહદી વિસ્તારોમાં મુદ્દાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ચીની સંરક્ષણ મંત્રી સાથે રશિયામાં મુલાકાત કરી. તેમને કહ્યું કે અમે આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છીએ છીએ પરંતુ અમે દેશની સંપ્રભુતાનાં રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ.
રાજનાથ સિંહે ચીનનાં કરતૂતો અંગે જણાવ્યું કે વર્તમાન સ્થિતિ અનુસાર ચીને એલએસીના આંતરિક ભાગમાં મોટી સંખ્યામાં સૈનિકો અને શત્રો જમા કર્યા છે. ચીનની કાર્યવાહીના જવાબમાં આપણી સેનાએ સંપૂર્ણ કાઉન્ટર તૈયારી કરી રાખી છે. ગૃહ નિશ્ચિંત રહે કે આપણી સેના આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરશે. ર9-30 ઓગસ્ટની રાત્રે બનેલી ઘટના અંગે તેમણે ગૃહને જણાવ્યું કે પૈગોંગ લેકના સાઉથ બ્લોકમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ હતો. આપણી સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો છે. ચીને દ્વિપક્ષીય સંબંધોનો અનાદર કર્યાનું સ્પષ્ટ જોવા મળે છે. ચીનને કારણે સરહદે અથડામણ થઈ છે. 1પ જૂને ચીન સાથે ગલવાન ઘાટીમાં થયેલા ખૂની સંઘર્ષમાં આપણા જવાનોએ બલિદાન આપ્યું અને ચીનના પક્ષે પણ ભારે નુકસાન પહોંચાડયું. જ્યાં સંયમ દાખવવાની જરૂર હતી ત્યાં આપણા જવાનોએ સંયમ પણ દાખવ્યું છે. જ્યાં શૌર્યની જરૂર હતી ત્યાં શૌર્ય દર્શાવ્યું છે.
ચીનના દગા અંગે તેમણે માહિતી આપી કે એપ્રિલથી ચીની સેનાએ પૂર્વ લદ્દાખની સરહદે સૈનિકોની સંખ્યા વધારવાનું શરૂ કર્યું. ગલવાન ઘાટીમાં ચીનને કારણે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. કોંકલા, ગોદરા અને પૈંગોંગમાં પણ તેણે હરકત કરી. સરહદે ચીનને યથાસ્થિતિ બદલવાના પ્રયાસનો જોરદાર જવાબ આપ્યો છે. હવે ચીન એવું માને છે કે વાતચીતથી જ શાંતિ થઈ શકશે. આપણે ચીન સાથે કૂટનીતિક અને સૈન્ય વાતચીત ચાલુ હતી ત્યારે જ ર9 અને 30 ઓગસ્ટે ચીને ઉશ્કેરણીજનક સૈન્ય કાર્યવાહી કરી.
રાજનાથસિંહે જણાવ્યું કે ચીને ભારતની લગભગ 38,000 સ્કે.કિમી જમીન પર ગેરકાયદે કબજો લદ્દાખમાં કર્યો છે ઉપરાંત પાકિસ્તાને 1963ના એક કથિત એગ્રિમેન્ટ હેઠળ પીઓકેની પ180 સ્કે.કીમી ભારતીય જમીન ચીનને સોંપી દીધી છે.
બીજીતરફ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો કે આવા સંવેદનશીલ મુદ્દે તેમના સાંસદોને ગૃહમાં બોલવા દેવામાં આવી રહ્યા નથી. અમે કેટલાક મુદ્દાઓમાં સરકાર પાસે સ્પષ્ટતા ઈચ્છીએ છીએ.
-----------------
હવે અરુણાચલમાં LAC પાસે ચીની હિલચાલ વધી
-પેટ્રોલિંગમાં ભારતીય હદની નજીક આવી જતાં ચીની સૈનિકો: બર્ફીલા વિસ્તારોમાં છાવણીઓ ખડકી
નવીદિલ્હી, તા.1પ: લદ્દાખમાં પેંગોંગ સરોવર આસપાસ ભારતે ચીનની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવીને મહત્વના શિખરો પર કબજો કરી લેતાં પીછેહઠ થયા બાદ ચીનના સૈનિકો વાસ્તવિક અંકુશરેખા(એલએસી)ના અન્ય વિસ્તારોમાં તેની હિલચાલ વધારી દીધી છે. ચીને અરુણાચલમાં એલએસીથી 20 કિ.મી. અંતરે પર ગતિવિધિ વધારી દેતા હિમાચ્છાદિત વિસ્તારોમાં પણ સૈન્ય છાવણીઓ બનાવી છે.
ભારતીય સુરક્ષા એજન્સી અને ગુપ્તચર સંસ્થા આ હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે તેમ જ અહીં સેનાની વ્યુહાત્મક ગોઠવણ પણ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લદ્દાખમાં પીછેહઠ થયા બાદ ચીન નવા વિસ્તારોમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેને પગલે ભારત લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ચીનની સાથે જોડાયેલા તમામ સેક્ટરોમાં ચાંપતી નજર રાખી રહ્યું છે.
અરુણાચલ સેક્ટરમાં ભારતીય સેના અસાફિલા એરિયા, તાતિંગ એક્સિસ અને ફિશ ટેલ નજીકના વિસ્તારો પાસે ચીનના સૈનિકોની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી એલએસી નજીક અંતરીયાળ વિસ્તારોમાં ચીનના સૈનિકો પોતાના માર્ગો પર મૂવમેન્ટ વધારી રહ્યા છે. આ વિસ્તારોમાં ચીનના સૈનિક પેટ્રાલિંગ સમયે ભારતીય વિસ્તારોની નજીક આવતા જોવા મળે છે.
------------
પાકિસ્તાનની નક્શાબાજી: ડોભાલે એસીઓની બેઠક અધવચ્ચે પડતી મેલી
- જૂનાગઢ, સિયાચીન, લદ્દાખને પોતાનો હિસ્સો ગણાવતાં પાક.નાં કાલ્પનિક નક્શા વિરુદ્ધ ભારતની ગંભીર પ્રતિક્રિયા
નવી દિલ્હી, તા.1પ: પાકિસ્તાન સતત દુનિયાને ભ્રમમાં નાખવાની કોશિશો કરતું રહે છે. જેમાં આજે પણ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)નાં સદસ્ય દેશોનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો(એનએસએ)ની બેઠક દરમિયાન પાકિસ્તાને એક નવા જૂઠાણાને પ્રસારિત કરવાનો પ્રયાસ કર્યો હતો. બેઠકમાં પાકિસ્તાને એક કાલ્પનિક નક્શો પેશ કર્યો જેનાથી ઉશ્કેરાયેલા ભારતનાં એનએસએ અજીત ડોભાલે બેઠક અધવચ્ચેથી પડતી મૂકી દીધી હતી.
આ વિશે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, બેઠકમાં પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ઈરાદાપૂર્વક કાલ્પનિક નક્શો રજૂ કર્યો હતો. આ નક્શાને પાકિસ્તાન સતત પ્રસારિત અને  પ્રચારિત કરી રહ્યું છે. પાકિસ્તાનની આ હરકત સામે વાંધો ઉઠાવીને ભારતે બેઠક છોડી દીધી હતી. તેવું વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બેઠકની અધ્યક્ષતા રશિયા કરી રહ્યું છે.
શ્રીવાસ્તવે કહ્યું હતું કે, પાકિસ્તાનની આ હરકત યજમાન રશિયા દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાની ઘોર ઉપેક્ષા છે અને બેઠકના માપદંડનું પણ ઉલ્લંઘન પાકે. કર્યુ છે. યજમાન રશિયા સાથે વાતચીત પછી ભારતીય પક્ષે એ સમયે જ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજાયેલી બેઠક પડતી મૂકીને વિરોધ પ્રગટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ઈમરાન સરકારે ગત માસે એક નવો નક્શો જારી કરીને લદ્દાખ, સિયાચીન અને ગુજરાતનાં જૂનાગઢ સહિતનાં વિસ્તારોને પાકિસ્તાનનો હિસ્સો ગણાવી નાખ્યો હતો. પાકિસ્તાન ત્યારથી સતત આ નક્શાને પ્રસારિત કરી રહ્યું છે. જેની સામે આજે ભારતની ગંભીર પ્રતિક્રિયા આવી છે.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer