નવી દિલ્હી, તા. 15 : કોરોના અને લોકડાઉનને પગલે ભારતનું અર્થતંત્ર બેહાલ છે. હવે એશિયન વિકાસ બેન્કે (એડીબી) એવું અનુમાન આપ્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 9 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. આ પૂર્વે અનેક રેટીંગ એજન્સીઓ દેશના અર્થતંત્રમાં 9થી 15 ટકાના ગાબડાનો ચિંતાજનક અંદાજ આપી ચૂકી છે. એપ્રિલથી જૂનના ત્રિમાસિક દરમ્યાન જીડીપીમાં 23.9 ટકા સુધીનો તીવ્ર ઘટાડો થયો છે જે મુખ્ય દેશોમાં સૌથી ખરાબ દેખાય છે. એડીબી દ્વારા આજે જારી કરાયેલા એશિયન વિકાસ પરિદૃશ્યના અપડેટમાં જણાવાયું છે કે, ભારતમાં કોરોના વાયરસને પગલે આર્થિક ગતિવિધિ ખૂબ અસરગ્રસ્ત બની છે. ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જીડીપીમાં 9 ટકા સુધીનો ઘટાડો આવશે. ગોલ્ડમેન સેકશે એવું અનુમાન આપ્યું હતું કે, 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 14.8 ટકા સુધીનો મોટો ઘટાડો થઇ શકે છે. રેટીંગ એજન્સી ફિચે અર્થતંત્રમાં 10.5 ટકાના ઘટાડાનો અંદાજ આપ્યો છે. જોકે, એડીબીના મુખ્ય અર્થશાત્રી યાસુયુકે અવાદાએ કહ્યું હતું કે, લોકડાઉનથી આર્થિક ગતિવિધિને બહુ અસર થઇ હતી. જોકે, 2021-22માં ભારતીય અર્થતંત્રમાં મોટો ઉછાળો આવશે.
ચાલુ વર્ષે અર્થતંત્રમાં 9%નું ગાબડું પડશે : ADBનું અનુમાન
