ઈસ્લામાબાદ, તા.1પ: ભારત માટે માથાના દુ:ખાવારૂપ બનેલા ચીને પાકિસ્તાન સાથે સાંઠગાંઠ કરી પીઓકેમાં લશ્કરી થાણું સ્થાપી લીધાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
તિબેટ અને તાઈવાનથી દૂર રહેવાની ભારતને વણમાગી સલાહ આપતાં ચીને ભારતનાં મૂળભૂત હિતો સામે આંખઆડા કાન કરી તણાવ વધુ ભડકે તેવાં પગલાં ઉઠાવ્યાં છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર (સીપીઈસી) હેઠળ ચીન પાકિસ્તાનમાં 87 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે. તો બીજીતરફ ચોરીછૂપી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની મદદથી લશ્કરી થાણું બનાવી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનની આવી નાપાક ચાલને કારણે જ ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવ સતત વધી રહ્યો છે. વૈશ્વિક કારોબારમાં ભારત અને અમેરિકાની વધતી તાકાતથી ચીન રઘવાયું બની ગયું છે. તે ગ્વાદર પોર્ટ મારફત દુનિયાભરમાં પોતાના સામાનની નિકાસ કરવા ઈચ્છે છે. ચીનને હંમેશાં ડર છે કે ભારત અને અમેરિકા તેને હંફાવી શકે છે એટલે તેણે પોતાની સમગ્ર તાકાત પાકિસ્તાનમાં લગાવી નાખી છે. અહેવાલ અનુસાર ચીને 11 અબજ ડોલરના વધુ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમાં ઘણા પીઓકેમાં ચાલી રહ્યા છે. પાકિસ્તાન સરકાર ભલે ઈન્કાર કરતી હોય પરંતુ સ્થાનિક રિપોર્ટ અનુસાર પાકિસ્તાને છાનેખૂણે ચીની સેનાને પોતાના ગ્વાદર અને ગિલગિટ બાલ્ટિસ્તાનનાં પોતાનાં સૈન્ય ઠેકાણાનો ઉપયોગ કરવાની છૂટ આપી દીધી છે. ગિલગિટ વિવાદાસ્પદ પીઓકેમાં સ્થિત છે જેના પર ભારત પોતાનો દાવો કરતું આવ્યું છે. ચીન ગ્વાદર અને ગિલગિટ બન્ને ક્ષેત્રમાં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. ચીનના આ કારનામામાં પાકિસ્તાનની સેના સીધી મદદ કરી રહી છે.
ભારત માટે અન્ય એક ચિંતા વધારતી બાબત એ છે કે ચીન અને પાકિસ્તાને અબજો ડોલરની કરેલી સમજૂતીમાં પીઓકેના કોહલામાં ર.4 અબજ ડોલરનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પણ સામેલ છે. પીઓકેમાં ચીનનાં રોકાણને નિષ્ણાતો ભારત સાથે તણાવ વધારવાનાં પગલાં તરીકે જૂએ છે.
હવે POKમાં ચીનની ચંચૂપાત: લશ્કરી થાણાં સહિત અબજો ડોલરનું રોકાણ
