કમલા હેરીસની ઉમેદવારીને ભારત સાથે નીકટનું હિત છે

કમલા હેરીસની ઉમેદવારીને ભારત સાથે નીકટનું હિત છે
નવી દિલ્હી,તા. 13  : અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના ડેમોક્રેટીક પક્ષના ઉમેદવાર જો બિડેને બુધવારે પોતાના ઉપરાષ્ટ્રપતિપદના નોમીની તરીકે કમલા હેરીસના નામની જાહેરાત કરતાં આ સ્થાન માટે ચાલતી વિવિધ અટકળોનો અંત આવ્યો હતો. કમલા હેરીસનું નામાંકન ભારત માટે ખૂબ જ સંબંધિત છે અને મહત્ત્વનું છે. કમલાએ અમેરિકાની કોંગ્રેસની એક મહિલા સભ્ય પ્રેમીલા જયપાલે ટેકો આપ્યો હતો. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અમેરિકા ગયા ત્યારે પ્રમીલા જયપાલને નહોતા મળ્યા. કાશ્મીરના મામલે પ્રમીલા જયપાલ અને અન્ય સંસદસભ્યોએ ભારત સરકારની ટીકા કરી હતી તેથી એસ. જયશંકર આ લોકોને મળ્યા નહોતા.
અન્ય એક પ્રસંગે કમલા હેરીસને કલમ 370ની નાબુદી પછી કાશ્મીરની સ્થિતિ અંગે તેણી શું માને છે તે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘અમે સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ.’
તેણીએ પોતાની ભારતીય માતાનો ઘણીવાર ઉલ્લેખ કર્યો છે અને ઇન્દિરા ગાંધીને સૌથી મજબૂત મહિલા નેતા તરીકે ગણાવ્યા હતા. તેણીએ વસાહતીઓની તરફેણમાં પણ પોતાના વિચારો રજૂ કર્યા છે. મુસ્લિમ વસાહતીઓ પર પ્રમુખ ટ્રમ્પે પ્રતિબંધ લાગુ કર્યા તેનો પણ વિરોધ કર્યો હતો.
કમલા હેરીસના પરિવારજનોમાં હર્ષની હેલી
અમેરિકાની ચૂંટણીમાં ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે ડેમોક્રેટીક પક્ષના પ્રમુખપદના ઉમેદવાર જો બિડેને મૂળ ભારતીય એવી કમલા હેરીસની પસંદગી કરતાં ભારતમાં કમલા હેરીસના પરિવારજનો અને સગા સંબંધીઓમાંહર્ષની હેલી ફરી વળી છે. ચેન્નઇમાં રહેતી કમલા હેરીસની કાકી સરલાએ જણાવ્યું હતું કે અમે તેને ચીટ્ટી કહીને બોલાવતા હતા. 76 વર્ષની સરલાએ જણાવ્યું કે હજુ થોડા દિવસો પહેલાં જ અમે તેની સાથે વાતો કરી હતી.  દિલ્હીમાં રહેતા કમલાના મામા જે શિક્ષણશાસ્ત્રી છે તેમણે કમલાને અભિનંદનનો સંદેશો પાઠવી દીધો હતો.
ટ્રમ્પ કોરોના સામે નિષ્ફળ : બિડેન, હેરિસના પ્રહાર
રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર મળીને પ્રહાર કર્યા હતા. પહેલી વખત સાથે આવેલા બિડેન અને હેરિસે આરોપ મૂક્યો હતો કે કોરોના વાયરસને અંકુશમાં લાવવામાં ટ્રમ્પ નિષ્ફળ નિવડયા હતા. તેમજ દેશને રંગભેદના આધારે વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ પણ મૂક્યો હતો.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer