મોદીએ તોડયો વાજપેયીનો વિક્રમ

મોદીએ તોડયો વાજપેયીનો વિક્રમ
નમો ગુરુવારે બન્યા સૌથી લાંબો સમય સત્તા પર રહેનાર બિનકોંગ્રેસી વડાપ્રધાન
નવી દિલ્હી, તા.13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સૌથી લાંબા સમય સુધી સત્તા પર રહેનાર બિનકોંગ્રેસી વડાપ્રધાન બનીને અટલબિહારી વાજપેયીનો વિક્રમ તોડયો હતો. અટલજી તેમના તમામ કાર્યકાળ મળીને 2268 દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. મોદીએ આજે આ વિક્રમ વટાવ્યો હતો. ભાજપે 2014ની લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવતાં નરેન્દ્ર મોદીએ 26મી મે 2014ના દિવસે વડાપ્રધાનપદે શપથ લીધા હતા. ત્યારબાદ 2019માં પણ કેસરિયા પક્ષના પ્રભાવશાળી વિજય સાથે બીજીવાર મોદી વડાપ્રધાન બન્યા હતા. ભારતમાં સૌથી લાંબા ગાળા સુધી આ પદ પર રહેલા નેતાની વાત કરીએ તો આ વિક્રમ આઝાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનાં નામે છે, પંડિત નેહરુ 16 વર્ષ અને 286  દિવસ સુધી વડાપ્રધાન હતા. ત્યારબાદ તેમનાં જ પુત્રી ઈન્દિરા ગાંધી સૌથી વધુ સમય એટલે કે, 15 વર્ષ અને 350 દિવસ સુધી વડાપ્રધાન પદ પર રહ્યાં હતાં.  ભારતમાં સોથી ટૂંકા ગાળા માટે વડાપ્રધાનપદે રહેવાનો રેકોર્ડ ગુલઝારીલાલ નંદાનાં નામ પર છે. લાલબહાદુર શાત્રીનાં નિધન બાદ નંદા માત્ર 13 દિવસ માટે કાર્યવાહક વડાપ્રધાન રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer