હીરાના કારીગરોએ પ્લાઝમા ડોનેટ કરી દાનનું હીર ઝળકાવ્યું

હીરાના કારીગરોએ પ્લાઝમા ડોનેટ કરી દાનનું હીર ઝળકાવ્યું

સુરત 541 પ્લાઝમા દાન સાથે ગુજરાતમાં ટોચના ક્રમે -સુરત શહેરની યુનિક જેમ્સ કંપનીના 41 રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યું
સુરત, તા. 13: (ફૂલછાબ ન્યુઝ) ભૂતકાળમાં પૂર કે પ્લેગ જેવી કુદરતી આફતો સામે બાથ ભીડીને સૂરત ફરી પાછું બેઠું થઈ તેજ રફતારથી દોડતું થયું છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ જ્યારે સુરતમાં પગ જમાવ્યો છે ત્યારે કોરોના સામે લડવામાં અસરકારક પ્લાઝમા ડોનેટ કરવા સુરતીઓ રાજયભરમાં અગ્રેસર રહ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવીને રહેતા હીરાના કારીગરોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવીય પહેલ કરી છે.
શહેરની યુનિક જેમ્સ કંપનીના 41 હીરાના કારીગરોએ કોરોનામાંથી સાજા થઈને પ્લાઝમા દાન કર્યું છે. અત્યાર સુધી સુરતમાંથી 541 કોરોનામુક્તે પ્લાઝમાનું દાન કર્યું છે. હાલ કોરોનાની કોઈ દવા ન હોવાથી અન્ય ઉપાયો દ્વારા કોરોનાના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત થઈ છે. યુનિક જેમ્સના રત્નકલાકારોએ પ્લાઝમા દાન કરીને ખરા હીરા બન્યા છે.
સુરત હવે 514 વ્યક્તિઓએ પ્લાઝમાનું દાન કરીને ગુજરાતમાં પ્રથમક્રમે આગળ વધી રહ્યું છે. રોજીરોટી અર્થે સુરતને કર્મભૂમિ બનાવી, વસતા રત્નકલાકારો કોરોના દર્દીઓ માટે જીવંત હીરા સાબિત થયા છે. 
કતારગામની યુનિક જેમ્સ ડાયમંડ કં5નીના જયેશભાઈ મોણપરાને નજીકના સંબંધીનો વિનંતિ સાથે ફોન આવ્યો કે, પ્લાઝમાની તાતી જરૂરિયાત છે. જયેશભાઈએ તૈયારી બતાવીને સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું. તેમનો તા.30મી જૂનના રોજ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 15 દિવસ હોમ આઇસોલેટ રહીને કોરોને મ્હાત આપી હતી અને 28 દિવસ બાદ તેમણે પ્લાઝમા ડોનેટ કર્યું.
પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહે જણાવ્યું કે, અમારી ટીમે યુનિક જેમ્સના ડિરેક્ટર દિલીપભાઈ કેવડિયાનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે, 80 રત્નકલાકારો પૈકીના 66થી વધુ રત્નકલાકારોના એન્ટી બોડી ડેવલપ થઈ ચૂક્યા છે. દિલીપભાઈએ કંપનીના રત્નકલાકારોને પ્લાઝમા માટે  પ્રોત્સાહિત કરતા આ રત્નકલાકારોએ તુરંત જ પોતાના પ્લાઝમા આપવાની તૈયારી દર્શાવી.
પ્રથમ તબક્કે 66 રત્ન કલાકારોના એન્ટી-બોડી ટેસ્ટ કરાવીને તબક્કાવાર 41 રત્ન કલાકારોના પ્લાઝમા કલેક્ટ કર્યા છે જ્યારે બાકી 25 રત્નકલાકારો આગામી સમયમાં પોતાના પ્લાઝમાનું દાન કરશે.
યુનિક જેમ્સના પાર્ટનર દર્શનભાઈ સલિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મે મહિનામાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ મળતા સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ ગન, ઓક્સિમીટર, સેનેટાઇઝિંગ જેવી તકેદારી રાખી ડાયમંડ પ્રોડક્શન કાર્ય શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન ઘણી ડાયમંડ કંપનીના રત્નકલાકારો કોરોના સંક્રમિત થયા હતા. અમારી કંપનીમાં પણ છ રત્નકલાકારો સંક્રમિત થયા હતા. જેથી ત્રણ સપ્તાહ કંપની બંધ રાખવી પડી ત્યાર બાદ તા.14મી જુલાઈએ કામ શરૂ કર્યું.
છેલ્લા બેથી ત્રણ મહિના દરમિયાન કંપનીમાં જેટલા પણ રત્નકલાકારોને શરદી, ખાંસી કે તાવના લક્ષણો થયા હોય તેઓનો હેલ્થ ડેટા કલેક્ટ કરીને કંપનીએ સ્વખર્ચે તમામના એન્ટીબોડી રીપોર્ટ કરાવ્યા હતા. જે પૈકી 80થી વધુ રત્નકલાકારોમાં રોગ પ્રતિકાકર કોષો-પ્લાઝમા બની ચૂક્યા હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. હાલમાં અમારી કંપનીમાં એક મહિનાથી કોઈ રત્નકલાકારોને કોઈ પ્રકારના લક્ષણો જણાયા નથી.
પ્લાઝમા ડોનેટ કરનાર હીરાના કારીગર વિકાસભાઈ ગોહિલ જણાવે છે કે, કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ઘરે હોમ આઇસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયો છું. કોરોનામાંથી સ્વસ્થ થયેલા વ્યક્તિમાં એન્ટી બોડી થકી અન્યનું જીવન બચાવી શકાય છે. જેથી મેં પણ સ્મીમેર હોસ્પિટલ ખાતેની પ્લાઝમા બેન્કમાં પ્લાઝમા ડોનેટ કર્યું મારા પ્લાઝમાથી બે વ્યક્તિને નવજીવન મળશે તેની મને ઘણી ખુશી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer