સૌરાષ્ટ્રમાં સચરાચર જળવર્ષા: મોરબીમાં પ, રાજકોટમાં 4.પ ઈંચ

સૌરાષ્ટ્રમાં સચરાચર જળવર્ષા: મોરબીમાં પ, રાજકોટમાં 4.પ ઈંચ
 
ગોંડલમાં સાડા ચાર ઈંચ: સોરઠ પંથકમાં ત્રણ ઈંચ સુધી: કાઠિયાવાડ, ભાવનગર, હાલાર, પોરબંદર, દીવ પંથકમાં મેઘમહેર: બોટાદમાં સવા ત્રણ ઈંચ
 
રાજકોટ, તા. 13: (ફૂલછાબ ન્યુઝ) જન્માષ્ટમી પર્વે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મુકામ કરતા સચરાચર વરસાદ વરસાવ્યો છે. આઠમ અને નોમના બન્ને દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝરમર-ઝાપટાંથી માંડી ઝાલાવાડ પંથકમાં તો સવા સાત ઈંચ મેઘમહેર વરસાવી છે. આ ઉપરાંત મોરબીમાં બે દિવસમાં પ, કોટડાસાંગાણીના રામોદમાં 3, જામકંડોરણામાં ર ઈંચ વરસાદ વરસ્યો છે. આમરણ ચોવીસી પંથકમાં ચોવીસ કલાકમાં 8 ઈંચ જળવર્ષા થઈ છે. કલ્યાણપુરનું રાવલ ગામ બેટમાં ફેરવાયું છે. હાલાર, ભાવનગર, કાઠિયાવાડ, અમરેલી પંથકમાં પણ ઝાપટાંથી બે ઈંચ સુધી મેઘમહેર વરસી હતી. સોરઠ પંથકમાં ત્રણ ઈંચ સુધી મેઘમહેર થઈ છે.
રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરતા બુધવાર, આઠમની સવારથી લઈને ગુરૂવાર સાંજ સુધીમાં ધીમીધારે તબક્કાવાર વરસાદ વરસતા રાત સુધીમાં સાડા ચાર ઈંચથી વધુ નીર વરસાવ્યું હતું. આ સાથે મોસમનો કુલ ર9 ઈંચ જેટલો વરસાદ થયો છે.
ગોંડલમાં ચોવીસ કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ વરસતા નદીમાં પુર આવ્યા હતા. આશાપુરા તથા સેતુબંધ ડેમ ભયજનક સપાટીએ ઓવરફ્લો થતા પાલિકા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું હતું. વોરાકોટડા રોડ પર રૈયાણી નગરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. ગત રાત્રીએ પણ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે ગોંડલી નદી બે કાંઠે વહી હતી.
જામકંડોરણામાં બપોરે બાર વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ થયો હતો. ઉતાવળી નદી, સારણ નદી, ફોફળ નદીમાં પુર આવ્યા હતા. મોસમનો કુલ વરસાદ 747 મિમિ થયો છે.
કોટડા સાંગાણીના રામોદ ગામે ત્રણ ઈંચ વરસાદ વરસતા  નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદથી રામોદીયો નદીમાં પુર આવ્યું હતું. ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
જસદણમાં સવારે ચાર વાગ્યાથી રાત સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસતા ભાદર નદીમાં ચાલુ વર્ષે પ્રથમ વખત પુર આવ્યું હતું. ગોખલાના, બાખલવડ, પાચવડા, માધવીપુર સહિતના પંથકના નદી-નાળા છલકાઈ ગયા હતા.
દામનગર વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા સૂર્યદેવના પણ દર્શન થતા નથી. અત્યાર સુધી મોસમનો 16 ઈંચ વરસાદ થયો છે. કુંભનાથ તળાવમાં નવ ફુટ પાણી ભરાયું છે. તળાવને કાંઠે આવેલા કુંભનાથ મહાદેવના દર્શને અને હરવા ફરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીંયા લાદી નાંખવા સહિતની વ્યવસ્થા કરવા માગ ઉઠી છે.
મોરબીમાં બે દિવસમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદથી સમગ્ર શહેર અને પંથકમાં જળબંબાકાર થઈ ગયું છે. આઠમ-નોમના તહેવારમાં મેઘરાજા મોરબીમાં તુટી પડયા હતા. જેથી તહેવારોમાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. બે દિવસમાં હળવદમાં 67, ટંકારામાં 93, વાંકાનેરમાં 37 અને માળીયામાં 1ર ઈંચ વરસાદ વરસ્યો છે.
આમરણ ચોવીસી પંથકમાં જન્માષ્ટમીથી નોમની સાંજ સુધીમાં 8 ઈંચ વરસાદ વરસી ગયો હતો. આમરણનું પ્રાચીન હાટકેશ્વર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. ખેતરોમાં તેમજ જામનગર કંડલા કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે.
કોડીનાર તાલુકાના ડોળાસા અને આસપાસના ગામમા એક ઈંચ જેટલા વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ર3 ઈંચ થયો છે.
બોટાદ જિલ્લામાં ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત થઈ ગયા હતા તેમજ મુરઝાયેલા ગયેલા પાક જેમાં સિંગ, કપાસ, તુવેર અને તલના પાકને વરસાદ ખેંચાવાના કારણે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી હતી ત્યારે મેઘરાજાની કૃપા થતા માલ મોલાતને પણ જીવનદાન મળ્યું હોય તેમ સોળે કળાએ ખીલી ઉઠી હતી. સતત વરસી રહેલા વરસાદ જાણે કાચુ સોનુ વરસી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. બોટાદમાં 36, રાણપુરમાં 12, ગઢડામાં 48, બરવાળા 29 એમએમ વરસાદ થયો હતો.
બાબરા તાલુકામાં બે દિવસથી વરસાદ વરસતા વધુ બે ઈંચનો વધારો થયો છે. પાનસડા, કર્ણુકી, મીયાખીજડીયામાં ચાર ઈંચ વરસાદ વરસતા જળબંબોળ થઈ ગયા છે. જેનાથી રસ્તા કલાકો સુધી બંધ રહ્યા હતા. નદી પર ઓવરબ્રીજના અભાવે દશ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. બાબરા પંથકમાં સીઝનનો 90 ટકા વરસાદ વરસી ગયાનું ફ્લડ અધિકારીએ જણાવ્યું હતું.
જામનગર પંથકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જોડીયામાં બે, ધ્રોલમાં દોઢ, કાલાવડ અને લાલપુરમાં એક-એક ઈંચ તેમજ જામનગર શહેરમાં ઝાપટાં વરસ્યા હતા. ફલ્લામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જે ખેતરમાં ઉભા પાકને ફાયદારૂપ બન્યો છે.
કલ્યાણપુરમાં 48 કલાકમાં 8થી 10 ઈંચ વરસાદને કારણે રાવલ ગામ બેટમાં ફેરવાયું હતું. રાવલના હનુમાનધાર વાળા વાઢી વિસ્તારમાં  ઘોડાપુર આવ્યું છે. હાલ પાકને પણ નુકસાની અને ખેતરોના પારાનું ધોવાણ થતા લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ છે.
ગઢડા સ્વામીના પંથકમાં સારા વરસાદને કારણે ઘેલો નદી પુર બહારમાં ખીલી છે. કુદરતી સૌંદર્ય આહ્લાદક બની ગયું છે.
દીવમાં બપોર બાદ સતત વરસાદથી સાંજ સુધીમાં બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.
ભાવનગર શહેર-જિલ્લા પંથકમાં જન્માષ્ટમીના દિવસે આખો દિવસ ઝરમર વરસાદ બાદ બીજા દિવસે પણ અડધાથી સવા ઈંચ વરસી ગયો હતે. ઉમરાળામાં સવા, ગારીયાધારમાં ઝાપટું, ઘોઘામાં અડધો ઈંચ, જેસરમા ઝાપટું, પાલીતાણામાં અડધો, ભાવનગરમાં પોણો, વલભીપુરમાં સવા ઈંચ સિહોરમાં ઝાપટું વરસ્યું હતું.
અમરેલી જિલ્લામાં ઝાપટાથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી, બાબરા, રાજુલા, લાઠીમાં એક-એક ઈંચ વરસાદના વાવડ મળે છે. અન્યત્ર પણ ઝાપટાં વરસ્યા હતા.
સોરઠ પંથકમાં એકથી ત્રણ ઈંચ વરસાદ થયો છે. જૂનાગઢમાં બે, વિસવાદર અને ભેસાણમાં ત્રણ, માણાવદર અને વંથલીમાં અઢી, માળીયા અને કેશોદમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. સરવડા રૂપી અવિરત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. સાંજ સુધી ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો.
પોરબંદરમાં રાણાવાવમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે મોસમનો 47 ઈંચ વરસાદ થયો છે. કુતિયાણામાં મોસમનો કુલ 46 અને પોરબંદરમાં 40 ઈંચ વરસાદ થયો છે.
બોટાદ જિલ્લામાં સાંજે 6 સુધીમાં ગઢડામાં પોણા ત્રણ ઈંચ, બરવાળામાં સવા ત્રણ ઈંચ, બોટાદમાં સવા ત્રણ ઈંચ, રાણપુરમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
પાનેલી મોટી ગામે સાંજ સુધીમાઁ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. બુધવારની રાત્રે અહીંયા મુશળધાર વરસાદ વરસ્યો હતો. પાનેલી તળાવમાં નવા નીરની આવક થઈ છે. ફુલઝર નદી બે કાંઠે વહી રહી છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, જાંબુઘોડામાઁ 7-7 ઈંચ, પાવી જેતપુર અને અંકલેશ્વરમાં પ-પ ઈંચ વરસાદ વરસ્યો હતો.
 
વાસાવડ કોઝવે પરથી તણાયેલા પ્રૌઢનું મૃત્યુ, ધોરાજીમાં દીવાલ પડી
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ભારે વરસાદને કારણે નદીમાં પુર આવ્યા હતા. ગામના પ્રવેશદ્વાર પાસે નદી પરથી કોઝવે પરથી ચારથી પાંચ ફુટ ધસમસતા પાણી વહી રહ્યા હતા. જેને સાયકલ પરથી પસાર કરવાના પ્રયાસમાં મનસુખભાઈ વીરજીભાઈ સોલંકી (ઉ.પ8) તણાયા હતા અને પાણીમાં લાપતા બનતા ગોંડલ ફાયર બ્રિગેડે શોધખોળ કરતા કોઝવેથી આગળ દરગાહ પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ ધોરાજીમાં ર4 કલાકથી ધીમીધારે વરસાદ વરસતો હતો તે દરમિયાન ચમાલીપા વિસ્તારમાં એક જુનું મકાન અચાનક પડી ગયું હતું. આ દુર્ઘટનામાં સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. મકાનની અંદર રસોઈ કરતી મહિલા અને બહાર રમતા બાળકોનો ચમત્કારીક બચાવ થયો હતો.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં છેલ્લા ર4 કલાકમાં 7-7 ઈંચ વરસાદ અને પાવી જેતપુર તથા અંકલેશ્વરમાં પ-પ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. જેથી વાહન વ્યવહારને અસર થઈ છે. નાંદોદમાં 3, ગરૂડેશ્વરમાં ર, તિલકવાડામાં 3, ડેડીયાપાડામાં 7, સાગબારામાં ર, વડોદરામાં 3, પાદરામાં અઢી વાઘોડીયામાં ર, ડભોઈમાં ર ઈંચ અને સાવલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. હાંસોટમાં સાડાચાર, નેત્રંગમાં ચાર અને ઝઘડીયા તથા વાગરામાં ત્રણ અને વાલીયામાં ર ઈંચ વરસાદ થયો છે.
 
ગોંડલ ઉમવાળા અંડરબ્રિજમાં બસ ફસાઈ: મુસાફરોનો બચાવ
 
ગોંડલ, તા. 13: ઉમવાળા અંડરબ્રિજ  ખાતેથી એસટી બસ પસાર થતી હતી તે પાણીમાં ફસાઈ ગઈ હતી. મુસાફરો જીવના જોખમે બહાર નીકળ્યા હતા. ગોંડલ-પાવાગઢ રૂટની આ બસ હોવાનું જાણવા મળે છે. બસને બહાર કાઢવામાં જેસીબીની મદદ લેવાઈ હતી. આ ઘટનામાં એસટી તંત્ર દ્વારા બસ ડ્રાઈવર પ્રવિણભાઈ કોચરાની બદલી સુરેન્દ્રનગર કરી સસ્પેન્ડ કરાયા હતા.
 
આગામી 5 દિવસ ભારેથી  અતિભારે વરસાદની આગાહી
 
સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગઉછની ટીમ યથાવત રખાશે
 
અમદાવાદ, તા.13: ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલમાં ગુજરાતમાં 2 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય છે, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સક્રિય થવાના પરિણામરૂપે રાજ્યમાં 17 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના મોટાભાગના જિલ્લામાં તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલી સહિત વિસ્તારોમાં રેડ એલર્ટ આપ્યું છે. માછીમારોને 17 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટેની પણ સલાહ આપવામાં આવી છે.
આગાહીને પગલે રાજ્યના મોટા ભાગના જ્લ્લાઓમાં એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. 14 ટીમોને હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં સુરતમાં 1, વલસાડમાં 1, નવસારી 1, પોરબંદરમાં 1, ભાવનગરમાં 1, અમરેલીમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, ગીર-સોમનાથમાં 1, પાલનપુર 1, જામનગરમાં 1, મોરબીમાં 1, કચ્છમાં 1 અને પાટણમાં 1 ટીમ મોકલવામાં આવી છે. જ્યારે 2 ટીમોને રિઝર્વ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં 1 ગાંધીનગર અને 1 ટીમ વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. આ ટીમોને જરૂર જણાશે તો જ ઉત્તર ગુજરાતમાં મોકલવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમ યથાવત રાખવામાં આવશે.
આવતીકાલે 14 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ, 15 ઓગષ્ટના રોજ સુરત, વડોદરા, નર્મદા, ભરૂચ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા કચ્છ તેમજ 16 ઓગષ્ટના રોજ બનાસકાંઠા, દ્વારકા, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, પાટણ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer