રાજસ્થાનમાં રાજકીય કટોકટીનો અંત

રાજસ્થાનમાં રાજકીય કટોકટીનો અંત
 
 પાયલોટ સાથીઓ સાથે ગેહલોતને મળ્યા
 ધારાસભ્યોની બેઠકમાં ગેહલોતે કહ્યું પોતાના એ પોતાના જ હોય છે
 
જયપુર, તા. 13: રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર પરનું સંકટ ટળી ગયું છે. આજે પક્ષના ધારાસભ્યોની બેઠકમાં ગેહલોત અને સચિન પાયલોટ એક સાથે હાજર રહેતા રાજકીય સંકટ દૂર થયું છે. જોકે, ગેહલોતે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘અમે એ 19 ધારાસભ્યો વિના પણ બહુમતી સાબિત કરી શકયા હોત પણ તેનો આનંદ ન હોત. પોતાના તો પોતાના જ હોય છે.’ ગઈકાલે પણ ગેહલોતે જણાવ્યું હતું કે, પાયલોટ અને તેના સાથીઓ માટે હવે કોઈ ફરિયાદ નથી. બન્ને આજે મળ્યાં હતા. જોકે, એકબીજા ભેટયા નહોતા અને માસ્કના કારણે બન્નેની ખુશીનો પુરો અંદાજ લગાવી શકાયો નહતો.
18 સાથી વિધાયકોને લઈ  સીએમ સામે ખુલ્લંખુલ્લા બળવો કરનાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશાધ્યક્ષ પાયલટ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પહેલાં સીએમ ગેહલોતને તેમના નિવાસે જઈ મળ્યા હતા. 18 ધારાસભ્યો સાથે પાયલટે સીએમ સામે કરેલા બળવાએ  સર્જેલી એક માસ જૂની રાજકીય કટોકટી બાદ બેઉ વચ્ચે આ બેઠક યોજાઈ હતી.
દરમિયાન  આ મુલાકાત પહેલાં ગેહલોત સરકાર વિરુદ્ધના ષડયંત્રના આરોપી પૂર્વ પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને વિધાયક ભંવરલાલ શર્માના સસ્પેન્શનને કોંગ્રેસ પક્ષે પાછું ખેંચી લીધું છે. પક્ષે ભારપૂર્વક જણાવ્યુ હતું કે કટોકટી એ હવે બંધ થઈ ચૂકેલુ પ્રકરણ છે અને સરકારને ટેકો આપનાર તમામ ધારાસભ્યો રાજય સરકારને મજબૂત કરશે અને મહામારી તથા આર્થિક યાતનાઓ સામે લડશે. ગઈ કાલે પાયલટ પત્રકારોને જણાવી ચૂકયા હતા કે બળવાખોર ધારાસભ્યોની વાપસી  નાગરિકોનો વિજય છે.
ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે એવા અહેવાલોના પ્રતિસાદમાં કોંગ્રેસ પક્ષે જણાવ્યુ હતું કે તે આવતી કાલથી શરૂ થતા ખાસ સત્રમાં પક્ષ વિશ્વાસ પ્રસ્તાવ લાવશે.      
 
આજથી શરૂ થતા સત્રમાં ભાજપ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ
જયપુર, તા. 13:  ભાજપ, રાજ્ય સરકાર વિરુદ્ધ વિધાનસભા પ્રસ્તાવ લાવનાર છે. આવતી કાલથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં ભાજપે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. હવે ગેહલોત સરકારે તેમાંથી બચવા ફલોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવાની રહેશે. કોંગ્રેસ સરકાર ખુદના વિરોધાભાસોમાં પતન થશે એવો દાવો કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ ટકોર કરી હતી કે એક માસથી ગેહલોત ભાજપ પર જૂઠા આરોપ મૂકે છે પણ કોંગ્રેસના બે ફાડિયા થઈ ચૂક્યા હોઈ આપસી અદાવતી સરકાર પડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer