કરદાતાઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ

કરદાતાઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ
 
વડા પ્રધાને શરૂ કરી પારદર્શી કર પ્રણાલિ : વીડિયોકોન્ફરન્સિંગથી કર્યો ફેસલેસ અપીલ, એસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટરનો પ્રારંભ
 
આનંદ  કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 13 : વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ આજે આવકવેરાની વસૂલાત માટે ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન-ઓનરિંગ ધ ઓનેસ્ટ’ નામના નવા માળખાની ઘોષણા કરી હતી. આ નવી પ્રણાલીથી કરદાતાઓ સાથે ન્યાયી, વિવેકી અને તર્કસંગત વ્યવહાર થશે અને તેમની ગરીમા જળવાશે તેમ જ કરદાતાઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું.
ઓળખહીન આકારણી, ઓળખહીન અપીલ અને કરદાતાના હક્કોનું ખતપત્ર નવી વ્યવસ્થાનાં મહત્ત્વનાં અંગો છે. કરવેરા વ્યવસ્થાને લોકકેન્દ્રી અને જનતાલક્ષી બનાવવાનો સરકારનો ઉદ્દેશ છે, એમ મોદીએ જણાવ્યું હતું. 
આવકવેરાની ઓળખહીન આકારણી અને કરદાતાનું હક્કપત્ર આજથી જ અમલમાં આવે છે, જ્યારે ઓળખહીન અપીલની વ્યવસ્થા 25 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
આવકવેરાની વસૂલાતની પદ્ધતિમાં કરાયેલા ફેરફારો નીતિઆધારિત વહીવટ, પ્રજાની પ્રામાણિકતામાં વિશ્વાસ, અદ્યતન ટેક્નૉલૉજીનો ઉપયોગ અને અમલદારોની કાર્યદક્ષતામાં થયેલા વધારાનું પરિણામ છે, એમ મોદીએ જણાવ્યું હતું. ‘જ્યાં જટિલતા હોય ત્યાં કરપાલનમાં મુશ્કેલી આવે છે,’ એમ તેમણે કહ્યું હતું.
‘હવે કરદાતાઓ સાથે અવિશ્વાસભર્યો વ્યવહાર નહિ થાય અને તેમને પરેશાન નહીં કરાય‘ એમ વડા પ્રધાને કરદાતાઓના હક્કો અને ફરજોના ખતપત્રની  જાહેરાત કરતા જણાવ્યું હતું. ‘હવે કરવેરા પદ્ધતિ અંતરાયહીન, દર્દમુક્ત અને ઓળખહીન બનશે. ઇન્કમ ટઙ્મક્સ ડિપાર્ટમેન્ટ અને કરદાતા વચ્ચેનો સંપર્ક ઓળખહીન  હશે અને હેરાનગતિ તથા ભ્રષ્ટાચાર નિવારવા માટે બધો વ્યવહાર આઙ્મનલાઇન કરાશે’, એમ તેમણે ઉમેર્યું હતું. 
ભારતની કરવેરા વ્યવસ્થા કરદાતાની હેરાનગતિ માટે નામચીન છે. ઘણીવાર શુભ ઈરાદાવાળા અતિ-ઉત્સાહી અમલદારોએ કરવેરાની આવક વધારવાની દોટમાં વિકાસને હાનિ પહોંચાડી છે અને ભલાઈ કરતાં નુકસાન વધુ કર્યું છે.
અમલદારોના ભ્રષ્ટાચાર અને હેરાનગતિની શક્યતા ઘટાડવા માટે સરકારે આવકવેરાની ઓળખહીન આકારણી કરવાની પદ્ધતિ દાખલ કરી હતી. ભારતમાં કાઙ્મૅફી શોપની સૌથી મોટી ચેઇનના સ્થાપક વી. સિદ્ધાર્થે કરવેરા અધિકારીઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી ત્યાર પછી આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
દરમિયાન કરવેરા અધિકારીઓ ઓળખહીન આકારણી પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ સુધારો દાખલ કરતા અગાઉ તેમની સાથે ચર્ચાવિચારણા કરાઈ ન હતી અને તેનો અમલ કરવા માટે તેમની પાસે પૂરતાં  સંસાધનો નથી. તેઓ કહે છે કે ઓળખહીન આકારણીને કારણે કરવેરાની આવક ઘટશે અને આ વર્ષના ઊંચા લક્ષ્યાંકો પૂરા કરવા માટે મથામણ કરી રહેલા અધિકારીઓની તાણમાં વધારો થશે.  નાણાં મંત્રાલયના આંકડા દર્શાવે છે કે બારીક ચકાસણી માટે અલગ તારવાતાં રિટર્ન્સનું પ્રમાણ 2017-18માં 0.55 ટકા હતું તે 2018-19માં ઘટીને 0.25 ટકા થઈ ગયું હતું, એમ વડા પ્રધાને જણાવ્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer