ઝાલાવાડ પર ઝાકમઝોળ: લખતરમાં 7 ઈંચ વરસાદ

ઝાલાવાડ પર ઝાકમઝોળ: લખતરમાં 7 ઈંચ વરસાદ
 
વઢવાણ, રાજકોટ, તા. 13: સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વ પર મેઘરાજા મહેમાન બનીને આવી ચડયા છે. કૃષ્ણજન્મની ઉજવણી કરતા મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં સચરાચર કૃપા વરસાવી છે. જોકે આ વખતે ઝાલાવાડ પંથક પર વિશેષ હેત વરસાવતા સવા સાત ઈંચ જેટલો વરસાદ વરસાવ્યો છે. આ ઉપરાંત આમરણ ચોવીસી પંથકમાં 8 અને કલ્યાણપુર પંથકમાં બે દિવસમાં દસ ઈંચ જેટલા વરસાદથી રાવલ ગામ બેટમાં ફેરવાયું છે.
ઝાલાવાડ પંથકમાં ગુરૂવારે સવારથી સાંજ સુધીમાં બારે મેઘ ખાંગા થયા હતા. લખતરમાં સવા સાત ઈંચ, વઢવાણમાં પાંચ ઈંચ, ચુડામાં સવા બે, ચોટીલામાં સવા, થાનમાં અઢી, મુળીમાં દોઢ, સાયલામાં સવા બે ઈંચ અને ધ્રાંગધ્રામાં અડધો ઈંચ જેટલું ઝાપટું વરસ્યું હતું. આ વરસાદને કારણે તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના કોઝ વે પાણીમાં ગરક થઈ ગયા હતા. લખતરમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
 
આમરણ પંથકમાં 8 ઈંચ, રાજકોટના પરિવાર સહિત 7 ફસાયા
આમરણ તા. 13 : આમરણ ચોવીસી પંથકમાં જન્માષ્ટમીથી નોમની સાંજ સુધીમાં 8 ઈંચ વરસાદ વરસી ગયો હતો. આમરણનું પ્રાચીન હાટકેશ્વર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. ખેતરોમાં તેમજ જામનગર કંડલા કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ધુળકોટ, અંબાલા, માવનુગામ, બેલા, ઉંટબેટ, ફડસર, ઝીંઝુડા, કોઠારીયા, પાડાબેકડ વગેરે ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતા સંપર્કવિહોણા બન્યા છે. આમરણ જીવાપર મોરબી માર્ગ પરથી વાહન વ્યવહાર બંધ થયો છે.  અતિભારે વરસાદના કારણે ફડસર ગામ નજીક રાજકોટમાં આમ્રપાલી પાસે રહેતા પરિવારના 4 સહિત 7 સભ્ય ફસાયા છે. રાજકોટનો પરિવાર ઈબ્રાહિમભાઈ ખેરાણી, સાહિલ, મહેબુબ, અબ્દુલ બાભણિયા, કરીમ વલીભાઈ, મોહિદ નામનો બાળક વગેરે આમરણ પાસે ઝીંઝુડા ગામે દરગાહે દર્શન કરવા જતો હતો ત્યારે પોતાની કાર સાથે પાણીમાં ફસાયા હતા. આ ઉપરાંત પોસ્ટમાં નોકરી કરતા દીપકભાઈ પંડયા ફરજ પર ગયા બાદ ફસાયા હતા. રેસ્કયુ કરવા ગયેલા તરવૈયા દેવજીભાઈ અને દેવાયતભાઈ પણ ભારે પાણીમાં ફસાયા હતાં. રસ્તા પર પાણી ફરી વળ્યા હોવાથી રેસ્કયૂ ટીમ પણ અધવચ્ચે ફસાઈ હોવાથી ઘટના સ્થળે પહોંચતા વિલંબ થવાની શકયતા છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer