સુરતમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના મૃત્યુ બાદ સોનાની વીંટી ગુમ થતાં હોબાળો

 
સુરત, તા.13  :  સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ તેનો સામાન ચોરાઈ જતા પરિવારે હોબાળો મચાવ્યો હતો. આજે સવારે 79 વર્ષિય વૃદ્ધાનું મોત થયા બાદ તેના હાથમાં રહેલી સોના અને ચાંદીની વીંટી પૈકી સોનાની વીંટી ગુમ થઈ હતી. બે કલાકના હોબાળા અને ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરાતાં આખરે ટેબલ પરથી ગુમ થયેલી વીંટી બાથરૂમની પાળી પરથી મળી આવી હતી.  મોતી ટોકિઝ ખાતે આવેલા સાંઈ લીલા એપાર્ટમેન્ટમાં રહેતા રુકૈયા અમીરભાઈ રાજકોટવાળાને 6 ઓગસ્ટના રોજ સિવિલના કોવિડ 19માં દાખલ કરાયા હતા. આજે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારને જાણ કરતા તેઓ સિવિલ આવ્યા હતા. વૃદ્ધાના હાથની સોનાની વીંટી એકતા ટ્રસ્ટના કર્મચારીએ ઉતારી સર્વન્ટના હાથમાં આપી હતી. ત્યારબાદ સર્વન્ટે વીંટી ટેબલ પર મૂકી હોવાનું કહ્યું હતું. પરંતુ, આ દરમિયાન વીંટી ગુમ થઈ થવાની વાતથી પરિવારે હોબાળો મચાવ્યો હતો. સિવીલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે  જણાવ્યું હતું કે, આ ગંભીર બાબતે ચોક્કસ તપાસ હાથ ધરી પગલાં લેવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer