શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતની ધરપકડ બાદ જામીન મંજૂર

 
રાજ્ય સરકારે હાઇકોર્ટના નિવૃત્ત જજ કે. એ. પૂજની અધ્યક્ષતામાં તપાસ   પંચ રચ્યું
 
અમદાવાદ, તા.13 : નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 8 દર્દીના મૃત્યુ થયા હતાં. આ હોસ્પિટલના સંચાલક અને મુખ્ય આરોપી ભરત મહંતની ધરપકડ બાદ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે 15 હજારના પર્સનલ બોન્ડ મંજૂર કરી મુક્ત કર્યા છે. જો કે શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ પ્રકરણમાં રાજ્યસરકારે હાઇકોર્ટના નિવૃત્ત જજ કે.એ. પૂજની અધ્યક્ષતામાં તપાસ પંચ રચ્યું છે. આ તપાસ પંચ ત્રણ મહિનામાં સમગ્ર પ્રકરણની તપાસ કરી રાજ્યસરકારને અહેવાલ સુપરત કરશે.
આ ચકચારી કેસમાં ચાર દિવસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના 24 કલાકમાં મુખ્ય આરોપી અને સંચાલક ભરત મહંતને રિમાન્ડ માટે જજના ઘરે રજૂ કરવામાં આવ્યાં હતાં. નવરંગપુરા પોલીસ દ્વારા આરોપીની તપાસ માટે 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરતા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેને કોર્ટે માન્ય રાખતાં આરોપીને 15 હજારના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યાં છે.
ભરત મહંત સામે આઇપીસી 336, 337, 338 અને 304-અ મુજબ ગુનો દાખલ કરાયો હતો. જોકે કાચું ન કપાય તે માટે અન્ય ડિવિઝનના એસીપીને આ તપાસ સોંપાઈ છે. અત્યાર સુધીની તપાસમાં એવું સામે આવ્યું છે કે ફાયર એક્ષ્ટીંગ્યુસર્સનો ઉપયોગ ફરજ પરના સ્ટાફે કર્યો ન હતો કારણ કે આ અંગેની તાલીમ તેઓને અપાઈ ન હતી. જે મુખ્ય સંચાલકની બેદરકારી પણ ગણી શકાય તેવુ માની પોલીસે ગુનો નોંધ્યો હતો. ઉત્તર અને દક્ષિણે દીવાલો કરવાથી આગનો ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો અને ફાયર એનઓસી ન હોવાના કારણે ફાયર ઓડિટ થઈ શક્યું નહોતું. ફાયર એલાર્મ પણ ન હોવાથી આગના કારણે લોકોના જીવ ગયા હતા. હોસ્પિટલમાં 86 ટકા હિસ્સો ભરત મહંતનો હોવાથી તેની સામે ગુનો નોંધાયો હતો. સુરતમાં અગ્નિકાંડ થયો અને મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ નીપજ્યાં હતા ત્યારે આરોપીઓને વહેલી તકે જામીન આપવામાં આવ્યા ન હતાં. પરંતુ આ કેસમાં આરોપીના ખૂબ જ વહેલા જામીન મંજૂર કરવામાં આવ્યાં છે.
ભરત મહંતના ઇતિહાસની વાત કરીએ તો તેઓ 1997માં પોરબંદરની કુતિયાણા બેઠકથી ચૂંટણી લડયા હતા. કરસન ઓડેદરાની સામે ભરત મહંત કોંગ્રેસ તરફથી લડયા હતા. ગત લોકસભા ચૂંટણી વખતે ભરત મહંત ભાજપમાં જોડાયા હતા. શ્રેય હોસ્પિટલનાં ટ્રસ્ટીમાં મહંત ઉપરાંત ડોક્ટર કિર્તીપાલ વિસાણા, ડોક્ટર ભાર્ગવ મહારાજા, સુપ્રાટેક લેબના સંદીપ શાહ, ડોક્ટર તરંગ પટેલ, મહેશ ઓડેદરા છે. જો કે રાજ્યના ગૃહ સચિવ સંગીતાસિંઘ અને અધિક મુખ્ય સચિવ મુકેશપુરીએ રાજ્યસરકારને રિપોર્ટ સોંપ્યો હતો ત્યાર બાદ રાજ્યસરકારે સમગ્ર પ્રકરણની તપાસ માટે જ્યુડિશિયલ ઇન્કવાયરીના આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે નિવૃત્ત જજ કે.એ.પુજના વડપણ હેઠળ પંચની રચના કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer