આત્માના ઓડીટ કરવાના ઉત્તમ દિવસો એટલે પર્યુષણ પર્વ

આત્માના ઓડીટ કરવાના ઉત્તમ દિવસો એટલે પર્યુષણ પર્વ
15મીથી મહાપર્વનો પ્રારંભ; સાદાઈથી ઉજવાશે
સમસ્ત જૈન સમાજ ઘરમાં જ મહાવીરમય બનશે
રાજકોટ, તા.9: પર્વાધિરાજ પર્યુષણ પર્વનો તા.15ને શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. અઠ્ઠાઈ ધર શનિવારથી આઠ દિવસ સમસ્ત જૈન સમાજ મહાવીરમય બનશે. જ્યારે તા.22ના સંવત્સરીનું મહાપર્વ ઉજવાશે.
કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી ભાવિકો પ્રાર્થના, પ્રતિક્રમણ, જપ-તપ સહિતના અનુષ્ઠાનો ઘરમાં જ રહીને કરશે. પર્યુષણ પર્વ એટલે ભોજનિકમાંથી ભજનિક બનવાના દિવસો, આત્માનું ઓડીટ કરવાના ઉત્તમ દિવસો.
ત્રિલોકીનાથ તીર્થકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે. પરંતુ મહા પુરુષોએ આગળના સાત દિવસ સંવત્સરીની ભૂમિકારૂપ ધર્મમય માહોલ બનાવવા માટે તેમજ ધર્મપ્રેમીઓ વધારેમાં વધારે સમય ધાર્મિક, અનુષ્ઠાનો, પ્રાર્થના, પ્રવચન, પૌષધ, પ્રતિક્રમણ, તપ-જપ કરી ધર્મ ધ્યાનમાં સતત રત રહે તે હેતુથી આઠ દિવસ પર્યુષણ પર્વની પરંપરા ચાલુ કરેલ છે.
પર્યુષણ પર્વને જૈનો પર્વનો રાજા ગણે છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે અને પરીક્ષાના સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વર્ષ સફળ થ, જાય છે. તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન છે.
વર્ષ દરમિયાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચના, ગહો કરી, પ્રાયશ્ચિત લઈ તપ-ત્યાગ કરીને કર્મો ખપાવવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે. આગળના સાત દિવસે એટલે આત્મા સાધના કરવાના દિવસો અને સંવત્સરીનો દિવસ એટલે સિધ્ધિનો દિવસ.
જ્ઞાની ભગવંતો કહે છે આઠ દિવસ પોતાના આત્માનું ચેકિંગ કરી આલોચના, પ્રતિક્રમણ કરી જગતના સર્વે જીવાત્માને ખરા અંત: કરણપૂર્વક ખમાવી આત્માને શાંત અને સ્વસ્થ કરીને વર્ધમાન પરિણામનું લક્ષ રાખવા આ પર્યુષણ પર્વના મહાન અને પવિત્ર દિવસો રહેલા છે. તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.
મહાસતીજીનો જન્મદિવસ સાદાઈથી ઉજવાયો
ગોંડલ સંપ્રદાયના શ્રી મીનળબાઈ મહાસતીજીનો જન્મ દિવસ જપ, તપ, આરાધના સાથે સાદાઈથી ઉજવાયો હતો. આ તકે શ્રી પ્રાણલાલજી મ.સા.ના સંપ્રદાય વરિષ્ઠ પ્રાણકુંવરબાઈમ.સ., પ્રભાબાઈ મ.સ., વીરમતિબાઈ મહાસતીજી વગેરે ઉપસ્થિત હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer