કોરોનાના કહેર વચ્ચે બજારો ભાસે છે સૂમસામ !

કોરોનાના કહેર વચ્ચે બજારો ભાસે છે સૂમસામ !

માત્ર મનોરંજન લોકમેળા પર નભતા નાના-મોટા ધંધાર્થીઓનું આર્થિક વર્ષ નિષ્ફળ ગયાનો સૌમાં વસવસો

લોકમેળાં બંધ હોવાથી ખાણીપીણીના સ્ટોલધારકોને ઘેરી લેતી આર્થિક ચિંતા

રાજકોટ, તા.9 (ફૂલછાબ ન્યુઝ) : રંગીલા રાજકોટની રોનકને કોરોના મહામારીએ બેરંગી બનાવી દીધી છે. જે રાજકોટીયન્સ પ્રતિ વર્ષે સાતમ-આઠમ (જન્માષ્ટમી)ના પર્વને રંગેચંગે ઉજવે છે તે તહેવારો પર કોરોનાએ પાણી ફેરવી દીધું છે.

શહેરમાં આવેલી દાણાપીઠ, કાપડ, સોની બજાર સહિતની તમામ બજારોના વેપારીઓને કોરોનાએ રાતા પાણીએ રડાવ્યા હોવાનું કહેવું ઉચિત જણાય છે. સરકારે અનલોક કરીને ધંધા રોજગાર ખોલવાની મંજૂરી આપી પણ, ગ્રાહકો ના ફરકે તો વેપાર કેમ કરવાં ? શહેરની તમામ બજારોની આવી સ્થિતિ છે. વેપારીઓ કહે છે કે, કોરોના મહામારીના સંક્રમણને ખાળવા પ્રત્યેક નાગરીક બેદરકારી છોડીને સજાગતા દાખવે તે જરૂરી છે. જાન બચી તો લાખો પાયે જેવી કહાવત મને કમને વેપારીઓમાં સંભળાઈ રહી છે. જાગૃત વેપારીઓ કહે છે કે કોરોનાની મહામારી વધુ ટકી તો કરોડો, અબજો રૂપિયાની એકલા રાજકોટના વેપારીઓઁને નુકશાની સહવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

સરકારે કોરોનાથી બચવા આવા જાહેર ઉત્સવો પર બ્રેક મારીને કોરોના સંક્રમણને અટકાવવા પ્રયાસો કર્યા તે સૌ માટે ફાયદાકારક છે પણ જયાં સુધી તહેવારો અંતર્ગત વેપાર-ધંધાની વાત કરીએ તો સૌને આર્થિક સંકટે ઘેરી લીધાની વિગતો મળી રહી છે.

રંગીલા રાજકોટમાં દર વર્ષે મનોરંજક લોકમેળામાં લાખો લોકો ઉમટી પડે છે. માત્ર શહેર નહીં, આખાય સૌરાષ્ટ્રની મનોરંજનપ્રિય જનતા રાજકોટનો મેળો કરવાનું ભૂલતી નથી. પણ વર્ષે શ્રાવણ મહિનાના મહાપર્વ એવા જન્માષ્ટમીની ઉજવણી પર કોરોના વાયરસને લીધે બ્રેક લાગી જતાં માત્રને માત્ર મનોરંજક લોકમેળા પર નભતા નાના, મોટા ધંધાર્થીઓ, ફજેતફાળકાના માલિકો, ખાણીપીણીના સ્ટોલ ધારકોને આર્થિક સંકડામણે ઘેરી લીધા છે.  મનોરંજન લોકમેળાના આયોજનોથી કોને કોને લાભ થાય ? તે બાબતે ટોપથી બોટમ વાત કરીએ તો મેળાના આયોનના અભાવે વર્ષે સરકારી તંત્ર એવા વીજતંત્રને પણ લાખો રૂપિયાનું નુકશાન જશે. દર વર્ષે 5થી લઈને 8 દિવસ સુધી ચાલનારા મેળામાં આયોજકો વીજળીની રોશની ઝળહળતી કરતાં હોય છે.

તે વરસે દેખાશે નહિં. સીઝનલ વ્યવસાય સાથે સંકળાયેલા નાના-મોટા વેપારીઓ ગજા બહારના ભાડા ચૂકવીને મેળા સ્થળે સ્ટોલ રાખી આવક રળી લેતા હોય છે. આવા વેપારીઓ અગાઉથી રમકડાં, લેડિઝ-જેન્ટસ કપડા, હોઝિયરીનો સ્ટોક કરીને આવક રળવાના સપના જોતા હોય છે પણ આવા વેપારીઓ માટે વર્ષ નિષ્ફળ ગયાનો વસવસો છે.  તેવીજ રીતે મેળાના મેદાનમાં ખાણીપીણીના સ્ટોલો દ્વારા આવક રળતાં વેપારીઓને વરસે કોરોના નડી ગયાનું દુ:ખ સંભળાઈ રહ્યું છે. રહી વાત લોકમેળાને આનુષંગિક નાના-મોટા ધંધાની તો તેમાં મેળાના મેદાનમાં ભાડું ભરી શકનાર ગરીબ લોકો મેળાના આવન જાવનના રસ્તે પાથરણાં પાથરીને બાળકોના અવનવા રમકડાં વેચીને પેટીયું રળી લેતા હોય છે. આવા ગરીબોના ચહેરાનું કોરોનાએ નૂર હણી લીધું છે.

ફજતફાળકાંના માલિકો મુશ્કેલીમાં

રાજકોટ: દર વરસે સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજકોટ, ગોંડલ, ધોરાજી, ચોટીલા સહિતના શહેરોમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન દુરદુરથી ફજતફાળકાં, ચકરડીના ધંધા સાથે સંકળાયેલા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આવા લોકોને તો ઉત્સવ ધંધા સમાન હોય છે. પણ પ્રવર્તમાન કોરોના મહામારીથી દેશભરમાં જાહેર કાર્યક્રમો, લોકમેળાના આયોજનો રદ કરાયા છે. પરીણામે ફજેત અને ચકરડીના પરપ્રાrિંતય ધંધાર્થીઓ કહે છે કે, અમારૂ તો ઠીક અમારી સાથે મજુરી સાથે સંકળાયેલા નાના ગરીબ લોકોના ચુલા પણ સરખી રીતે ના પેટે તેવી હાલત સર્જાઈ છે.

પોલીસ-તબીબો માટે અગ્નિ પરીક્ષા ?

રાજકોટ : જન્માષ્ટમીના તહેવારો ચાલું થઈ ગયા છે. રંગીલા રાજકોટ વાસીઓ હરગીઝ ધરમાં બેસી રહેવાં માગતા નથી. બીજીબાજુ શહેરમાં કોરોનાનું સંક્રમણ પણ દિવસેને દિવસે વધતું જતું હોવાથી સૌમાં ચીંતા છે. આવા કપરા સમયે શહેરની પોલીસ અને તબીબોની અગ્નિ પરીક્ષા લેવાઈ જવાની શકયતાને પ્રબુધ્ધ નાગરીકો મહત્વની ગણી રહ્યાં છે. કારણ કે લોકો ઉત્સવના મૂડમાં ઘરમાંથી બહાર નીકળ્યા વગર રહેવાના નથી. વાર-તહેવારને શાંતિથી ઉજવવા કદાચ માસ્કને પણ તરછોડીને મહાલવા લાગશે તો ચિંતાજનક વાતાવરણ ખડું થવાની સૌમાં દહેશત છે. ત્યારે આવા સમયે શહેરની પોલીસ અને તબીબોને ખરેખર કોરોના વોરિયર્સ બનીને સજાગ બનવું પડશે તેમાં નહિં ચાલે તે નકકી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer