જન્માષ્ટમીમાં પણ ફરસાણ, મીઠાઈની દુકાને ઘરાકી નહીં

જન્માષ્ટમીમાં પણ ફરસાણ, મીઠાઈની દુકાને ઘરાકી નહીં

કોરોના, રોગચાળો, મોંઘવારીને કારણે લોકોએ ઘરમાં વાનગી બનાવી

રાજકોટ, તા. 9: (ફૂલછાબ ન્યુઝ) વર્ષોથી એવો સિલસિલો બની ગયો હતો કે જન્માષ્ટમી જેવા તહેવારે લોકો ઘરની બદલે બહારથી તૈયાર મીઠાઈ-ફરસાણ મગાવીને આરોગતા. કોરોના મહામારી, રોગચાળાની ઋતુ અને (આમ તો કાયમી) કોરોનાની આંગળી પકડીને આવી ચડેલી આર્થિક બેહાલી અને મોંઘવારીને કારણે લોકો ફરીથી જુની પરંપરા તરફ પાછા વળ્યા હોય તેમ વખતે ફરસાણ અને મોહનથાળ જેવી મીઠાઈ ઘરમાં બનાવીને આરોગી રહ્યા છે. દુકાનોએ ઘરાકી મંદ પડી છે.

રાજકોટના ખાવા-પીવાના શોખીન લોકો જન્માષ્ટમી જેવા તહેવારો પર મન મુકીને માણી લેવા માટે બહારની ખાદ્ય વસ્તુ પર મોટો મદાર રાખતા થઈ ગયા છે. જોકે પરિસ્થિતિ પ્રમાણે વર્તમાન સમયમાં કોરોના મહામારી અને મોંઘવારીને કારણે વર્ષે ફરસાણ અને મીઠાઈની દુકાને ઘરાકી ઉભરાઈ નથી. નિયમીત રીતે તહેવારોમાં બનાવે તેના કરતા અડધો માલ ઘણા મીઠાઈના વેપારીઓએ બનાવ્યો હોવા છતાં તેમાંથી પણ પુરતો ઉપાડ થયો હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. મીઠાઈના ભાવ પણ આસમાનને આંબે એવા થઈ ગયા છે. મીઠાઈ સ્હેજે 300-30 રૂપિયાથી માંડી 800 રૂપિયા કિલો સુધી મળે છે.

એવી રીતે ફરસાણના ભાવ પણ 300 રૂપિયા કિલોની આસપાસ થઈ ગયા છે. અગાઉના સમયમાં તહેવારોમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો પણ બહારની વાનગી ખરીદીને આરોગી શકે તે માટે તંત્ર દ્વારા વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ભાવ બાંધણું કરાતું. વખતે તંત્રને પણ આવી ફુરસદ નથી અને દરકાર પણ લીધી નથી. બીજી તરફ વેપારીઓને પણ અણસાર આવી ગયો હોય તેમ જરૂર પુરતો માલસામગ્રી બનાવી છે. રાજકોટમાં કેટલાક સમયથી ગૃહઉદ્યોગ તરીકે ફરસાણ અને મીઠાઈનું વેચાણ થઈ રહ્યું છે. જે બજારમાં મળતા ફરસાણ-મીઠાઈની દુકાનો કરતા વ્યાજબી ભાવે વેચાણ કરે છે. આવા ઉત્પાદન કેન્દ્રમાં જોકે સારી એવી ઘરાકી નીકળી હતી. તેનો અર્થ સાફ છે કે લોકો મોંઘવારીને કારણે બહારની ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદતા અચકાય છે. જો વાસ્તવમાં આવું હોય તો વેપારીઓએ ભેળસેળીયા વૃત્તિ અને નફાખોરી પર અંકુશ મુકવો જોઈએ, જેથી ખોવાયેલી ઘરાકી ફરીથી મળવા લાગે તેમ જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ

રહ્યુ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer