પ્લાઝમા થેરાપીથી રાજકોટમાં પહેલા દરદી થયા કોરોનામુક્ત

પ્લાઝમા થેરાપીથી રાજકોટમાં પહેલા દરદી થયા કોરોનામુક્ત

બોલબાલાના જયેશભાઇના પ્લાઝમાથી 80 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ આવ્યો કોરોના નેગેટિવ

રાજકોટ, તા.9 : મહામારીના કપરા કાળમાં લોકો થરથર ધ્રુજી રહ્યા છે ત્યારે સેવાભાવીઓની સેવાથી અનેક લોકોએ રાહત પણ અનુભવી છે. સૌથી વધુ કોરોનાગ્રસ્ત લોકોને સાજા થવાની ખુશી કંઈક ઓર હોય છે ત્યારે રાજકોટમાં પ્લાઝમા થેરાપીથી પહેલા દરદી સાજા થયા છે. જેમાં બોલબાલાના જયેશભાઇએ આપેલા પ્લાઝમા 15 દિવસથી આઈશોલેટ કરાયેલા 80 વર્ષીય વૃદ્ધાને ચડાવવામાં આવ્યા હતા. વૃદ્ધાનો આજે રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો.

શહેરના કાલાવડ રોડ પર રોયલ પાર્કમાં રહેતા કશ્યપભાઇના 80 વર્ષીય ફઈબા રંજનબેનનો કોરોના રિપોર્ટ ગત તા.25 જુલાઈના રોજ પોઝિટિવ આવતા તેઓને પરમ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. રંજનબેનની સ્થિતિ છેલ્લા ચારેક દિવસથી વધુ બગડતા વેન્ટીલેટર રાખવા પડે તેમ હતા. દરમિયાન ચાર દિવસ પહેલા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાયએ પોતાના પ્લાઝમા ડોનેટ કર્યા હતા અને પ્લાઝમા રંજનબેનને ચડાવવામાં આવતા આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

અંગે બોલબાલાના જયેશભાઇએ જણાવ્યું હતુ કે, ચાર દિવસ પહેલા મેં ડોનેટ કરેલા પ્લાઝમા કોરોનાના ગંભીર દરદીને ચડાવવામાં આવતા હોવાનું જાણવા મળતા હું તત્કાલ દરદીને મળવા પહોચ્યો હતો. જ્યાં જાણવા મળ્યું હતુ કે, જે દરદીને તેમના પ્લાઝમા ચડાવાયા હતા તે રંજનબેન અપરણીત છે અને રણછોડદાસ બાપુના સેવક તરીકે સાધ્વી જેવું જીવન વિતાવે છે. તેઓએ રંજનબેનને તબીયત અંગે પુછતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું અને હવે એકદમ સારૂ હોવાનું જણાવ્યું હતુ. પરમ હોસ્પિટલમાંથી એકાદ-બે દિવસમાં રંજનબેનને રજા આપવામાં આવશે તેવું ડોક્ટરોએ જણાવ્યું હતુ.

રંજનબેનના ભત્રીજા કશ્યપભાઇએ સમાજસેવક જયેશભાઇ ઉપાધ્યાયનો આભાર માનીને કોરોનામાંથી સાજા થયેલા અને શારીરીક સક્ષમ વ્યક્તિઓને પોતાના પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવવા અપીલ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer