સુશાંત કેસ: CBI તપાસમાં ઉદ્ધવ સરકારના અવરોધ

સુશાંત કેસ: CBI તપાસમાં ઉદ્ધવ સરકારના અવરોધ
 
મુંબઈ, તા.9: સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુનાં પ્રકરણમાં સીબીઆઈની તપાસ હજી શરૂ પણ નથી થઈ ત્યાં મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈનાં માર્ગમાં વિક્ષેપો ઉભા કરવાની શરૂઆત કરી દીધી લાગે છે. મહારાષ્ટ્ર સરકારનાં મંત્રી અને મુંબઈનાં મેયરે આ કેસની તપાસ માટે મુંબઈ આવનારી સીબીઆઈની ટીમને મંજૂરી વિના મુંબઈમાં પ્રવેશે તો 14 દિવસનાં આઈસોલેશનમાં મોકલી દેવાની જાહેરાત કરી દીધી છે. જેને પગલે મહારાષ્ટ્રમાં વિપક્ષ ભાજપે રાજ્ય સરકારને ઘેરતાં પ્રહારો શરૂ કરી દીધા છે. બીએમસી દ્વારા હાંફળાફાંફળા થઈને કોરોનાની ગાઈડલાઈન જારી કરી દેવામાં આવી છે. જેમાં અન્ય પ્રદેશમાંથી આવતા લોકોને 14 દિવસ માટે આઈસોલેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે એલાન કર્યુ હતું કે, સુશાંતનાં મૃત્યુની તપાસ માટે આવતી સીબીઆઈની ટીમને પણ બીએમસીની મંજૂરી લેવી પડશે. જો આવું કરવામાં નહીં આવે તો તેમને પણ 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરી દેવાશે.
 
CBIની FIR ટ્રાન્સફર કરવા મુંબઈ પોલીસ સુપ્રીમમાં
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોતની તપાસ કોણ કરશે એ મુદે મુંબઈ પોલીસ, બિહાર પોલીસ અને સીબીઆઈ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ખેંચતાણ ચાલુ છે. હવે મુંબઈ પોલીસ દ્વારા બાન્દરા પોલીસ વતી ફાઇલ કરાયેલા સોગંદનામામાં સુપ્રીમ કોર્ટમાં જણાવાયું છે કે આ ઘટનાની તપાસ સીબીઆઇના અધિકારક્ષેત્રમાં નથી, કેમ કે રાજ્યએ કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ માટે સંમતિ આપી નથી. મુંબઈમાં આ ઘટના બની હોવાથી સીબીઆઈએ ’ઝીરો એફઆઈઆર’  નોંધીને આ મામલાની તપાસ મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરવી જોઇએ, એમ એક અધિકારીએ કહ્યું હતું.
 
રિયાનાં ભાઈએ ઈડીને ગોળગોળ જવાબ આપ્યા
સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુનાં કેસમાં તપાસ આગળ વધારતા ઈડી દ્વારા અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેનાં ભાઈની પૂછપરછ કરવામાં આવી છે. શનિવારે બપોરે ઈડીનાં કાર્યાલયે રિયાનો ભાઈ શોવિક હાજર થયો હતો અને પછી સતત 18 કલાક સુધી તેની પૂછતાછ કરવામાં આવી હતી. સૂત્રોનાં કહેવા અનુસાર ઈડી દ્વારા કરવામાં આવેલા સવાલોનો શોવિકે ગોળગોળ જવાબ આપ્યો છે. જે સંતોષકારક નથી. જેથી હવે આવતીકાલે સોમવારે તેને ફરી એકવાર પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી સંભાવના છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer