રામ બાદ હવે બુદ્ધ ઉપર નેપાળે શરૂ કર્યો વિવાદ

રામ બાદ હવે બુદ્ધ ઉપર નેપાળે શરૂ કર્યો વિવાદ
 
વિદેશ મંત્રી જયશંકરે એક સંમેલનમાં બુદ્ધને ભારતીય ગણાવતા ઓલીએ વાંધો ઉઠાવ્યો
 
નવી દિલ્હી, તા. 9 : ભારત સાથે સીમા વિવાદ વચ્ચે હવે નેપાળે ભારતીય દેવી દેવતાઓ અને મહાપુરૂષો ઉપર વિવાદ શરૂ કર્યો છે. નેપાળે ભારતીય વિદેશ મંત્રી ડો. એસ જયશંકરના ભગવાન બુદ્ધને ભારતીય કહેવા ઉપર વાંધો ઉઠાવતા બુદ્ધને નેપાળી ગણાવ્યા હતા. નેપાળના ઘણા રાજનેતાઓએ પણ જયશંકરના નિવેદનનો વિરોધ કર્યો હતો. થોડા દિવસ પહેલા નેપાળી વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામની અયોધ્યા નેપાળના બીરગંજ પાસે હોવાનો દાવો કર્યો. આ ઉપરાંત રામ મંદિર નિર્માણનો નિર્દેશ પણ આપ્યો છે. તેવામાં હવે બુદ્ધને લઈને વિવાદ શરૂ કર્યો છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જારી કર્યું હતું કે, ભગવાન બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ભારતીય વિદેશ મંત્રી જયશંકરે સીઆઈઆઈના સંમેલનમાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ બે એવા ભારતીય મહાપુરૂષ છે જેઓને દુનિયા હંમેશા યાદ રાખશે.
જેના ઉપર નેપાળી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ઐતિહાસિક અને પૌરાણિક તથ્યોથી સાબિત થયું છે કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો. લુંબિની બુદ્ધ અને બુદ્ધ ધર્મનું જન્મ સ્થળ છે અને યુનેસ્કોએ પણ વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કર્યું છે. 2014માં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળી સંસદને સંબોધન કરતા કહ્યું હતું કે, નેપાળ એ દેશ છે જ્યાં વિશ્વમાં શાંતિનો ઉદ્ઘોષ થયો હતો અને બુદ્ધનો જન્મ થયો હતો. આ દરમિયાન નેપાળની કોંગ્રેસના પ્રવક્તા બિસ્વા પ્રકાશ શર્મા અને પૂર્વ પીએમ વડાપ્રધાન અને માધવ કુમાર નેપાળે પણ નિવેદન ઉપર વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળના વાંધાનો જવાબ આપતા કહ્યું હતું કે, વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત બૌદ્ધ વિરાસતને સંદર્ભમાં લઈને નિવેદન આપ્યું હતું. તેમાં કોઈ શંકા નથી કે બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો.
 આ અગાઉ  નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ નેપાળના માડીમાં ભગવાન રામનું જન્મસ્થાન બતાવતા રામ મંદિર નિર્માણનો નિર્દેશ કર્યો હતો.  તેમણે આ માટે સ્થાનિક પ્રતિનિધીઓને પ્લાન તૈયાર કરવા કહ્યું છે. ચિતવનના માડીના નગર નિગમના અધિકારીઓને ઓલીએ ફોન કરીને બોલાવ્યા હતા. બે કલાક ચાલેલી બેઠકમાં તઓલીએ અધિકારીઓને કહ્યું હતું કે, નેપાળમાં રામ મંદિર બનવું જોઈએ. ઓલીએ દાવો કર્યો હતો કે ભગવાન રામનો જન્મ નેપાળના અયોધ્યાપુરીમાં થયો હતો. તેમણે સ્થાનિક લોકો સાથે વાત કરીને ઐતિહાસિક  પુરાવા એકત્રિત કરવા નિર્દેશ આપ્યો હતો.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer