સૌરાષ્ટ્રમાં 9 જિલ્લામાંથી 263 દરદી થયા કોરોનામુક્ત

સૌરાષ્ટ્રમાં 9 જિલ્લામાંથી 263 દરદી થયા કોરોનામુક્ત
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.9 : અનલોક-3થી સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું હોય તેમ રોજ રેકર્ડ બ્રેક નવા કેસ આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મુખ્યમંત્રીએ ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી ત્યારથી કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે પણ નવા 358 કેસ નોંધાયા હતા અને 13 દરદીનો ભોગ લેવાયો હતો. બીજી તરફ આજે સુખદ સમાચાર એ છે કે, સૌરાષ્ટ્રના 9 જિલ્લામાંથી પહેલી વાર રેકર્ડ બ્રેક 263 દરદીએ કોરોનાને મહાત આપી હતી.
રાજકોટ શહેરના 61 અને ગ્રામ્યના 15 મળીને 76 દરદી સાજા થયા હતા. જ્યારે શહેરમાં 60 તેમજ ગોંડલમાં 17, જેતપરુમાં 5 તથા જામકંડોરણામાં 1 સહિત તાલુકા અને ગ્રામ્ય પંથકમાં નવા 65 કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટ શહેરના કુલઆંક 1756 અને જિલ્લાનો કુલ આંક 2675 થયો હતો. બીજી તરફ રવિવારે રાજકોટ શહેરના 3 અને ગ્રામ્યના 3 એક કુલ 6 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. અત્યારે રાજકોટની સરકારીમાં 274 અને ખાનગીમાં 254 મળીને જિલ્લાના 560 દરદી સારવારમાં છે.
જામનગર શહેરમાં ધારાશાસ્ત્રી ભરતભાઇ સુખપરિયા અને તેમના મોટાભાઇ પત્રકાર બિપીનભાઇના પત્ની સહિત 61 અને તાલુકા-ગ્રામ્યમાં 7 સહિત જિલ્લામાં 68 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત શહેરના એ.એસ.આઈ ચેતન સી.જોશી, સિક્કાના વૃદ્ધ અને જોડિયાના એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે ચોવિસ કલાકમાં 9 દરદી સાજા થયા હતા.
ભાવનગર શહેરમાં 24 અને ગ્રામ્યમાં 11 સહિત જિલ્લામાં નવા 35 કેસ નોંધાયા હતા અને 1-1 દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે શહેરના 28 અને ગ્રામ્યના 12 મળીને 40 દરદી સાજા થતા રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલઆંક 1831 થયો હતો.
અમરેલી જિલ્લામાં ચોવિસ કલાકમાં 35 નવા કેસ નોંધાતા કુલઆંક 652 થયો હતો. જેમાંથી આજે 1 દરદીનું મૃત્યુ નિપજ્યુ હતુ અને 29 દરદી કોરોના મુક્ત થતા હાલ 212 દરદી સારવાર હેઠળ છે.
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમથક વેરાવળમાં રેકર્ડ બ્રેક 29 અને કોડીનારમાં 3 મળીને નવા 32 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 644 થયો હતો. બીજી તરફ ચોવિસ કલાકમાં વેરાવળના 16 સહિત જિલ્લાના 26 દરદીએ કોરોનાને મહાત આપી હતી.
રાજકોટ બાદ બીજા ક્રમે જૂનાગઢ જિલ્લાના સૌથી વધુ દરદી સાજા થયા હતા. જેમાં શહેરના 24 સહિત જિલ્લાના 44 દરદીએ કોરોનાને મહાત આપી હતી. જ્યારે જૂનાગઢ શહેરના 18, કેશોદના 3, માળીયાના 2 તથા માંગરોળ, માણાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાના 1-1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તાલુકાના એક દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો.
મોરબી શહેર-જિલ્લામાં નવા 21 કેસ નોંધાતા કુલ કેસનો આંક 500ની નજીક અર્થાત 492 થયો હતો. જેમાંથી આજે 24 દરદી સાજા થયા હતા અને શહેરના એક મહિલા અને એક પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જિલ્લાના 145 દરદી હાલ સારવારમાં છે.
પોરબંદર જિલ્લામાં આજે સૌથી ઓછા 4 દરદી કોરોનામુક્ત થયા હતા અને શહેરના 11 અને રાણાવાવના 1 સહિત નવા 12 દરદી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે એક દરદીનું કોરોનાથી મૃત્યુ નિપજ્યુ હતુ.
બોટાદ જિલ્લામાં નવા 11 કેસ નોંધાયા હતા અને 11 દરદી કોરોના મુક્ત થયા હતા. નવા કેસમાં બોટાદ શહેરના 8 તથા રાણપુર, ગઢડા અને બરવાળાના 1-1 કેસનો સમાવેશ થાય છે. જિલ્લાના 71 દરદી હાલ સારવારમાં છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા શહેરમાં એક, તાલુકાના આરંભડા ગામે બે તથા ખંભાળિયામાં અગાઉના કોરોનાગ્રસ્ત દરદીના સંપર્કમાં આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 108 થયો હતો. જેમાંથી અત્યારે 41 દરદી સારવારમાં છે.
દીવ જિલ્લામાં નવા 13 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ વણાંકબારા ગામના છે. જ્યારે 4 દરદી સાજા થતા હાલ 41 એક્ટિવ કેસ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer