મેળાની મોજ કોરાણે: મહેરામણ સાથે મ્હાલવાની બદલે ક્વોરન્ટાઇન થવા ફરજ

મેળાની મોજ કોરાણે: મહેરામણ સાથે મ્હાલવાની બદલે ક્વોરન્ટાઇન થવા ફરજ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 9 : ભૂતકાળમાં જઈએ તો દર વર્ષે શ્રાવણ વદ છઠ, એટલે કે રાંધણ છઠની બપોરે રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના રંગીલા લોકમેળાનું ઉદ્ઘાટન થયું હોય અને છઠથી પાંચ દિવસ એકધારી મેળાની મોજ અને હરવા-ફરવાના સ્થળોની ખોજ સિવાય સૌરાષ્ટ્રભરમાં લગભગ બીજું કંઈ ચાલતું ન હોય પરંતુ આ વર્ષની વાત જુદી છે. આ વર્ષે કોણ જાણે ક્યાંથી કોરોના ત્રાટક્યો છે. લગભગ છ મહિનાથી આ રોગે દુનિયાને બાનમાં લીધી છે. માટે આ વર્ષે જન્માષ્ટમી પર્વે પણ સૌરાષ્ટ્રમાં માનવ મહેરામણ સાથે મેળાની મોજ માણવાને બદલે લોકોને ઘરમાં ક્વોરન્ટાઇન થવાની ફરજ પડી છે. આ સ્થિતિમાં નાના-મોટા વેપારીઓને તહેવારોમાં આવકની રહી-સહી આશા પર પણ પાણી ફરી વળ્યું છે.
આમ તો સૌરાષ્ટ્રમાં બધા તહેવારની ઉજવણી શિરમોર જ થાય પરંતુ અહીંની જન્માષ્ટમી વિશિષ્ટ છે. જન્માષ્ટમી પર સળંગ પાંચ દિવસ સુધી  ધંધા-રોજગાર બંધ રાખી તહેવારો માણવા, હરવું ફરવું અને આજુબાજુના પ્રવાસે ઉપડી જવું, એવી સાતમ-આઠમની ઉજવણી રાજકોટ - સૌરાષ્ટ્ર સિવાય દેશના અન્ય કોઈ ભાગમાં થતી હોવાનું જાણ્યું નથી.
જન્માટમી નિમિત્તે રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્રની લોકમેળા સમિતિ દ્વારા વિશાળ મેળાનું આયોજન થાય. જેમાં સાડા ત્રણસોથી વધુ સ્ટોલ નંખાય. રમકડાં, ચકરડી, ખાણી-પીણી અને મનોરંજનનો રસથાળ પીરસાય. આ મેળામાં મ્હાલવા સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી લોકો રાજકોટ આવે. લોકમેળા ઉપરાંત રાજકોટમાં 1પ જેટલા નાના-મોટા ખાનગી મેળા પણ યોજાય. જે પંદરથી વીસ દિવસ ચાલે. આ ઉપરાંત આસપાસનાં ધર્મ સ્થળો રતનપર, ઈશ્વરિયા, ખોડલધામ, વીરપુર, સોમનાથ, દ્વારકા, વાંકાનેર જડેશ્વર, ઘેલા સોમનાથ, સાસણ, દીવ વગેરે જગ્યા પર હૈયે હૈયું દળાય એટલા લોકો ઉમટે તેમજ નાના-મોટા મેળા પણ યોજાય.
આ મેળામાં 10-10 રૂપિયા વાળા ફુગ્ગા, પીપુડીથી માંડી પ0-100 રૂપિયાની સેંકડો ચીજવસ્તુઓનું વેચાણ થાય. ફેરિયાઓ છેક બીજાં રાજ્યોમાંથી અહીંયા પોતાનો માલ વેચવા હેરાન થઈને પણ આવે. બાલ-બચ્ચાં પરિવારને પણ કોઈને કોઈ વસ્તુનાં વેચાણમાં લગાવી દે. કેટલાય લોકો મેળામાં જ ઘોંઘાટ વચ્ચે સૂઈ ગયા હોય પરંતુ આ તમામ લોકો આ તહેવારમાંથી અહીંયાથી નોંધપાત્ર વેપાર અને થોડો સમય ગુજરાન ચાલી જવાનો સંતોષ લઈને જાય છે.
આ વર્ષે કોરોનાએ આ ફેરિયાઓના ગજવા પણ ખાલી રાખવાનું અધમ કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપીથી આવતા ફજતફાળકાવાળા, મોતના કુવાના બાજીગરો વગેરેની કમાણીની એક મહત્ત્વની સીઝન આખી ફેલ થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટી તંત્રે પણ કોરોનાથી બચવા જાહેરનામું બહાર પાડયું છે. જેના પાલન કરવામાં અહીંના ફેરિયાઓને પણ તહેવાર બિલકુલ ફળે નહીં તેવી સ્થિતિ સર્જાશે.
આમ જુઓ તો જન્માષ્ટમી એ દિવાળી સુધીના ક્રમબદ્ધ આવતા તહેવારોની છડી પોકારે છે. ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળીના તહેવારોની ઉજવણીના શ્રીગણેશ જન્માષ્ટમીથી થતા હોય છે. અહીંના લોકો દિવાળીની જેમ જ જન્માષ્ટમીએ પણ કપડાં-સુશોભન, ખાણીપીણીમાં ખર્ચ કરતા હોય છે. આ રીતે તહેવારોમાં અર્થતંત્ર ઝડપભેર દોડે છે પરંતુ આ વખતે કોરોનાએ બધું ચોપટ કરી નાંખ્યું છે. પ્રવાસન, ટૂર્સ ઓપરેટર સદંતર નવરા બેઠા છે. આ સ્થિતિમાંથી દેશ અને દુનિયા વહેલીતકે બહાર આવે તેવી પ્રાર્થના કરવા સિવાય કોઈ છૂટકો નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer