સોમનાથના દર્શન પછી રાજસ્થાન ભાજપના વિધાયકો અજ્ઞાતવાસમાં

સોમનાથના દર્શન પછી રાજસ્થાન ભાજપના વિધાયકો અજ્ઞાતવાસમાં
(ફૂલછાબ) અમદાવાદ,તા.9: રાજસ્થાનની અશોક ગેહલોત સરકારથી બચાવવા માટે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. ત્યારે ભાજપના આ ધારાસભ્યોને ગુપ્ત રીતે સાચવવામાં આવી રહ્યાં છે. 14 ઓગસ્ટે રાજસ્થાનમાં મળનારા વિધાનસભા સત્ર પહેલા રાજસ્થાનના 20થી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે 6 ધારાસભ્યો સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્યોને સાસણના ખાનગી રિસોર્ટમાં મોડી રાત્રે લઈ જવામાં આવ્યા હતા 6 ધારાસભ્યોને સોમનાથથી સાસણ ખસેડવામાં આવ્યા છે. જન્માષ્ટમી સુધી આ ધારાસભ્યો સાસણ રોકાય તેવી શક્યતા હતી પરંતુ આ 6 ધારાસભ્યો આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટે રાજસ્થાન પરત ફરે એવી શક્યતા છે. આગામી 11 ઓગસ્ટે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી રહી હોવાથી તેઓ બેઠકમાં ભાગ લેવા રાજસ્થાન પરત જશે એમ જાણવા મળે છે.      
મહત્વનું છે કે, રાજસ્થાન ભાજપના ધારાસભ્યોને સાસણમાં અન્ય રિસોર્ટમાં ખસેડાયા છે. ગણતરીના કલાકોમાં 3 રિસોર્ટમાં ખસેડયા છે. ભાજપના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી સ્થાનિક ભાજપના નેતાઓને સોંપાઈ છે. રાજસ્થાનના જે નેતાઓ સોમનાથ લઈ જવાયા છે તેમાં ગોપીચંદ મીણા, નિર્મલ કુમાવત, જબ્બર સિંહ સાંખલા, ગુરદીપ શાહપિની, ધર્મેન્દ્ર કુમાર મોચી અને ગોપાલ લાલ શર્માનો સમાવેશ થાય છે. તમામે સોમનાથમાં દર્શન કરીને આર્શીવાદ લીધા હતા. મોડીરાત્રે સોમનાથથી ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ સાગર દર્શન ગેસ્ટહાઉસમાં સાંજનું ભોજન લીધું હતું. તમામ ધારાસભ્યોમાં સચિન પાયલટ જૂથના 3 ધારાસભ્યો અને 2 અપક્ષો પણ હોવાની વિગતો મળી રહી છે. જોકે આ ધારાસભ્યોના ચોક્કસ સ્થાન વિશે માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજેનું અત્યાર સુધીનું મૌન ભાજપ માટે અકળાવનારું હતું અને તેમનું સમર્થન ગેહલોત સરકારને હોય તે પ્રકારનો મેસેજ જઈ રહ્યો હતો. જેના કારણે ભાજપે ગઈકાલે મોડી સાંજે મેવાડના 5થી વધુ ધારાસભ્યોને ગુજરાત ખસેડવા માટે રણનીતિ ઘડી હતી.  ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ બીજા 25 ધારાસભ્યો ગુજરાતમાં આવી શકે છે અને તેઓ વિધાનસભા સત્ર શરૂ થાય એટલે કે 14 ઓગસ્ટ સુધી ગુજરાતમાં જ રોકાશે.
હાલ ગુજરાત પહોંચેલા રાજસ્થાન ભાજપના આ ધારાસભ્યોમા નારાયણાસિંહ દેવળ, જસારામ ગરાસિયા, જગસીરામ કોળી, હરેન્દ્ર નિનામા, શોભા ચૌહાણ, ધર્મનારાયણ જોશી, બાબુલાલ ખરાડી, ફૂલાસિંહ મીણા, ગૌતમલાલ મીણા, અમૃતલાલ મીણા, ,કૈલાશ મીણા, જૈસીચંદ મીણા, અશોક લાહોટી, નિર્મળ કુમાવત, જબ્બારાસિંહ સાંખલા, ગુરદીપ સિંહ, મહેન્દ્રકુમાર મોચી, ગોપાલલાલ શર્માનો સમાવેશ થાય છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ 11 ઓગસ્ટના રોજ બસપા ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થવાને લઈને હાઈકોર્ટનો નિર્ણય આવવાનું અનુમાન છે. આવામાં ભાજપ એલર્ટ મોડ પર છે. તે અંતર્ગત હાઈ કમાન્ડના નિર્દેશથી 12થી વધુ  ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કરાયા છે. અલગ-અલગ જિલ્લામાં નેતાઓને જવાબદારી સોપાઈ છે. ગુજરાત અને ઉદયપુર વચ્ચે અંતર ઓછું હોવાથી તે સંભાગના ધારાસભ્યોને ગુજરાત મોકલવામા આવ્યા છે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા આ ધારાસભ્યોના સંપર્કમાં છે. બીજી ચર્ચા એવી પણ છે કે કોંગ્રેસના અમુક નેતાઓ ભાજપના ધારાસભ્યો સાથે સંપર્કમાં હોવાની ફરિયાદ બાદ પાર્ટીએ આ નિર્ણય લીધો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer