અમદાવાદ પછી હવે વિજયવાડા

અમદાવાદ પછી હવે વિજયવાડા
હોસ્પિટલમાં ફેરવાયેલી હોટેલમાં શ્રેય હોસ્પિટલ જેવી કરુણાંતિકા: 30 દર્દીને સુરક્ષિત ઉગારી લેવાયા
વિજયવાડા, તા.9: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને આગ ભરખી ગયાની ઘટના હજી તાજી છે ત્યાં આવી જ વધુ એક ભયંકર દુર્ઘટના આંધ્રપ્રદેશનાં વિજયવાડામાં ઘટી છે. કોરોનાનાં દર્દીઓ માટે હોસ્પિટલમાં ફેરવાયેલી એક હોટલમાં આજે વહેલી પરોઢે આગ ફાટી નીકળતાં 10 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડી સાથે વાત કરીને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી અને દર્દીઓનાં મૃત્યુ ઉપર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
આગ ભભૂકી ત્યારે કોવિડ કેર સેન્ટરમાં ફેરવાયેલી હોટેલમાં કુલ 40 દર્દી અને 10 સ્વાસ્થ્યકર્મીઓ હાજર હતાં. 30 દર્દીઓને આગમાંથી સુરક્ષિત ઉગારી લેવામાં આવ્યા હતાં. રાજ્ય સરકાર તરફથી મૃતકોનાં પરિજનોને પ0-પ0 લાખ રૂપિયાની રાહત ચૂકવવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.
આ ઘટના વિશે મળતા અહેવાલો અનુસાર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે. વિજયવાડાનાં ઇલુરુ રોડ પર આવેલી સ્વર્ણા પેલેસ હોટલને કોવિડ-19 દર્દીઓની સારવાર માટે રમેશ હોસ્પિટલ દ્વારા લીઝ પર લેવામાં આવી હતી. અધિકારીઓના મતે મોટાભાગના મોત ગૂંગળામણને લીધે થયા છે. કોવિડ -19 દર્દીઓ પહેલેથી જ શ્વસન સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા, તેવામાં ગૂંગળામણને કારણે તેમની સ્થિતિ વધુ વકરી છે. ઘણા દર્દીઓ હોટલના રૂમની બારીમાંથી મદદ માટે ચીસો પાડતા સાંભળવામાં આવ્યાં હતાં.
વિજયવાડા શહેર પોલીસ કમિશનર બી શ્રીનિવાસુલુના જણાવ્યા મુજબ, આગ પહેલી વાર રિસેપ્શન એરિયા નજીક ગ્રાઉન્ડ ફલોર પર લાગી હતી અને ઝડપથી પહેલા માળે ફેલાઈ હતી. સામે આવેલી તસવીરોમાં પણ રિસેપ્શન વિસ્તારમાં સૌથી વધુ આગ જોવા મળી રહી છે. કૃષ્ણા જિલ્લા કલેક્ટર એએમડી ઇમ્તિયાઝ અને સંપત્તિ પ્રધાન વેલ્લમપલ્લી શ્રીનિવાસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. શ્રીનિવાસુલુએ કહ્યું કે તેઓએ આશરે 30 લોકોને બચાવી લીધા છે. 25 મિનિટની અંદર આગ પર કાબૂ મેળવાઈ ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમને સવારે 5: 15 વાગ્યે એસઓએસ મળ્યો હતો. ત્યારબાદ ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ સીડીનો ઉપયોગ કરીને દર્દીઓને બહાર લાવવામાં આવ્યા હતા. 5 ફાયર કર્મચારીઓએ પીડિતોને બચાવવા માટે બારી તોડી નાંખી હતી. કોવિડ -19 દર્દીઓને ખાસ એમ્બ્યુલન્સમાં અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોને તમામ શકય સહાય આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તેમણે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે તેમજ અધિકારીઓને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer