કિસાનોને કેન્દ્રસરકારની ભેટ

કિસાનોને કેન્દ્રસરકારની ભેટ
નવી દિલ્હી, તા. 9 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લાખ કરોડના એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે ફાયનાન્સિંગ ફેસિલિટીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોન્ચ કરી હતી. આ ઉપરાંત પીએમ કિસાન સ્કીમના છઠ્ઠા હપ્તા માટે 17000 કરોડ રૂપિયાની રકમ પણ જારી કરી હતી. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો અને ચાલુ વર્ષનો બીજા હપ્તો દેશના 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે. પીએમ કિસાન હેઠળ વર્ષમાં ત્રણ વખત 2000-2000 રૂપિયા મળે છે. એક લાખ કરોડ રૂપિયાના એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ (ખેતી બાદ માટે)  અંગે કામ કરવામાં આવશે. આ સુવિધાઓના કારણે પાકની બરબાદી ઘટશે. ખેડૂતો યોગ્ય સમયે યોગ્ય કિંમતે પોતાના ઉત્પાદનને વેંચી શકશે. આ ઉપરાંત જરૂરીથી વધારે કોઈપણ પાકનો ઉપયોગ ફૂડ પ્રોસેસિંગ યૂનિટ માટે કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, પીએમ કિસાન હેઠળ છેલ્લા દોઢ વર્ષમાં 75000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. મોદીએ કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન દેશને તમામ જરૂરી સામાન પહોંચાડનારા ખેડૂતો છે. જ્યારે દેશ લોકડાઉનમાં હતો ત્યારે ખેડૂતો ખેતીમાં કામ કરી રહ્યા હતા. ખેડૂતો માટે જેટલા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે તેનાથી 21મી સદીમાં દેશની ગ્રામિણ અર્થવ્યવસ્થાની તસવીર બદલી જશે. કૃષિ આવકમાં પણ વૃદ્ધિ થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer