રાઇફલથી મિસાઇલ સુધી ભારત બનશે આત્મનિર્ભર

રાઇફલથી મિસાઇલ સુધી ભારત બનશે આત્મનિર્ભર
101 રક્ષા સામગ્રીની આયાત  ઉપર પ્રતિબંધનો નિર્ણય
નવી દિલ્હી, તા. 9: રક્ષા મંત્રાલયે આત્મનિર્ભર ભારતને લઈને એક મહત્ત્વની ઘોષણા કરી છે. દેશમાં રક્ષા ઉપકરણોનું ઉત્પાદન વધારવા માટે 101 ઉપકરણની આયાત ઉપર રોક લાદવામાં આવશે. આ વસ્તુઓમાં મોટી ગનથી લઈને મિસાઇલ પણ સામેલ છે. રક્ષા મંત્રાલયે 101 વસ્તુઓની યાદી જારી કરી છે. જેનો હેતુ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને કઈ કઈ વસ્તુની જરૂર છે અને તેના માટે ખુદને તૈયાર રાખે તે બતાવવાનો છે. ઘણા દોરની વાતચીત અને તમામ હિતધારકો સાથેની વાતચીત બાદ યાદી તૈયાર કરવામાં આવી છે. 101 રક્ષા સામગ્રીની આયાત ઉપર રોકના નિર્ણયથી ભારતીય રક્ષા ક્ષેત્રમાં તક ઉભી થશે. આયાત ઉપર રોકની યોજના 2020થી 2024 વચ્ચે તબક્કા વાર લાગુ થશે. રક્ષા મંત્રાલયના આ નિર્ણય ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે રાજનાથ સિંહ ઉપર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે, સવારે ધમાકેદાર ઘોષણાની વાત કરી અને એલાન ‘ફૂસફુસાહટ’ સાથે સમાપ્ત થયું છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિર્ણયની ઘોષણા કરતા એક પછી એક ઘણાં ટ્વિટ કર્યાં હતાં. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આયાત ઉપર પ્રતિબંધ માટે ચિહ્નિત સૈન્ય સામગ્રીના ઘરેલુ સ્તરે ઉત્પાદનની સમયસીમા નિશ્ચિત કરવા માટે પગલાં ભરવામાં આવશે. આ વસ્તુઓમાં તોપ, ઓસોલ્ટ રાઇફલ, પરિવહન વિમાન વગેરે સામેલ છે. કેન્દ્રીય રક્ષામંત્રીએ કહ્યું હતું કે, રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે આ મહત્ત્વનો નિર્ણય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ સ્તંભોના આધારે આત્મનિર્ભર ભારત બનાવવાનું આહ્વાન કર્યું છે. જેમાં અર્થવ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ અને માગના આધારે લોકોની સંખ્યા છે. આ માટે આત્મનિર્ભર પેકેજનું એલાન કર્યું હતું. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, સરકારે 2020-21 માટે મૂડીગત ખરીદી બજેટને ઘરેલુ અને વિદેશ ખરીદને બે ભાગમાં ફાળવવામાં આવ્યું છે. બજેટ 2020-21માં ઘરેલુ મૂડીગત ખરીદી માટે અંદાજિત 52 હજાર કરોડ રૂપિયાનો અલગ ભાગ તૈયાર કરવામાં આવ્યો છે.  
રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, યાદીમાં બખ્તરબંધ યુદ્ધ વાહન (એએફવી)  પણ સામેલ છે. જેના માટે અમલની સાંકેતિક તિથિ ડિસેમ્બર 2021 છે. થલ સેના દ્વારા પાંચ હજાર કરોડ રૂપિયાના અનુમાનિત ખર્ચના હિસાબે 200 વાહનનો કરાર આપવાનું અનુમાન છે. આવી જ રીતે નૌકાદળ માટે સબરમરીનની ખરીદીનું અનુમાન છે. સરકારી દસ્તાવેજ મુજબ 69 વસ્તુઓ ઉપર આયાત પ્રતિબંધ ડિસેમ્બર 2020થી લાગુ થશે. જ્યારે અન્ય 11 વસ્તુઓ ઉપર પ્રતિબંધ ડિસેમ્બર 2021થી લાગુ થશે. આ ઉપરાંત ડિસેમ્બર 2022થી આયાત પ્રતિબંધ માટે ચાર વસ્તુઓની એક અલગ યાદી બનશે જ્યારે આ વસ્તુઓની આયાત ઉપર બાદમાં પ્રતિબંધ લાદવામાં આવશે. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, સંબંધિત પક્ષો સાથે વિચારણા બાદ આગળ પણ આવા સામાનોની યાદી બનાવવામાં આવશે. જેની આયાત ઉપર રોક જરૂરી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer