વિસાવદરનાં જાંબુડા ગામે પત્નીની ગળાટૂંપો દઈ હત્યા કરતો પતિ: ધરપકડ

 
ચારિત્ર્યની શંકા કરી હત્યા કરી નાખી
 
વિસાવદર/જૂનાગઢ, તા.9 : વિસાવદર તાબેનાં જાંબુડા ગામે રહેતા શંકાશીલ યુવાને તેની પત્ની પર ચારિત્ર્યની શંકા કરી ગળાટૂંપો દઈ હત્યા કરી નાખ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગેની વિગત એવી છે કે, જાંબુડા ગામે રહેતા અને કડિયાકામ કરતા ઉમેશ ડાયા રાઠોડ નામના યુવાને તેની પત્ની દક્ષા પર ચારિત્ર્યની શંકા કરતાં બન્ને વચ્ચે ગૃહકંકાસ ચાલતો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા ઉમેશ રાઠોડે તેની પત્ની દક્ષાની ગળાટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ તથા મૃતક દક્ષાના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે મૃતક દક્ષાબેનના પિતા નરસિંહભાઈ પુનાભાઈ ખસિયાની ફરિયાદ પરથી હત્યારા ઉમેશ ડાયા રાઠોડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બનાવના પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સુરતમાં રહેતો અને કડિયાકામ કરતો ઉમેશ રાઠોડ તથા તેનો પરિવાર કોરોના મહામારીથી બચવા જાંબુડા ગામે આવી ગયો હતો અને ખૂની ખેલ ખેલ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer