કોરોનાના સંક્રમણને ખાળવા જાહેર રજામાં અનેક તીર્થસ્થાનો ભાવિકો માટે બંધ

બેટ દ્વારકા, માધવરાયજી મંદિર, દૂધઇ વડવાળા વગેરે મંદિરોમાં ભાવિકો માટે પ્રવેશ નિષેધ
રાજકોટ, તા.9(ફૂલછાબ ન્યુઝ) : રાજ્યમાં કોરોના મહામારીના પગલે ગુજરાત, સૌરાષ્ટ્રભરના હાથલા શનિધામ, ડાકોર, જલારામ મંદિર, ખોડલ ધામ, ભુરખિયા હનુમાનજી સહિતના અનેક તીર્થ સ્થાનો ભાવિકો માટે બંધ કરવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ અનેક તીર્થસ્થાનોમાં જાહેર રજા નિમિત્તે ભાવિકો ઉમટે નહિ. કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ તેની તકેદારી રાખતા સાવચેતીના પગલા સ્વરૂપે વિવિધ ધર્મસ્થળોના દર્શન બંધ રહેશે.
બેટ દ્વારકાધીશ જગત મંદિર: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ ગણાતું યાત્રાધામ દ્વારકાનું દ્વારકાધીશ જગત મંદિર તેમજ હાથલામાં આવેલું ભવ્ય શનિધામ જન્માષ્ટમીના તહેવારોમાં ભાવિકો માટે 10 થી 13 ઓગસ્ટ એમ ચાર દિવસ માટે બંધ કરવામાં આવ્યું હોય, તેજ શ્રેણીમાં બેટ દ્વારકાધીશ જગત મંદિરમાં પણ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ભાવિકો પ્રવેશ માટે નિષેધ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણનો ભય હોય અને જન્માષ્ટમીના તહેવારોમાં બેટ દ્વારકાધીશ મંદિરમાં પણ દ્વારકા મંદિરની જેમ દર વર્ષે લાખોની જનમેદની ઉમટતી હોય, હાલમાં આ સમયમાં રજાનો ગાળો હોય આ વર્ષે પણ દોઢ લાખ જેટલાં અનુમાનિત ભાવિકો ઉમટવાની શકયતા જોતાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરે ગઇ કાલે ભાવિકો માટે ચાર દિવસ પ્રવેશ નિષેધ કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ હતું. જેમાં માત્ર મંદિરના પૂજારી સંબંધીત કર્મચારીગણને જ છૂટ આપવામાં આવી હતી.
દૂધઇ વડવાળા દેવ મંદિર: મુળી દૂધઇ વડવાળા દેવ મંદિરે કોરોના મહામારી સમયે જન્માષ્ટમી મહોત્સવ મોકુફ રખાયો છે. સમસ્ત રબારી સમાજના આસ્થાના પ્રતિક દુધઇ વડવાળા દેવ મંદિરે ઉજવતો જન્માષ્ટમી મહોત્સવ હાલ કોરોના મહામારી અને સરકારશ્રીની કોરોના ગાઇડ લાઇન મુજબ કોરોના વાયરસ સંક્રમણથી ફેલાતો હોવાથી ઉત્સાહ આસ્થા સાથે ઉજવાતા જન્માષ્ટમી મહોત્સવ રદ કરેલ હોઇ મંદિરના મહંતશ્રી 1008 મહા મેધમંડલેશ્વરજી રામાબાલકદાસજી કોઠારી સ્વામી સુંદરદાસજીએ જણાવી પવિત્ર દિવસે ઘરમાં રહી પૂજા અર્ચના સાથે ઠાકર સદ્ગુરુનું સ્મરણ કરી કોરોના મહામારી દેશ અને દુનિયામાંથી સંપૂર્ણ પણે નાબુદ થાય તેવી પ્રાર્થના કરવા જણાવાયું છે.
માધવરાયજી મંદિર માધવપુર (ઘેડ):  માધવપુર ઘેડનું માધવરાયજી મંદિર 4 દિવસ બંધ રહેશે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ ભગવાન માધવરાયજી મંદિર તા.10થી 14 સુધી બંધ રાખવાનો નિર્ણય માધવરાયજી ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.
શિતળા માતાજીનું મંદિર મોરબી: મોરબીમાં એક માત્ર એવી જગ્યા છે કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ શીતળા સાતમે મહિલાઓનો જ મેળો યોજાઇ છે. એ પણ કોઇપણ જાતના ભપકા વગર માત્ર સાદાઇથી યોજાય છે. મોરબીના દરબારગઢ પાસે મચ્છુ નદીના કાંઠે આવેલા શીતળા માતાના મંદિરે દર વર્ષે શીતળા સાતમના દિવસે માત્ર મહિલાઓનો મેળો યોજાયો છે. પણ આ વખતે કોરોનાની મહામારીને લઇને આ શિતળા માતાજીના મંદિરે સાતમનો મેળો રદ કરવામાં આવ્યો છે. માત્ર સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકાશે.  આ વખતે કોરોનાની મહામારીને કારણે તમામ લોકમેળા રદ કરવામાં આવ્યા છે. તેથી સાતમના દિવસે શિતળા માતાજીના મંદિરે પણ મહિલાઓનો મેળો નહિ ભરાય. માત્ર મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માતાજીની માનતા  ઉતારીને દર્શન કરી શકશે. આમ પણ આ વખતે બે તિથિ હોવાથી સોમવારે અને મંગળવારે એમ બે દિવસ સાતમનો તહેવાર છે. આથી, બે દિવસ સુધી આ મંદિરમાં મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દર્શન કરી શકશે.
ગુંસાઈજીની બેઠક જામનગર: જામનગરમાં ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલ ગુંસાઈજીની બેઠકમાં જન્માષ્ટમી પર્વ પર તા. 11 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન સાતમ, આઠમ અને નોમના દિને દર્શન બંધ રહેશે. કોરોના સંક્રમણને ધ્યાને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ જણાવાયું છે.
વારાહી મંદિર - તળાજા : વારાહી મંદિરે સવારે માત્ર બાલકૃષ્ણની પૂજા, હવેલીમાં મુખીયાજી પરિવાર દ્વારા જન્મોત્સવ ઉજવાશે. ઠાકર મંદિરે રાત્રીના 12 કલાકે આરતી, 108ના બદલે માત્ર એક જ મટકી ફોડી સાદગી સાથે ઉજવણી થશે. સાતમ આઠમના તહેવારનો પ્રારંભ થઈ ગયો છે. તળાજાની બજારમાં પર્વને અનુલક્ષીને ઘરાકી નીકળી છે. જોકે કોરોનાની મહામારીને લઈ તહેવારોની ઉજવણી સાવ ફિક્કી રહેશે. વિવિધ ધાર્મિક સંગઠન, મંડળ, સંસ્થાઓ દ્વારા એકદમ સાદગીપૂર્વક બાલકૃષ્ણ અપૂજ ન રહે તેવા હેતુથી કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવશે. કોરોનાની મહામારીને કારણે તળાજાનાં ગામડાઓ શહેરોમાં સ્થાયી થયેલા અહીં પરત ફરતા ભરાઈ ગયા છે. તેનો સીધો લાભ અહીંની માર્કેટમાં દેખાઈ રહ્યો છે.  તળાજામાં મનુભાઈ પટેલ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી શોભાયાત્રા યોજી કરવા આવે છે. આ વખતે પણ નગરના મુખ્ય રસ્તાને કેસરી ધ્વજાઓ દ્વારા શણગારવામાં આવેલ છે. કેસરિયા ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવેલ છે. મનુભાઈ પટેલ, ચંદ્રેશભાઈ સરવૈયા દ્વારા શોભાયાત્રા નહીં યોજાય. વારાહી મંદિરે સવારે 8.30 આસપાસ પરંપરા સાચવવા માટે ભગવાન અપૂજ ન રહે તે માટે શાસ્ત્રોક્ત પૂજન, આરતી ઉતારી મર્યાદિત સંખ્યામાં જ ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer