સિંહ દિવસને ઓનલાઇન ઉજવવાનું વન તંત્રનું આયોજન

કોરાનાને લીધે ઉજવણીમાં નિરુત્સાહ પણ જૂનાગઢ વન તંત્ર દ્વારા સિંહ દિવસ ઓનલાઇન વર્ચ્યુઅલ ઉજવાશે
(ફૂલછાબ ન્યુઝ)
જૂનાગઢ, તા.9 : ભારતની શાન સમાન સિંહ દિવસ એટલે 10મી ઓગસ્ટ પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ઉજવણીમાં નિરુત્સાહ જણાય છે. ઓનલાઇન, વર્ચ્યુઅલ દ્વારા ઉજવણીનું જૂનાગઢ વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું  કે વર્ષ 2016થી તા.10 ઓગસ્ટના દિનને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે.
આ ઉજવણી પાછળનો ઉદ્દેશ સિંહ પ્રેમ કેળવાય અને સિંહો પરત્વે લોકોનો ભાવ વધે તે છે આવતી કાલ તા.10ના સિંહ દિવસની ઉજવણી કરાશે તેમાં જોડાનાર લોકોને સેનિટાઇઝ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. શાળા-કોલેજો બંધ હોવાથી સિંહ દિવસમાં વિદ્યાર્થીઓ જોડાઈ શકશે નહીં.
સિંહોના એક માત્ર વસવાટ સ્થળ ગીર જંગલ હતું પરંતુ સિંહોની સંખ્યામાં છેલ્લાં પાંચ વર્ષમાં તોતિંગ વધારો થતાં જંગલ ટૂંકું પડતા હવે સિંહો સૌરાષ્ટ્રના અન્ય પાંચ જિલ્લાઓમાં વસવાટ અને વિહરતા થયા છે તે સારી વાત છે.
પરંતુ છેલ્લા એક-બે વર્ષથી સિંહો ઉપર પણ રોગચાળાએ સવારી કરી છે, પરિણામે અનેક સિંહોનાં મૃત્યુ થયાં છે. બેબેસિયા રોગચાળાથી સિંહોને ઉગારવા અમેરિકાથી રસી મંગાવવામાં આવી છે.
વન વિભાગ દ્વારા સિંહ દિવસ અંગે ફિલ્મ પ્રિમિયર આવતી કાલે સવારે 11-30 કલાકે યોજાનાર છે. યુ-ટયુબ ઉપર નિહાળવા મળશે, આમ સિંહ દિવસની આવતી કાલે ઉજવણી કરાશે.
------
વનરાજાઓના ટપોટપ મૃત્યુ વચ્ચે “િસંહ દિવસ” ઉજવાય ખરો ?
વન્ય પ્રાણીપ્રેમીઓમાં ભારોભાર આક્રોશ
ખાંભા, તા.9: વન વિભાગ સિંહ દિવસની ઉજવણીમાં વ્યસ્ત બન્યું છે અને સિંહોની વસ્તીમાં વધારો થયો છે તેઓ ડોળ કરી રહ્યું છે, પરંતુ હકીકતે સિંહોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે તે બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ તેને બદલે સિંહ દિવસે સેલિબ્રેશન કરી સિંહોનાં સંરક્ષણમાં સારી કામગીરીના માત્ર દેખાડા અયોગ્ય હોવાનું પ્રાણીપ્રેમીઓ કહે છે.
ધારી ગીરપુર્વના દલખાણીયા રેંજમાં આવેલ કાંગસા રાઉન્ડમાં આજે પાંચથી નવ વર્ષના નર સિંહનું બીમારી સબબ મૃત્યુ થયું છે બાદમાં તેને ધારીના ભુતિયા બંગલા અગ્નિદાહ આપવામાં આવ્યો છે.
 આ સમગ્ર મામલે આર.એફ.ઓ, એ.સી.એફ., ડીસીએફ સહિતના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતાં પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સિંહોના મૃત્યુ બાબતે રાબેતા મુજબ મૌન ધારણ કરી લે છે હકીકતે સિંહ દિવસનું સેલિબ્રેશન કરવાને બદલે સિંહોના મૃત્યુ બાબતે  કરૂણતા, સભાનતા દાખવવી જોઇએ તેવું સિંહપ્રેમીઓ કહે છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer