સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા આપનાર વિદ્યાર્થિનીને કોરોના

શનિવારે છેલ્લું પેપર આપ્યા બાદ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો: યુનિવર્સિટી એક્શનમાં
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 9: કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓફલાઈન પરીક્ષામાં 17 જેટલા અભ્યાસક્રમોમાં 11 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષાના અંતિમ દિવસે ગઈકાલે એક વિદ્યાર્થિની કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
રાજકોટમાં ટી એન રાવ કોલેજમાં એમએડ સેમેસ્ટર-4માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની રાજકોટમાં સર્વોદય કોલેજમાં બ્લોક નંબર પ, ક્લાસ નંબર 13માં છેલ્લી બેંચ પરથી પરીક્ષા આપી રહી હતી. ગઈકાલ તા. 8મીને શનિવારે સવારના સમયમાં અંતિમ પેપરની પરીક્ષા આપ્યા બાદ ટી એન રાવ કોલેજમાં વાઈવા માટે તેણી ગઈ ત્યારે તબિયત બરાબર ન હોવાનું કોલેજ સંચાલકોને જણાવ્યું હતું. આથી તેણીના ઘરના સભ્ય સાથે તેને હોસ્પિટલ રવાના કરાઈ હતી.
સિવિલ હોસ્પિટલમાં તેણી ગયા બાદ કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. જેની જાણ થતા પરીક્ષા કેન્દ્રનો સ્ટાફ, સુપરવાઈઝર તેમજ તેણીની સાથે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પણ ચિંતા પ્રસરી ગઈ હતી. દરમિયાન વિદ્યાર્થિનીને રાજકોટની સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન કરાઈ હતી. જ્યાં તેની તબિયત સ્થિર જણાતા સમરસ હોસ્ટેલમાંથી રજા આપી હોમ ક્વોરન્ટાઈન કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
પરીક્ષા દરમિયાન આ કોરોનાનો પ્રથમ કેસ બન્યો છે ત્યારે કુલપતિ ડો. નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજય દેશાણી તેમજ પરીક્ષા મેડિકલ સમિતિના ચેરમેન ડો. ભાવિન કોઠારીએ વિદ્યાર્થિની સાથે વાતચીત કરી તબિયતના સમાચાર પૂછ્યા હતા તેમજ અગાઉ જાહેર કરાયા મુજબ તેણીની સારવાર માટે એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ ચુકવવાની તૈયારી યુનિવર્સિટીએ દાખવી હતી. નોંધનીય છે કે વિદ્યાર્થિનીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યાની જાણ થતા જ એનએસયુઆઈના રાજકોટ જિલ્લા પ્રમુખ રોહિત રાજપુત સહિતનાએ યુનિવર્સિટીનું આ મામલે ધ્યાન દોરી તાબડતોબ ઘટતું કરવા રજુઆત કરી હતી તેમજ એ વિદ્યાર્થિની સાથે પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થી અને સ્ટાફને આ બાબતથી વાકેફ કરી તત્કાલ સંપર્કમાં આવેલાને કોરોના રિપોર્ટ કરાવવા સહિતની કાર્યવાહી કરવા માગ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer