વિદેશમાં પાક.ની સતત સાતમી હાર: ઇંગ્લેન્ડ 1-0થી આગળ

વિદેશમાં પાક.ની સતત સાતમી હાર: ઇંગ્લેન્ડ 1-0થી આગળ
માંચેસ્ટર તા.9:  મેન ઓફ ધ મેચ ઓલરાઉન્ડર ક્રિસ વોકસ (અણનમ 84) અને વિકેટકીપર જોસ બટલર (7પ) વચ્ચેની છઠ્ઠી વિકેટની 139 રનની ભાગીદારીથી પાકિસ્તાન વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો 3 વિકેટે રોમાંચક વિજય થયો હતો. આથી 3 મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ થયું છે. 277 રનના વિજય લક્ષ્યાંક સામે એક સમયે ઇંગ્લેન્ડે 117 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે પાક. વિજય ભણી હતું, વોકસ-બટલરની જોડીએ પાક.ની જીતની બાજી પલટાવીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી હતી. ઇંગ્લેન્ડે ગઇકાલે મેચના ચોથા દિવસે 82.1 ઓવરમાં 7 વિકેટે 277 રન કરીને જીત નોંધાવી હતી.
પાકિસ્તાન 10 વર્ષ બાદ પહેલી ઇનિંગમાં સરસાઇ મેળવ્યા બાદ પરાજીત થયું છે. આ પહેલા 2010માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 206 રનની મોટી સરસાઇ બાદ પાક.ને હાર મળી હતી. આ ઉપરાંત પાક.ની પોતાના દેશ અને હાલના હોમ ગ્રાઉન્ડ યુએઇ બહાર આ સતત સાતમી ટેસ્ટ હાર છે. રન લક્ષ્યાંકનો પીછો કરીને ઇંગ્લેન્ડની પાક. સામે આ બે વર્ષ બાદ જીત નોંધાઇ છે. છેલ્લે 2018માં લોર્ડસમાં 9 વિકેટે વિજય મળ્યો હતો. ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલ પહેલા ટેસ્ટમાં પાકિસ્તાનના પહેલા દાવમાં 326 રન થયા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 219 રને ઓલઆઉટ થયું હતું. આથી પાક.ને 107 રનની સરસાઇ મળી હતી. બીજા દાવમાં પાક.ના 169 રન થયા હતા. આથી ઇંગ્લેન્ડને જીત માટે 277 રનનું લક્ષ્ય મળ્યું હતું. શ્રેણીનો બીજો મેચ તા. 13 ઓગસ્ટથી સાઉથમ્પટન ખાતે ખાલી સ્ટેડિયમમાં શરૂ થશે. બાકીના બે ટેસ્ટમાંથી સ્ટોક્સ બહાર પાકિસ્તાન સામેના બાકીના બે ટેસ્ટ મેચમાંથી ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસ બહાર થઇ ગયો છે. સ્ટોકસે કૌટુંબિક કારણોસર બીજા અને ત્રીજા ટેસ્ટમાંથી વિશ્રામ લેવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આજે આ જાહેરાત કરતા કહ્યંy છે કે તે પારિવારિક કારણોસર આ સપ્તાહે ન્યુઝીલેન્ડની યાત્રા કરવાનો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer