ભાવનગર-જામનગરમાં કોરોનાનું ટેસ્ટીંગ વધારવા મુખ્યમંત્રીની સૂચના

ભાવનગર-જામનગરમાં કોરોનાનું ટેસ્ટીંગ વધારવા મુખ્યમંત્રીની સૂચના
 
- જામનગરમાં રોજ એક હજાર ટેસ્ટ કરવા, ભાવનગરમાં જિલ્લા સરહદે ચેકપોસ્ટ પર સઘન ક્રીનીંગ કરવા રૂપાણીએ તંત્રને કરેલી તાકીદ
 
(ફૂલછાબ ન્યુઝ)
ભાવનગર, જામનગર, તા. 8 : સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે ત્યારે પરિસ્થિતિની સમીક્ષા કરવા અને કોરોના સંદર્ભે તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીની જાણકારી મેળવી તેમાં જરૂરી                 સૂચના આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે સવારે ભાવનગર અને બપોર પછી જામનગરની મુલાકાત લીધી હતી. આ બન્ને જિલ્લામાં કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. જામનગરમાં રોજ એક હજાર ટેસ્ટ કરવા તેમજ ભાવનગરમા જિલ્લા સરહદે ચેકપોસ્ટ પર સઘન ક્રીનીંગ કરવા તેમણે તંત્રને તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ સંદર્ભે સમગ્ર સ્થિતિનું આકલન કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજયમાં કોરોના સંક્રમણની સ્થિતિને એકંદરે નિયંત્રિત છે. કોરોના દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં બેડ, દવાઓ ઉપલબ્ધ છે. કોરોના સામે વપરાતા ઇન્જેકશનોની દેશમાં કુલ આયાતમાંથી 55 ટકા આયાત માત્ર ગુજરાત કરે છે.
તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર ક્રિનિંગ સઘન બનાવાશે. શહેર-જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલા લોકોના ટેસ્ટિંગ ઉપર ભાર મૂકી આ કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા લોકો માટે સંજીવની રથથી આરોગ્ય તપાસ સારવાર સુવિધા ઉપલબ્ધ બનાવવા તેમજ રોગપ્રતિકારક  શક્તિ વધે તે માટે નિયમિત ઉકાળાનું વિતરણ કરવા પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં ફાયર સેફટી સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યાં પણ ફાયર સેફટીની જોગવાઈઓનું પાલન નહીં થાય એ હોસ્પિટલ્સ સામે કડક પગલા લેવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમણે અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં રિકવરી રેટ 75.4 ટકા અને મૃત્યુ દર 3.5 ટકા જેટલો છે અને ગુજરાત કોરોના સંક્રમણમાં દેશમાં 12મા સ્થાને છે તેમ પણ અન્ય રાજ્યોની તુલના કરતા જણાવ્યું હતું.
ભાવનગરમાં સર તખ્તસિંહજી  હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે દરકાર રખાતી ન હોવાની ફરિયાદ થઇ હતી. મુખ્યમંત્રીને આ સરકારી દવાખાનામાં ઘોર બેદરકારી અંગેની રજૂઆત  થતાં આ અંગે કડક પગલા ભરાશે તેવું આશ્વાસન અપાયું હતું. અમદાવાદ હોસ્પિટલની દુર્ઘટના વિશે તેમણે કહ્યું હતું કે તમામ દવાખાનાઓ માટે સલામતી વ્યવસ્થા અને માન્યતા  તપાસ માટેના  આદેશ અપાયા છે અને તેમાં ખામી જણાયે કોઇપણને છોડવામાં આવશે નહીં.
ભાવનગર જિલ્લામાં અમરગઢ જિંથરી ખાતેના દવાખાનામાં કોરોના સારવાર માટે તૈયારી થયા બાદ કામ અટકી પડયું. આ દવાખાનાના સંચાલકોની સરકાર સાથે કોઇ શરતો હતી? આ અંગે રૂપાણીએ  કહ્યું કે કોઇ શરત નથી. હાલમાં તે આ બિમારી માટે અનામત વ્યવસ્થા રાખી છે. જરૂર પડે ત્યારે  ત્યાં સારવાર શરૂ થશે.
કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જામનગર આવ્યા હતાં. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ જોડાયા હતાં. તંત્ર સાથેની સમિક્ષા બેઠકો અને હોસ્પિટલની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સામે કોઈ દવા નકકી થઈ નથી.ભવિષ્યમાં શું થશે તે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ કહી શકે તેમ નથી.આથી અત્યારે તો તકેદારી ખુબ જ મહત્વની બની છે. તેમણે જામનગરમાં રવિવાર, તા.9 ઓગસ્ટ 2020થી કોરોના ટેસ્ટીંગ કેસ વધારી રોજના 1000 (એક હજાર) કરવા માટે તંત્રને સૂચના આપી છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજય સરકાર કોરોનાના કેસને અંકુશમાં રાખવા અસરકારક પગલાં લઈ રહી છે. નીતિ નિયમો બનાવ્યા છે. નોટિફીકેશન બહાર પાડયા છે અને લોકજાગૃતિનું નામ પણ કરવામાં આવે છે.ખાસ કરીને શ્રાવણ માસના તમામ ઉત્સવ રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર વગેરે માટે પણ કડક નિયમો બનાવ્યાં છે. આમ છતાં પણ કોઈ સંક્રમિત થાય તો તેના માટે સારવારની પૂરતી સુવિધા જામનગર સહિત ગુજરાતમાં ઉપલબ્ધ છે. એક સમયે ગુજરાતનો ક્રમ દેશમાં બીજા નંબરનો હતો જે આજે 14માં નંબરે છે.
રાજયમાં ધન્વંતરિ રથની સંખ્યા 1200ની કરી દેવામાં આવી છે. તેના પરિણામે અમદાવાદ અને સુરતમાં સંક્રમણને કંટ્રોલ કરવામાં સફળતા મળી છે. સાથે-સાથે ખાનગી હોસ્પિટલોને પણ સારવાર માટે જોડવામાં આવી છે. હાલ રાજયમાં ટેસ્ટ 75 ટકા છે. જયારે મૃત્યુ દર સાડા ત્રણ ટકા છે. જયારે પોઝીટીવીટીની સંખ્યા 8 ટકા થવા જાય છે. રાજયમાં ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં 26,000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેને રોજના 30,000 ટેસ્ટ કરવા માટે પણ તંત્રને સૂચના આપવામાં આવી છે.
જામનગરમાં 1200 બેડની સારવાર ઉપલબ્ધ છે. રવિવાર તા.9થી જામનગર જિલ્લામાં દરરોજના 1000 ટેસ્ટ કરવાની પણ આજે તંત્રને સૂચના આપવામાં આવી છે.આ સાથે જ ધનવંતરિ રથની સંખ્યા પણ વધારવાની સૂચના અપાઈ છે તેમજ સુરત-અમદાવાદથી આવતા લોકોનું ક્રિનિંગ કરવાની પણ તંત્રને સૂચના અપાઈ છે. ઉપરાંત સરકારે ધ્રોલ-કાલાવડ વગેરે ગામોના કેસો અંગે પણ ચિંતા કરી છે.
આ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજયમંત્રી આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખ જેઠવા, આરોગ્ય વિભાગના અધિકારી જયંતી રવિ, જિલ્લા કલેકટર રવિશંકર, મ્યુનિ.કમિશ્નર સતિષ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
અમદાવાદ જેવી આગની ગંભીર ઘટના રોકવા કડક પગલા લેવામાં આવશે
અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના અને 8 દરદીઓના મૃત્યુની ઘટના બની હતી ત્યારે ગુજરાત સરકારે જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના કલેકટરો, મ્યુનિ.કમિશ્નરોને, વીજ તંત્ર, ફાયર બ્રિગેડ વગેરેને પોત-પોતાના વિસ્તારોમાં ત્રણ-ચાર દિવસમાં જ જયાં આગ પ્રતિરોધક વ્યવસ્થા છે કે નહીં તેનું સર્વેક્ષણ કરાવવા જણાવાયું છે એ પછી જયાં વ્યવસ્થાનો અભાવ હોય તેવા દરેક સ્થળના સંચાલકોને આ સમય મર્યાદામાં વ્યવસ્થા ઉભી કરવા કડક સૂચના આપવા અને તેમાં નિષ્ફળ જનાર સામે કડક પગલાં લેવાશે.
-------------
લોકડાઉનનાં નિયમોમાં ઢીલાશ નહીં ચલાવાય: મુખ્યમંત્રી
જામનગર તા.8 : જામનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું રહયું છે તે અટકાવવા માટે રાજય સરકાર સતત ચિંતિત છે.એ માટે અનેક પ્રયાસો થઈ રહ્યાં છે. લોકજાગૃતિ પણ જરૂરી છે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સાંજે જામનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ઉપરોકત બાબત સંદર્ભમાં જામનગરમાં લોકડાઉન વખત નીતિ-નિયમો, આદેશો અને જાહેરનામાના અમલ માટે કડક પગલા લેવાઈ રહ્યાં છે.પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી આ બાબતમાં તદન ઢીલાશ વર્તાઈ રહી છે. તે અંગે પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ બાબતમાં લક્ષ આપી કડક અમલ માટે સૂચના અપાશે.
----------
કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસની સ્થિતિ અંગે સમીક્ષા માટે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંતી્ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવા, ખાનગી હોસ્પિટલનાં ઇન્જેકશન કૌભાંડ, દર્દીના નામ જાહેર કરવા સહિતના મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર પાઠવે તે પહેલા જ પોલીસે તમામ આગેવાનોની અટકાયત કરી હતી. પોલીસે ધારાસભ્ય કનુભાઈ બારૈયા, શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનોની અટકાયત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer