અનલોક-3 અનલકી : સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 380 સહિત 8 દી’માં 2418 કેસ

અનલોક-3 અનલકી : સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 380 સહિત 8 દી’માં 2418 કેસ
- રાજકોટ જિલ્લામાં નવા 93 કેસ સાથે કુલ આંક 2500ને પાર, 6 દરદીએ અંતિમ શ્વાસ લીધા : જૂનાગઢમાં 29 કેસ ને 2 મૃત્યુ
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.8 : દેશભરમાં 1 ઓગસ્ટથી શરૂ થયેલું અનલોક-3 સૌરાષ્ટ્ર માટે અનલકી સાબીત થયું હોય તેમ શનિવારે નવા 380 સહિત આઠ દિવસમાં જ 2418 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આ આઠ દિવસમાં જ કોરોનાના 144 દરદીએ સારવાર દરમિયાન દમ તોડયો હતો. આજે રાજકોટ શહેરમાં 68, ગ્રામ્યમાં 25 અને અન્ય જિલ્લાના 15 કેસ મળીને નવા 108 કેસ નોંધાતા જિલ્લાનો કુલઆંક 2500ને પાર થયો હતો. જૂનાગઢમાં 29 નવા કેસ અને 2 મૃત્યુ નોંધાયા હતા. જ્યારે જામનગરમાં 68 કેસ-મૃત્યુ, ભાવનગરમાં 47, અમરેલીમાં 33, ગીર સોમનાથમાં 29, સુરેન્દ્રનગર અને મોરબીમાં 21-21, બોટાદમાં 9, પોરબંદરમાં 8 તથા દ્વારકામાં 7 નવા કેસ નોંધાયા હતા.
રાજકોટ શહેરમાં બપોર સુધીમાં 44 અને સાંજે 24 સહિત ચોવિસ કલાકમાં 68 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે શહેરમાં કોરોનાગ્રસ્તોનો કુલઆંક  1696 થયો છે. શહેર ઉપરાંત ગોંડલમાં કોરોનાનો હાહાકાર યથાવત રહેતા આજે વધુ 16 કેસ નોંધાયા હતા. આ સાથે તાલુકાનો કુલ આંક 266 થયો હતો. જામકંડોરણામાં નવા ચાર કેસ નોંધાતા તાલુકાનો કુલ આંક 55 થયો હતો. આ સહિત જિલ્લાના તાલુકા-ગ્રામ્ય વિસ્તારમાંથી આજે નવા 25 કેસ નોંધાતા જિલ્લાનો કુલઆંક 2582 થવા પામ્યો હતો. જ્યારે અન્ય જિલ્લાના 15 વ્યક્તિનો રિપોર્ટ પણ રાજકોટમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ચોવિસ કલાકમાં શહેરના 3, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના એક એમ કુલ 6 દરદીએ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે વધુ 78 દરદીએ કોરોનાને મહાત આપી હતી. રાજકોટ સરકારીમાં 307 અને ખાનગી હોસ્પિટલોમાં 253 મળીને હાલ 560 દરદી સારવારમાં છે.
ભાવનગર જિલ્લામાં નવા 47 કેસ નોંધાતા કુલ આંક 1796 થયો હતો. આજે નોંધાયેલા કેસમાં ભાવનગર શહેરના 16 પુરુષ અને 12 સ્ત્રી એમ કુલ 28 તથા ભાવનગર તાલુકામાં 3, તળાજામાં 5, ઉમરાળા અને વલ્લભીપુરમાં 3-3, પાલીતાણામાં 2 અને મહુવામાં 1 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજે શહેરના 18 અને ગ્રામ્યના 15 મળીને કુલ 33 દરદીને રજા આપવામાં આવી હતી. જિલ્લાના 448 દરદી હાલ સારવારમાં છે.
જામનગરમાં મુખ્યમંત્રીના આગમન સમયે જ કોરોના બોમ્બ ફૂટયો હોય તેમ જિલ્લામાં નવા 68 કેસ નોંધાયા હતા. જેમાં શહેરના 55 અને ગ્રામ્યના 13 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરના એક મહિલા, એક વૃદ્ધ તથા ધ્રોલના પ્રૌઢાનુ મૃત્યુ નિપજ્યુ હતુ.
અમરેલી જિલ્લામાં આજે નવા 33 કેસ નોંધાતા કુલ કેસનો આંક 617 થયો હતો. જેમાંથી અત્યારસુધીમાં 392ને રજા અપાઈ ગઈ છે અને હાલ 207 એક્ટિવ કેસ છે.
જૂનાગઢ જિલ્લામાં આજે શહેરના એક અને માંગરોળના એક દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો. ઉપરાંત જૂનાગઢ શહેરના 17, તાલુકાનો 1, કેશોદમાં 5, ભેંસાણમાં 1, માળીયામાં 3, માંગરોળ અને વિસાવદરમાં 1-1 કેસ સહિત કુલ 29 નવા કેસ નોંધાયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં નવા 29 કેસ નોંધાયા હતા. જેમાં મુખ્ય મથક વેરાવળમાં 11, ઉનામાં 8, તાલાલામાં 4 તથા સુત્રાપાડા અને કોડીનારમાં 3-3 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ આજે જિલ્લાના 13 દરદીને રજા આપવામાં આવી હતી.
મોરબી જિલ્લામાં શહેરના 20 અને હળવદના 1 સહિત 21 કેસ નોંધાતા કુલઆંક 287 થયો હતો. જેમાંથી આજે વધુ 25 દરદીને ડિસ્ચાર્જ કરવામાં આવતા હાલ એક્ટિવ કેસની સંખ્યા 150 રહી હતી.
બોટાદ જિલ્લામાં શહેરના 6 તેમજ જમાલપર, ખાંભડા, ગઢડાના 1-1 મળીને નવા 9 કેસ નોંધાતા કુલ કેસનો આંક 333 થયો હતો. જેમાંથી આજે વધુ 8 દરદીને રજા આપવામાં આવતા હાલ 72 એક્ટિવ કેસ છે.
પોરબંદર શહેરમાં 5 તથા કુતિયાણામાં 3 સહિત જિલ્લામાં નવા 8 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લાનો કુલ આંક 249 થયો હતો. જેમાંથી આજે વધુ 25 સાજા થતા હાલ 63 દરદી સારવારમાં છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા 7 કેસ નોંધાયા હતા. જેમાં દ્વારકા શહેરમાં આરોગ્ય સેન્ટરના કર્મચારી સહિત 4, ખંભાળિયામાં દંપતિ અને મીઠાપુરમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 105 થયો હતો, જેમાંથી હાલ 45 એક્ટિવ કેસ છે.
સુરેન્દ્રનગર તંત્ર દ્વારા કોઈ યાદી જાહેર કરાતી નથી અને વિગતો છુપાવવામાં આવી રહી છે. પરંતુ રાજ્ય સરકારની યાદી મુજબ છેલ્લા ચોવિસ કલાકમાં જિલ્લામાં નવા 21 કેસ નોંધાયા હતા. ચોટીલા વિસ્તારના 34 દરદીઓ પૈકી 31 સાજા થઈ ગયા છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાંજ 22 દરદીને રજા આપવામાં આવી હતી.
--------------
રાજકોટ જિલ્લામાં તાજિયાની ઉંચાઈ બે ફૂટથી ઉંચી રાખી શકાશે નહીં
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ,તા.8 : આગામી તા.29થી મુસ્લિમ બિરાદરોના શરૂ થતા મહોરમ તાજીયા તહેવારની ઉજવણી અનુસંધાને રાજકોટ જિલ્લા કલેક્ટરે ખાસ જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં તાજીયાની ઉંચાઈ બે ફૂટથી વધુ ન રાખવા અને વિસર્જન, યાત્રા, ઝુલુસ અને જાહેર ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામામાં જણાવાયું છે કે, બે ફૂટથી વધુ ઉંચાઇવાળા તાજીયા બનાવી પણ શકાશે નહીં. તાજિયાનું સ્થાપન અને વિસર્જન સહિતના કાર્યક્રમો જાહેર માર્ગો પર, સોસાયટીઓમાં કે મહોલ્લામાં કરી શકશે નહીં. તાજીયા નિમિત્તે મંડપ, ડેકોરેશન, હંગામી સ્ટ્રકચર ઉભું કરી શકાશે નહીં અને લાઉડ સ્પીકર કે ડીજેનો ઉપયોગ પણ કરી શકાશે નહીં. જો કોઈ વ્યક્તિ તાજીયાની ઉજવણી કરવા માગતી હોય તો મન્નતના તાજીયાનું પોતાના ઘરમાં સ્થાપન કરી બંદગી કે અન્ય ધાર્મિક કાર્યક્રમો પોતાના ઘરમાં કરી વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. ઘરમાં પણ આ નિમિત્તે ચારથી વધુ વ્યક્તિઓ એકત્ર ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે અને દરેક વ્યક્તિ માસ્ક પહેરે તે જરૂરી છે. આ જાહેરનામું આગામી તા.2 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer