કચ્છ સીમાએ પાકે. તૈનાત કર્યાં F-16

કચ્છ સીમાએ પાકે. તૈનાત કર્યાં F-16
 
રણથી 130 કિ.મી. દૂર ભોલારી એરબેઝ અપગ્રેડ કરે છે : ભારતની પણ સજ્જડ જવાબની તૈયારી
 
ઈસ્લામાબાદ, તા. 8 : ભારત સાથે વધતી તાણ વચ્ચે પાકિસ્તાને ગુજરાત રાજ્યના સીમાવર્તી કચ્છ પ્રદેશના રણથી 130 કિલોમીટર દૂર સ્થિત પોતાના એરબેઝને અપગ્રેડ કર્યો છે.
પાકિસ્તાની વાયુદળે આ હવાઈ મથક પર તેના એફ-16 યુદ્ધવિમાન તૈનાત કર્યાં છે. તાજેતરમાં જ પાકે પોતાના વિવાદી નકશામાં ભારતનું જૂનાગઢ બતાવી દીધું હતું. જે એરબેઝથી 480 કિ.મી. દૂર છે.
પાકના કોઈપણ હવાઈ હુમલાનો જડબાંતોડ જવાબ આપવા માટે ભારતે પણ તેની સુરક્ષા માટેની તૈયારીઓ મજબૂત કરી નાખી છે.
આ વિસ્તારમાં ભારતીય વાયુદળના અનેક બેઝ મોજૂદ છે. જે આતંક પરસ્ત પાડોશી દેશના કોઈપણ હુમલાનો જવાબ આપવા સક્ષમ છે.
ડેટ્રેસ્ફાની ઉપગ્રહ તસવીરો પરથી એવો ખુલાસો થયો છે કે, પાકિસ્તાને ભોલારી એરબેઝ પર તેનું એરક્રાફટ શેલ્ટર બનાવવાનું કામ પૂર્ણ કરી લીધું છે.
કચ્છના રણથી 130 કિ.મી. દૂર સ્થિત આ રણનીતિરૂપે મહત્ત્વના એરબેઝ પરથી પાકિસ્તાન ભારતીય ક્ષેત્રો પર પકડ મજબૂત કરવાના નાપાક મનસૂબા સાથે તૈયારીઓ કરી રહ્યું છે.
ખાસ ઉલ્લેખનીય છે કે, 1965નું ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ આજ સીમા ક્ષેત્રમાં લડાયું હતું. પાકે આ એરબેઝ પર 16 એરક્રાફટ શેલ્ટર્સ બનાવી લીધું છે અને 12 શેલ્ટર્સનું કામ જારી છે.
-----------------
પીઓકેમાં ભારતની મોટી કાર્યવાહી
મુઝફ્ફરાબાદ, તા. 8 : ભારતીય સેનાએ અંકૂશ રેખા (એલઓસી) પર પાકિસ્તાન દ્વારા કરાયેલા મોર્ટાર શેલ મારાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ગઈકાલે જ્યારે પાકિસ્તાને તંગધાર  સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું તો સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં લોન્ચપેડ્સને નિશાન બનાવીને ભારે નુકસાન પહોંચાડયું  હોવાનું અહેવાલોમા જણાવવામાં આવ્યું હતું. એવા પણ હેવાલ છે કે ભારતના જડબાતોડ ‘િમસાઇલ જવાબ’માં પાક સેનાના એક મેજર તેમજ ત્રણ?સૈનિક પણ માર્યા ગયા હતા.
પાકિસ્તાનના અખબાર ‘ડોન’ અનુસાર લેપાઘાટીમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે ચારને ઈજા પહોંચી હતી. પાકિસ્તાની મીડિયામાં જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યાં છે તેમાં અનેક ઈમારતો ધ્વસ્ત નજરે પડી રહી છે અને મોટા પાયા પર નુકસાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પાકિસ્તાની મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત તરફથી આટલા મોટા પાયે શેલિંગ અગાઉ કરવામાં આવ્યું ન હતું. એક અહેવાલ અનુસાર આજે વહેલી પરોઢે મોર્ટાર અને મધ્યમ રેન્જ આર્ટિલરી સાથે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને એક દિવસ પહેલાં નૌગામ અને તંગધાર સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ શેલિંગમાં કુપવાડા જિલ્લાના છ નાગરિક ઘાયલ થયા હતા. સેનાએ જવાબી કાર્યવાહીમાં પીઓકેના લોન્ચિંગ પેડને નિશાન બનાવ્યાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer