અમેરિકી ચૂંટણીમાં વિદેશી દખલની ભીતિ

અમેરિકી ચૂંટણીમાં વિદેશી દખલની ભીતિ
ટ્રમ્પને હરાવવા ઈરાન-ચીન, બિડેન વિરુધ્ધ રશિયા કામ કરતું હોવાની ગુપ્તચર તંત્રને આશંકા
વોશિંગ્ટન, તા. 8: અમેરિકાના કાઉન્ટર ઇન્ટેલિજન્સ (વળતી જાસૂસી) વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયા, ચીન અને ઇરાન આગામી ત્રીજી નવેમ્બરે યોજાનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડખલ દેવાનો પ્રયાસ કરી શકે છે અને રશિયાએ તો ક્યારનું ય ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનના મામલામાં ડખલ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.  એક અસામાન્ય જાહેર નિવેદન કરતાં નેશનલ કાઉન્ટર ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી સેન્ટરના ડિરેક્ટર વિલિયમ ઇવાનિયાએ જણાવ્યું હતું કે, આ ત્રણ દેશો મતદાતાઓને પ્રભાવિત કરવા ઓનલાઇન જુઠાણા ફેલાવે છે. અવ્યવસ્થા સર્જે છે અને અમેરિકાના મતદારોના લોકશાહીમાં વિશ્વાસને ડગમગાવે છે.

ન્યૂજર્સીમાં એક પત્રકાર પરિષદમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછાયું હતું કે, આગામી ચૂંટણીમાં સંભવિત ડખલનો તમે કેવી રીતે પ્રતિસાદ આપશો, તેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમે તે બધા ઉપર નજર રાખી રહ્યા છીએ, અમારે બહુ કાળજી લેવી પડશે. તેમણે કહ્યું કે, રશિયા, ચીન અને ઇરાન એ બધા હું હારી જાઉં એમ ઇચ્છે છે. આ ઉપરાંત વિદેશી દુશ્મનો અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં ભાંગફોડ કરવા, ચૂંટણીના ડેટા ચોરી જવા અથવા ચૂંટણીનાં પરિણામોની કાયદેસરતાને પડકારવા સહિતનાં પગલાં લઈ રહ્યાં છે. જોકે વિલિયમ્સ ઇવાનિયાએ જણાવ્યું હતું કે, અમારા દુશ્મનો માટે ચૂંટણીમાં મોટાપાયે ડખલ કરવી મુશ્કેલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer