ભારતમાં સળંગ ચોથા દિવસે દુનિયાના સૌથી વધુ કેસ

ભારતમાં સળંગ ચોથા દિવસે દુનિયાના સૌથી વધુ કેસ
વધુ 61,537 કેસ સાથે દર્દીઓનો આંક  20,88,611 પર પહોંચ્યો
મરણાંક 42,518 : અમેરિકાથી વધુ 3.1 ટકા સંક્રમણ વૃદ્ધિદર
નવી દિલ્હી, તા. 8 : આરોગ્યથી માંડીને અર્થવ્યવસ્થા સહિત અનેક ક્ષેત્રો પર અસર કરનાર કોરોનાનો કહેર થંભવાનું નામ નથી લેતો. છેલ્લા 24 કલાકમાં વધુ 61,537 કેસ સામે આવતાં શનિવારે સંક્રમિતોની સંખ્યા ભારતમાં 20,88,611 પર પહોંચી ગઇ હતી, તો વધુ 933 દર્દીના મોત સાથે કુલ મરણાંક વધીને 42,518 થઇ ગયો છે.
આજે લગાતાર 10મા દિવસે દેશમાં 50 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ઓગસ્ટના માત્ર આઠ દિવસના ટૂંકા ગાળા દરમ્યાન ભારતમાં આવેલા કોરોના સંક્રમિતોના કેસોની સંખ્યા દુનિયાભરમાં સૌથી વધારે છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યાના 29.64 ટકા એટલે કે, 6,19,088 સક્રિય કેસ છે, અત્યારે ભારતમાં સંક્રમણ વૃદ્ધિદર 3.1 ટકા છે, જે અમેરિકા અને બ્રાઝિલ જેવા ટોચના પીડિત દેશોથી પણ વધુ છે.
દેશના વિવિધ ભાગોમાં શનિવારે વધુ 48,900 દર્દી સાજા થઇ જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા પણ વધીને 14,27,005 પર પહોંચી છે. આમ, દર્દી સાજા થવાનો દર અર્થાત રિકવરી રેટ પણ વધીને 68.32 ટકા પર પહોંચી
ગયો છે.
ભારતમાં કુલ સંક્રમિતોના 38 ટકા કેસ માત્ર પાંચ રાજ્યમાં છે, જેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર સામેલ છે.
આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દેશમાં કોરોનાના કારણે થતાં મૃત્યુનો દર ઘટીને 2.03 ટકા થઇ ગયો હોવાનું જાણવા મળે છે.
આજે સૌથી વધારે 300 દર્દીના મોત મહારાષ્ટ્રમાં થયાં હતાં. દેશમાં સૌથી વધુ કોરોના પીડિત એવાં આ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ત્રણસો કે તેથી વધુ મોતનો આંકડો આવી રહ્યો છે.
તામિલનાડુમાં 119, કર્ણાટકમાં 101, આંધ્રમાં 89, ઉત્તરપ્રદેશમાં 63, પશ્ચિમ બંગાળમાં 54 દર્દીના મોત છેલ્લા 24 કલાકમાં થયાં છે.
દેશનાં કુલ 42,518માંથી મહારાષ્ય્રમાં સૌથી વધુ 17,092 મોત થઇ ચૂકયાં છે. ત્યારબાદ, તામિલનાડુમાં 4690, દિલ્હીમાં 4082, કર્ણાટકમાં 2998, ગુજરાતમાં 2605 મોત થઇ ચૂકયાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer