દર્શક આવી શકશે તો બોક્સિંગ ડે ટેસ્ટ મેલબર્નમાં જ રમાશે

દર્શક આવી શકશે તો બોક્સિંગ ડે ટેસ્ટ મેલબર્નમાં જ રમાશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓએ કહ્યું, નિર્ણય લેવા માટે પર્યાપ્ત સમય
મેલબર્ન, તા. 8 : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કહેવા પ્રમાણે કોરોના વાયરસના વધી રહેલા મામલાના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાનારા બોક્સિંગ ડે ટેસ્ટ મેચને કોઈ અન્ય સ્થળે સ્થળાંતરિત કરવો કે નહીં તે અંગે નિર્ણય કરવા માટે પર્યાપ્ત સમય છે. વિક્ટોરિયા અત્યારે કોરોના વાયરસના ભરડામાં છે. જેના કારણે મેલબર્ન બીજા શહેરોની અપેક્ષાએ મહામારીનો સામનો કરવામાં પાછળ છે. આ જ કારણથી ટૂર્નામેન્ટના આયોજન ઉપર શંકા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોક્લેએ કહ્યું હતું કે, જો એમસીજીમાં દર્શકો આવી શકશે તો મેચ એમસીજીમાં જ યોજાશે. વર્તમાન સમયના પ્રતિબંધો આગામી સમયમાં દૂર થઈ જશે અને સ્થિતિ સારી થઈ જશે. તેમજ લાઈવ ટૂર્નામેન્ટ્સની વાપસી થઈ જશે તેવી આશા છે. તેમણે કહ્યું હતું કે, બોક્સિંગ ડે ટેસ્ટને લઈને પૂરી રીતે તૈયાર છે. જે ઓસ્ટ્રેલિયાના ખેલ કેલેન્ડરમાં સૌથી મહત્ત્વના કાર્યક્રમમાંથી એક છે. ભારતે વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. જ્યાં ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ મેચ ગાબા, એડિલેડ, ઓવલ, એમસીજી અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer