કોલેજિયન પુત્રીની હત્યા કરનાર પિતાનો વલોપાત

કોલેજિયન પુત્રીની હત્યા કરનાર પિતાનો વલોપાત
પુત્રીની હત્યા કર્યા બાદ પિતરાઈભાઈ નિવૃત્ત જમાદારને ફોન કરી જાણ કરી’તી
રાજકોટ, તા.7 : ગાંધીગ્રામના શાહનગરમાં રહેતી ઈલા ગોપાલભાઈ નકુમ નામની સથવારા કોલેજિયન યુવતીએ મુસ્લિમ શખસ સાથેના પ્રેમસંબંધમાં લગ્ન કરવાની જીદ કરતા રોષે ભરોયલા પિતા ગોપાલભાઈ નારણભાઈ નકુમએ કપડા ધોવાના ધોકાના ઘા ઝીકી એકની એક પુત્રીની હત્યા કરી નાખી હતી.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને હાથ ધરેલી તપાસમાં મહિલા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને અગાઉ શિવપરામાં રહેતી ઈલા નકુમને પડોશમાં રહેતા અને નાની ઉંમરના ફરદીન સીપાહી નામના મુસ્લિમ શખસ સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે લગ્ન કરવાની જીદ લઈને બેઠી હતી. આ સંબંધના કારણે એકાદ માસ પહેલા મૃતક ઈલાની માતા સવિતાબેનનું આઘાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ નિપજયું હતું. આ મામલે પોલીસે જુનાગઢમાં મોતી પેલેસ ટાઉનશીપમાં રહેતા અને નિવૃત્ત પોલીસ જમાદાર પ્રવિણભાઈ છગનભાઈ નકુમની ફરિયાદ પરથી હત્યારા ગોપાલભાઈ નકુમ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા પિતા ગોપાલભાઈ નકુમએ પુત્રી ઈલાની હત્યા કર્યા બાદ વલોપાત કર્યો હતો અને રાત્રીના પોલીસ લોકઅપમાં રાતભર રડયા હતા અને જમ્યા પણ નહોતા. પુત્રી ઈલાની ધોકાના ઘા ઝીકી હત્યા કર્યા બાદ પિતરાઈભાઈ નિવૃત્ત પોલીસ જમાદાર પ્રવિણભાઈને ફોન કરી જાણ કરી હતી અને બાદમાં પોલીસ મથકે હાજર થઈ પુત્રીની હત્યા કર્યાની જાણ કરી હતી. પોલીસે ગોપાલભાઈ નકુમનો કોરોના રિપોર્ટ કરાવ્યોહતો. જે નેગેટીવ આવતા ધરપકડ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer