આજી નદીમાં પૂર આવ્યા બાદ રામનાથ મંદિરે ગંદકીના ગંજ

આજી નદીમાં પૂર આવ્યા બાદ રામનાથ મંદિરે ગંદકીના ગંજ

રાજકોટ તા.7 : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ગઈકાલે રાત્રે આજી નદીમાં ઘોડાપૂર આવતા નદી બન્ને કાંઠે વહી હતી અને રામનાથ મહાદેવને સ્વયંભૂ જળાભિષેક થયો હતો. જો કે, મંદિર પાસે પૂરમાં તણાઈને આવેલા કાંપ-કાદવ-કિચડની ગંદકી તથા ઢગલા થઈ જતાં શ્રદ્ધાળુઓને પવિત્ર શ્રાવણ માસમાં પૂજા-દર્શન કરવા માટે હાલાકી વેઠવી પડી હતી. અંગેની જાણ થતાં મનપાની સોલીડ વેસ્ટ શાખાની ટીમ હરકતમાં આવી હતી અને તાત્કાલિક બુલડોઝર મંગાવી, સફાઈકર્મીઓની ટીમ મોકલીને સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

દરમિયાન ગત રાત્રે આજી નદીમાં ઘોડાપૂર આવતા ફાયરબ્રિગેટ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક રામનાથપરા, ભવાનીનગર, બેડીપરા, જંગલેશ્વર સહિતના નિચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી હતી તેમજ લાઉડ સ્પીકર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરી નદી વિસ્તારમાં જવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. પૂરની સ્થિતિ વણસે તો નિચાણવાળા વિસ્તારના લોકોનું શાળા અથવા રેનબસેરામાં સ્થળાંતર કરવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ તથા મેયર બિનાબેન આચાર્ય પણ રાત્રે રામનાથ મહાદેવ મંદિરે પહોચ્યાં હતાં અને પૂરની સ્થિતિમાં રાહત બચાવ કાર્યની જરૂર પડયે ઝડપી કાર્યવાહી કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે મંદિરની ફરતે ફેન્સિંગ પણ બાંધી દેવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer