પર્યટન સ્થળોની ‘મોજ’ ક્યાંક મહામારીને આમંત્રણ ન આપે

પર્યટન સ્થળોની ‘મોજ’ ક્યાંક મહામારીને આમંત્રણ ન આપે
તહેવારોમાં બંધ રાખવાનો સ્વામિનારાયણ મંદિર તેમજ શ્રીજી ગૌશાળાનો નિર્ણય પ્રશંસનીય પરંતુ અન્ય સ્થળોનું શું ?
જનકસિંહ ઝાલા
રાજકોટ તા.7 : કોરોનાની મહામારીએ રંગીલા રાજકોટને બેરંગ બનાવી નાખ્યું છે. ઉત્સવપ્રેમી ગણાતી આ શહેરની જનતાનો ઉમગ-ઉલ્લાસ ઓસરી ગયો છે. અધુરામાં પૂરુ હવે રાજ્ય સરકારે ચાલુ માસમાં ગણેશોત્સવ, તાજિયાના જુલૂસ, લોકમેળોની ઉજવણી રદ્દ કરી છે ત્યારે લોકો પાસે રાજકોટ આસપાસના ફરવાલાયક સ્થળોએ જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, જો કે, આ સ્થળોએ જઈને મોજ માણવાનો શહેરીજનોનો હેતુ ક્યાંક મહામારીને ફેલાવવા માટે નિમિત્ત ન બને ? તે જોવાનું કામ તંત્રનું છે.
દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર આવે કે, તરત જ પીકનીકના પ્લાનીંગ થઈ જતાં હોય છે, રાજકોટિયન તેમાં મોખરે છે. રાજકોટ શહેર તેમજ શહેરથી માત્ર એકાદ-બે કલાકના અંતરે પહોંચી શકાય એવા ફરવાલાયક સ્થળો અનેક છે. પ્રદ્યુમ્ન પાર્ક, લાલપરી તળાવ, ભીચરી, આજીડેમ, ન્યારી ડેમ, સ્વામિનારાયણ મંદિર, ઈશ્વરિયા પાર્ક, શ્રીજી ગૌશાળા, ચોકીધાણી પાછળ હનુમાનધારા,  રાજકોટથી 15 કિ.મી દૂર આવેલુ રતનપર, મોરબી રોડ પરનું રફાળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર મહાદેવ, હિંગોળગઢ, રામપરા વીડી, વિરપુર, ખંભાલીડાની બોદ્ધ ગુફા, ઓસમ ડુંગર, ચોટીલા, ઝરિયા મહાદેવ આ તમામ સ્થળોએ લોકોની ભીડ ઉમટી પડતી
હોય છે.
દરમિયાન કોરોનાની મહામારીને પગલે જન્માષ્ટમીના તહેવારોમાં સ્વામિનારાયણ મંદિર, શ્રીજી ગૌશાળા જેવા ફરવાના સ્થળોએ જે તે સંસ્થાઓ દ્વારા જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પરંતુ હજુ અન્ય સ્થળોએથી કોઈ સૂચના આવી નથી, સ્વાભાવિક છે કે, તહેવારની ઉજવણી માટે આ વખતે આ સ્થળોએ હરવા-ફરવા સિવાય લોકો પાસે કોઈ વિકલ્પ બચતો ન હોય ત્યાં માનવ કિડીયારુ ઉમટી પડવાનું છે અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોના ચીથરા ઉડવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ પણ શહેરમાં કોરોનાના કેસ ઉત્તરોત્તર વધી રહ્યાં છે, બીજી તરફ મ્યુનિ.તંત્રએ કોરોના પોઝીટીવ દર્દીઓના નામ-સરનામા તેમજ મૃતકોના નામ જાહેર કરવાનું બંધ કર્યુ છે. આ તમામ હરવા-ફરવાના સ્થળે ઉમટનારી ભીડમાં કોઈ સંક્રમિત વ્યક્તિ અન્યને સંક્રમણ ફેલાવે તો પણ ખબર પડવાની નથી.  લોકહિત, લોકોની સુખાકારી અને સાવચેતીને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત તમામ સ્થળોએ તહેવારો પૂરતો પ્રતિબંધ મૂકી ન શકાય ? તેવો સવાલ જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામ્યો છે. અલબત્ત, આ અંગેનો અંતિમ નિર્ણય મનપા અને વહીવટી તંત્ર તેમજ ધાર્મિક સ્થળોનું સંચાલન કરનારી સંસ્થાઓ પર આધાર રાખે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer