રાજકોટમાં કોરોના પોઝિટિવીટી રેટ 18%થી ઘટાડીને હવે 10% સુધી લવાશે: જયંતિ રવિ

રાજકોટમાં કોરોના પોઝિટિવીટી રેટ 18%થી  ઘટાડીને હવે 10% સુધી લવાશે: જયંતિ રવિ
WHO અને ભારત સરકારની ગાઈડલાઈનની તુલનાએ શહેરમાં રોજના 4 ગણા ટેસ્ટ થતાં હોવાનો આરોગ્ય સચિવનો દાવો

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.7 : રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ રેટ 18%થી ઘટીને 10% સુધી લવાશે શહેરમાં હાલ રાઈઝીંગ ટ્રેન્ડ છે, કોરોનાનું સંક્રમણ હજુ સર્વોચ્ચ સ્તરે પહોચવાનું બાકી છે જો કે, બાદમાં સંખ્યા સ્થિર થઈ જશે તેવો વિશ્વાસ ‘મહામારી’ના કપરા કાળમાં શહેરની સતત ત્રીજી વખત મુલાકાત લેનારા આરોગ્ય સચિવ જયંતિ રવિએ વ્યક્ત કર્યો હતો.

પી.ડી.યૂ મેડિકલ કોલેજના કોન્ફરન્સ હોલમાં એક પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ 990 કેસ એક્ટીવ છે જેમાં રાજકોટ શહેરના 733 અને ગ્રામ્યના 217 છે. ડબલ્યુએચઓ તથા ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર દર 10 લાખની વસ્તીએ 140 ટેસ્ટ કરવાના હોઈ છે પરંતુ રાજકોટમાં ગઈકાલે 707 ટેસ્ટ કરવામાં આવ્યાં અને રોજ સરેરાશ 500 ઉપરાંત ટેસ્ટ થાય છે. અમારો મૂળ લક્ષ્યાંક ટેસ્ટીંગ વધારાવાનો છે. હાલ પોઝિટિવીટી 18% છે ટેસ્ટીંગ વધશે તો તે 10% સુધી આવી જશે, જો કે, જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે તેનાથી 4 ગણા ટેસ્ટ રાજકોટમાં થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં 16,000 આસપાસ એન્ટીજન કીટ મોકલવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં કુલ કેસના 50 ટકા દર્દીઓ કોવિડ કેર સેન્ટર તેમજ 30 ટકા દર્દીઓ હોમ ઓઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યાં છે. ધન્વંતરી રથ અને ડોર ટુ ડોર સર્વેલન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. મ્યુનિ.તંત્ર દ્વારા 340 આશાવર્કર બહેનોને ફિલ્ડમાં ઉતારવામાં આવી છે જ્યારે 110 આયુષ ડોક્ટરો નિમવામાં આવ્યાં છે. શાકભાજીના વિક્રેતા, વાળંદ, દૂધવાળા, કરિયાણાના દુકાનદાર કે જેઓ રોજ અનેક લોકોના સંપર્કમાં આવે છે અને તેઓ કોરોના માટે સુપર પ્રેડર સાબીત થઈ શકે છે તેઓની ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુલ 6729 ટેસ્ટીંગ કરવામાં આવ્યાં છે જેમાંથી માત્ર 1.9 ટકા એટલે કે, 46 લોકો જ કોરોના પોઝિટિવ નિકળ્યાં હતાં અન્ય 2325 લોકોને સામાન્ય શરદી-ઉધરસ અને તાવના લક્ષણો જોવા મળ્યાં હતાં. પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવની સાથે કમિશનર ઉદિત અગ્રવાલ, કલેક્ટર રૈમ્યા મોહન તથા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

‘ઈતિહાસ’માં એપમાં એક ક્લીકથી મળી જશે દર્દીઓની સંપૂર્ણ માહિતી

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આરોગ્ય સેતુ એપ બાદ હવે ‘ઈતિહાસ’ એપ લાવી રહી છે. આ એપમાં માત્ર એક ક્લીકથી ખબર પડી જશે કે, ક્યાં વિસ્તારમાં કઈ બિમારી છે અને કેટલા દર્દીઓ છે અને કઈ ઉંમરના લોકો બિમારીથી વધુ ગ્રસિત છે, તેમજ બિમારીથી સંક્રમિત એ વ્યક્તિ કેટલા વિસ્તારમાં ફર્યો છે અને કેટલા લોકોના સંપર્કમાં આવ્યો છે તેનો સંપૂર્ણ ડેટા  સેટેલાઈટ મેપ પર મળી જશે.

રાજકોટમાં રોજના 4 પ્લાઝ્મા ડોનેશનનો ટાર્ગેટ

સૂરતમાં કોરોનાના 265 દર્દીઓએ પ્લાઝ્માં ડોનેટ કરીને સેંકડો લોકોને નવજીવન આપ્યું છે ત્યારે રાજકોટમાં પણ તેની શરૂઆત થઈ ચૂકી હોવાનું આજરોજ આરોગ્ય સચિવે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, રાજકોટમાં અત્યાર સુધીમાં 8 કેસોમાં ડોનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રોજના ઓછામાં ઓછા 4 પ્લાઝ્મા ડોનેશનનો ટાર્ગેટ છે. કોવિડ રિકવર પેશન્ટ પ્લાઝ્મા ડોનર બનીને આગળ આવે તેના માટે તેઓએ અનુરોધ કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer