સૌરાષ્ટ્રમાં સોનારુપી વરસાદ સાથે સમસ્યાઓ પણ વકરી

સૌરાષ્ટ્રમાં સોનારુપી વરસાદ સાથે સમસ્યાઓ પણ વકરી

પૂરમાં તણાવાથી 1 યુવાનનું મૃત્યુ, 1ને ઉગારાયો, જેતપુરમાં ઘરમાં અને ખેતરોમાં પાણી, ગાંઠીલા પાસે પુલ બેસી ગયો, ખંભાળિયા પાસે માર્ગ અવરોધાયો, ઓખા મંડળમાં અંધારપટ

 

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ,તા. 7 : સૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યા છે પરંતુ અમુક સ્થળે ઓછા સમયમાં વધુ વરસાદ જેવા કારણોને લીધે સમસ્યાઓ પણ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં ઝાપટાથી બે ઇંચ જેટલો વરસાદ અને ઉઘાડની સ્થિતિ પણ હતી. પરંતુ તણાઈ જવાથી મૃત્યુ, રેસ્ક્યુ, અંધારપટ, પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ, પુલ બેસી જવો, રસ્તા અવરોધાવા જેવી ફરિયાદો પણ થઇ હતી.

ટંકારા : બપોરે તથા સાંજે હળવા ઝાપટા રૂપે આખા દિવસમાં 30 મિલીમીટર વરસાદ પડયો હતો. મોસમનો કુલ વરસાદ 475 મીલીમીટર થયો છે.

ડોળાસા : કોડીનારના ડોળાસામાં આજે સવારે બે કલાકમાં ધીમી ધારે એક ઇંચ પડયો હતો.

દ્વારકા : ગતરાતથી આજ સવાર સુધીમાં વધુ બે ઇંચ વરસાદ પડયો હતો.

વડિયા : ગઇરાત્રે અને આજ સવારના મળી અઢી ઇંચ પાણી વરસી ગયું હતું. સુરવો ડેમ 90 ટકા ભરાઈ ગયો છે.

માણાવદર : બાંટવા ખારા ડેમના 3 દરવાજા ખોલાયા છે. રાત્રે અઢી ઇંચ વરસ્યો હતો.

જામનગર : જામનગરમાં ગતસાંજે અડધો ઇંચ, લાલપુરમાં પણ અડધો ઇંચ અને જામજોધપુરમાં 1 ઇંચ વરસાદ પડયો હતો.

વડોદરા : વડોદરા શહેરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભૂવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. સયાજીગંજથી અલકાપુરીને જોડતા રેલવે સ્ટેશન ગરનાળું, પ્રિયલક્ષ્મી મિલ ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતાં. સ્ટેશનથી અલકાપુરી જતાં વાહનચાલકો અટવાઇ પડયા હતા.

રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે ઠેર-ઠેર નાના-મોટા વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હતા. આ સાથે વીજ પુરવઠો ખોરવાઈ જવાની પણ ઘટનાઓ બની હતી.

સુરત : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડામા ંસૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.  બારડોલીમાં 26, ચોર્યાસીમાં 18, કામરેજમાં 44, મહુવામાં 9, માંડવીમાં 23, માંગરોળમાં 83, ઓલપાડમાં 33, પલસાણામાં 37, સુરત સિટીમાં 38 મીમી વરસાદ હતો. નવસારીમાં 114, જલાલપોરમાં 105, ગણદેવીમાં 21, ચીખલીમાં 22, ખેરગામમાં 53 મીમી વરસાદ નોંધાયો હતો.

દ્વારકા તાલુકામાં અંધારપટ

ભાટિયા : સબ સ્ટેશનમાં યાંત્રિક ખામી સર્જાતા વીજ પુરવઠો સાંજથી જ ખોરવાઈ ગયો હતો. દ્વારકા સહિત સમગ્ર ઓખા મંડળ પંથકમાં અંધારપટ છવાયો હતો. સાંજથી સર્જાયેલ ખામી મોડી રાત્રી સુધી દૂર ન થતાં દ્વારકા, સુરજકરાડી, ઓખા સહિતનાં વિસ્તારોમાં  બત્તી ગૂલ થઇ જવાને લીધે અંધારપટ છવાયો હતો.

એકલેરાના યુવાનની લાશ મળી

માણાવદર : બાંટવા ખારા પુલના દરવાજા ખોલાતા નદીમાં પૂર છે. દૂધનો વ્યવસાય કરતો એકલેરાનો વીરાભાઈ રૈયાભાઈ શામળા (ઉ.22) કોડવાવથી સમેગા જતો હતો ત્યારે કોડવાવ પાસે વાહન સ્લીપ થઇ તણાવા લાગ્યું હતું. વાહનને બચાવવા જતાં તે પણ લપસ્યો અને વેણમાં તણાઈ ગયો હતો. વહેલી સવારની આ ઘટના પછી તંત્ર તરત કામે લાગ્યું હતું. મામલતદાર રામે જણાવ્યું હતું કે, ઘટનાથી 4 કિલોમીટર દૂર યુવાનનો મૃતદેહ મળ્યો છે. માણાવદર પોસ્ટમોર્ટમમાં મૃતદેહ લઇ જવાયો છે.

જેતપુર તાલુકામાં નુકસાની

જેતપુર : જેતપુર પંથકમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અનરાધાર વરસતા ખેતરોમાં ભારે તારાજી સર્જાઈ છે. સરધારપુર- રબારીકા, પીઠડિયા, પેઢલા, કેરાળી, પાંચપીપળા વગેરે ગામોના ખેતરો જાણે નદી હોય તેમ પાણી ભરાયેલ રહેતા બિયારણ ધોવાઈ જ ગયું સાથે જમીન પણ ધોવાઈ ગયાની વાત કહેવાઇ છે.

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ માપક યંત્ર ન હોવાથી સરકારી આંક મુજબ વરસાદ ગણાશે, પરંતુ સીમ વિસ્તારમાં આવું વરસાદી પાણી તો લગભગ વીસ થી પચીસ વર્ષ બાદ ભરાયું અને તેનાથી ખેતરોમાં તારાજી સર્જાઈ છે તે જોતા લગભગ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું ખેડૂતોનું અનુમાન છે. સરકાર તાત્કાલિક ખેતરોમાં થયેલી નુકસાનીનો સર્વે કરાય તેવું ખેડૂતોએ માંગ કરી હતી.

જેતપુર શહેરમાં ગતરાતે મુશળધાર વરસાદમાં સરધારપુરના દરવાજા  પાસે ગોઠણડૂબ પામી ભરાયેલા છે. સ્થાનિકોએ જણાવેલ કે, પામી નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાથી રાત્રીના તો ઘરમાં પાણી હતા જે પામી જમીનમાં શોષાઈ જતા અત્યારે પણ ગોઠણડૂબ પાણી છે. રાત્રીના મામલતદાર તેમજ ચીફ ઓફિસરને ફોન કરીને ઘરમાં પાણી ઘૂસી ગયાની ફરિયાદ કરી પરંતુ હજુ સુધી કોઇ ડોકાયા નથી.

 ઓઝતનો પુલ બેસી ગયો

શાપુર : વંથલી નજીક ધણફૂલિયા-ગાંઠીલા વચ્ચે ઓઝત નદી પરનો પુલ ભારે વરસાદને કારણે બેસી જતા ધણફૂલિયા ગાંઠીલા વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. પુલ બેસી જવાને કારણે સામાકાંઠે જવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે. ગાંઠીલા ખાતે માં ઉમિયા મંદિરે આવતા ભાવિકોને જૂનાગઢ મેંદરડા બાયપાસ પરથી આવવાની ફરજ પડશે. ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પુલ નીચો હોવાને કારણે ઓઝત નદીમાં આવતા પૂરને કારણે વારંવાર ધોવાઈ જાય છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.

 ખંભાળિયા હાઈવે બંધ

પોરબંદરના બરડા પંથકમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મજીવાણા નજીક કુંજવેલ રસ્તા પર પૂર ફરી વળતા પોરબંદર-ખંભાળિયા હાઈવે બંધ થયો હતો. પોરબંદરથી ખંભાળિયા થઇને જામનગર સુધી દરરોજ અનેક વાહનચાલકો અને મુસાફરોની અવરજવર રહે છે. બધા પરેશાન થયા છે.

 ચણાકા પાસે રેસ્ક્યુ

જૂનાગઢ : વિસાવદરના પીરવડ ગામનો રત્ન કલાકાર બાબુભાઈ ગોકળભાઈ હીરપરા (ઉ.45) ગઇ સાંજે ભેસાણ ખાતે હીરા ઘસીને પરત જતો હતો ત્યારે ચણાકાથી ગુજરિયા વચ્ચે ખોડિયાર હોકરાના કોઝ-વે પરથી બાઈક લઇને નીકળવા સમયે અચાનક પાણીનો પ્રવાહ વધતા બાઈક સાથે તણાવા લાગ્યો હતો. પાણીના પ્રવાહમાં તેનું બાઇક તણાઈ ગયું હતું. પરંતુ તે પાણીની વચ્ચે આવેલા લોખંડના એક થાંભલાને પકડી ચડી ગયો હતો. જીવ બચાવવા દૂર ઉભેલા લોકો પાસે મદદ માંગી હતી. ત્યારે ગ્રામજનો દોરડા લઇને દોડી આવ્યા હતાં. અને બાજુમાં આવેલ ટોરેન્ટ ગેસ કંપનીમાંથી ક્રેનની મદદ વડે બાબુભાઈને મહામહેનતે રેસ્ક્યુ કરીને પાણીની બહાર લઇ આવ્યા હતાં.

 ગીરનાર પર્વત ઉપર 9 ઇંચથી ડેમ, ઝરણા, નદી-નાળા છલકાયા

જૂનાગઢ : જિલ્લામાં આજે સાંજ સુધીમાં વધુ એકથી ચાર ઇંચ વરસાદ પડયો હતો. વિસાવદરમાં ચાર ઇંચ, કેશોદમાં સાડા ત્રણ ઇંચ, ભેસાણમાં 3 ઇંચ, જૂનાગઢ શહેર અને મેંદરડામાં બે-બે ઇંચ, વંથલી અને માણાવદરમાં દોઢ ઇંચ અને માંગરોળ તેમજ માળિયામાં એક ઇંચ હતો. ગિરનાર પર 2 થી 9 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઇને નદી-નાળા, ચેકડેમ છલકાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો હસ્નાપુર, વિલિંગ્ડન ડેમ છલકાઈ ગયાં હતાં.

ગિરનાર પર્વત અને જંગલ વિસ્તારમાં પડેલા અનરાધાર 8 થી 10 ઇંચ વરસાદને લઇને નદી-નાળા, ઝરણા, દામોદરકુંડ, સોનરખ નદી, કાળવો નદી બે કાંઠે વહી હતી. તો સવારે 90.26 ટકા ભરેલો હસ્નાપુર ડેમ માત્ર 8 કલાકમાં પૂરેપૂરો ભરાઈને છલકાઈ ઉઠયો હતો. વિલિંગ્ડન ડેમ બીજી વાર છલકાઈ ગયો હતો.

ભારે વરસાદને લઇને 8 ડેમ ઓવરફલો થયા છે, જેમાં હસ્નાપુર, વિલિંગ્ડન, ભેસાણનો મોટા ગુજરિયા, માણાવદરનો બાંટવા ખારો, વંથલીનો ઓઝત, સાબલી અને ઓઝત-2નો સમાવેશ છે.

ઉના : ઉના ગીરગઢડા પંથકમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. પવન પણ ફૂંકાયો હતો. અગાઉ મચ્છુન્દ્રી ડેમ ઓવરફલો થઇ ગયો હતો. રાત્રીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઉપરથી દસ સે.મી. જેટલો પ્રવાહ વહેવા લાગ્યો હતો. જ્યારે રાવલ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતાં. બે ઇંચ જેટલો વરસાદ હતો.

અમરેલી : બગસરામાં દોઢ ઇંચ, ખાંભા-વડિયા એક ઇંચ, લીલિયા અડધો ઇંચ વરસાદ હતો.

જરખિયાનો યુવાન ડૂબ્યો

અમરેલી : લાઠીના જરખિયા ગામનો રઘુ ઘોહાભાઈ અલગોતર (ઉ.27) નદી કાંઠે પોતાના ઢોર ચરાવી રહ્યો હતો. અકસ્માતે યુવાનનો પગ લપસી જતા નદીના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું. મામલતદાર ટીડીઓને જાણ થતા ઘટનાસ્થળે જઇ લાશને બહાર કઢાવી હતી.

 પેઢલા પાસે પ્રૌઢ કાર સાથે તણાયા પછી મૃત હાલતમાં મળ્યા

જેતપુર : જેતપુર પંથકમાં ગતરાત્રે પડેલા મુશળધાર વરસાદમાં પેઢલા ગામનું તળાવ ઓવરફલો થયું તેનું પાણી રોડ પર વહેતું હતું તેમાં એક કાર તેના ચાલક સાથે તણાતા ચાલકનું મૃત્યુ થયું હતું. ધોરાજી રોડ પર પેઢલા ગામે તળાવ ઓવરફલો થઇ જતા પારા ઉપરથી પાણી વહીને ગામમાં જવાના રોડ પરથી વોકળામાં જતું હતું. ગામમાં જવાનો પેટા રસ્તો પણ પાણીમાં ડૂબી ગયો હતો. આ જ સમયે જૂના પાંચ પીપળા રોડ વિસ્તારમાં રહેતા અને કલર કેમીકલનો ધંધો કરતા ચંદ્રકાંતભાઇ છાંટબાર (ઉ.55) કાર લઇને જતા હતા. વહેણમાં કાર તણાવા લાગી. પાણીના દબાણને કારણે તેઓ કારનો દરવાજો પણ ખોલી ન શકતા કાર સાથે પાણીમાં તણાઈ ગયા હતા. જે ત્યાં રોડ કાંઠે રહેલ ગામવાસીઓએ જોતાં તેઓએ તરત જ મામલતદારને જાણ કરી હતી.

મામલતદાર નગરપાલિકાની આપાતકાલીન ટીમ તેમજ ક્રેઇન અને ફલડ લાઈટો સાથે સ્થળ પર પહોંચીને તરત જ કારની શોધખોળ હાથ ધરી હતી. કાર દેખાતા ક્રેઇનની મદદથી બહાર કાઢતા તેમાંથી ચંદ્રકાંતભાઈનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer