ગણેશોત્સવ, તાજિયા સહિતના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

ગણેશોત્સવ, તાજિયા સહિતના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

ગણેશજી ઘરે સ્થાપી ઘરમાં જ વિસર્જન કરવાના રહેશે, તાજિયા જુલૂસ કાઢી શકાશે નહીં: ગૃહમંત્રી

વડોદરા, તા,7 : કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ આજે વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે એક માત્ર માર્ગ સોશિયલ ડિસ્ટન્સિંગ છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ, તાજિયા સહિત ઓગસ્ટ માસના તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે રાજ્ય સરકારને પણ લાગ્યું કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે. કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજિયાના પણ જુલૂસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત તરણેરનો મેળો, રામાપીરનો મેળો જેવા કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટૂંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાદરવી પૂનમ અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંઘો તરફથી પદયાત્રા નહીં યોજવા માટે રજૂઆતો મળી છે જેને ધ્યાનમાં રાખી કોરોના કાળમાં પગપાળા સંઘ નહીં કાઢવા અને સેવા કેન્દ્રો ન ખોલવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

 

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાનાં વિક્રમી 1370 દર્દી રિકવર થયા

 

નવા 1074 કેસ: આંક વધીને 68,885

અમદાવાદ, તા. 7 : (પ્રતિનિધિ દ્વાર) રોજ સવાર ઉગે અને એક હજારથી વધુ કોરોના સંક્રમિતો સામે આવવાનું સતત એક સપ્તાહથી જારી છે. ગુજરાતમાં શુક્રવારે પણ નવા 1074 કેસ નોંધાયા દર્દીઓની સંખ્યા વધીને 68,885 પર પહોંચી ગઈ છે. તો વધુ 22 મોત સાથે મરણાંક પણ વધીને 2606 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1370 દર્દી વાયરસ મુક્ત થતાં સાજા થયેલા દર્દીઓનો આંક 51,692 થઈ ગયો છે. આમ, રિકવરી રેટ પણ વધીને 75.04 ટકા થઈ ગયો છે. 

સુરત શહેરમાં 183, ગ્રામ્યમાં 48 મળીને 231, અમદાવાદ શહેરમાં 142,  ગ્રામ્ય 11 મળીને 153, વડોદરામાં 110, રાજકોટમાં 90, જામનગરમાં 53, ભાવનગરમાં 37, જૂનાગઢમાં 46, ગાંધીનગરમાં 27, મહેસાણામાં 43,  કચ્છમાં 24,  કેસ નોંધાયા છે.

સુરતમાં 10, અમદાવાદમાં 3 મોરબી અને વડોદરામાં 2-2 જ્યારે અમરેલી, આણંદ, જામનગર, રાજકોટ અને વલસાડમાં 1-1 મોત થયાં છે.   રાજ્યમાં કુલ 26591 સહિત કુલ્લ 9,30,373 લેબોરેટરી ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14587 એકટિવ કેસ છે  જેમાં 86 વેન્ટિલેટર પર છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં થઇને કુલ 4,84,571 વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

 

 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer