લઘુઉદ્યોગોને મોટું પ્રોત્સાહન

લઘુઉદ્યોગોને મોટું પ્રોત્સાહન

નાના ઉદ્યોગોને કેપિટલ સબસિડી અને વ્યાજ સબસિડી પણ મળશે - સ્ટાર્ટ અપ્સને પણ લાભ

 

(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા. 7: ગુજરાતમાં વિજય રુપાણીની સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા છે. પાંચમા વર્ષના પ્રવેશ પ્રસંગે નવી ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020ની જાહેરાત કરવામાં આવી છે. નવી નીતિમાં લઘુ ઉદ્યોગો અને ગુજરાત બહાર અને દેશબહાર ખાસ કરીને ચીન અને જાપાનથી રોકાણ કરવા આવનારા સાહસિકો માટે મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. નાના ઉદ્યોગોની સાથે સ્ટાર્ટ અપ્સને પણ વિશેષ પ્રોત્સાહન મળશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું હતુ કે, નવી નીતિમાં અન્ય રાજ્યો અને ખાસ કરીને વિદેશના ઉદ્યોગકારો માટે લાલ જાજમ બિછાવવામાં આવી છે.

નવી નીતિ પ્રમાણે સરકારે એમએસએમઇને ધિરાણની રકમના 25 ટકા સુધીની અને મહત્તમ 35 લાખ રૂપિયા સુધીની કેપિટલ સબસીડીની જાહેરાત કરી છે. ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેટ રુ. 10 કરોડથી વધારે હોય તો તે એકમને વધુ રુ. 10 લાખની કેપિટલ સબસિડી અપાશે.

એમએસએમઇને 7 વર્ષ માટે 7 ટકા સુધીની વ્યાજ સબસીડી મળશે. જીએસટી  પછી રાજ્યમાં માલ વેચાણ પર ટેક્સ ગણતરી થતી હતી. તે સરળ કરવા એસજીએસટીના વળતરોને દૂર કરાયો છે. આ નિર્ણય કરવામાં ગુજરાત પ્રથમ બન્યું છે. એ ઉપરાંત સેવા ક્ષેત્રના એસએમઇ, વિદેશી ટેકનોલોજીનું સંપાદન કરવા ઇચ્છતા એસએમઇ, વિકસતા લઘુ ઉદ્યોગો, સૂર્યઉર્જાનો ઉપયોગ કરતા લઘુ એકમોને પણ અલગ અલગ રાહતો અપાઇ છે.

રાજ્યમાં નવા ઉદ્યોગોને 50 વર્ષ સુધી સરકારી જમીન લીઝ પર આપવાનો નિર્ણય પણ સરકારે કર્યો છે. નવા ઉદ્યોગોએ બજાર કિંમતના 6 ટકા લીઝ ચૂકવવાની રહેશે. નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે વીજળીની ડયૂટીમાં માફી નવી નીતિમાં પણ ચાલુ રાખવામાં આવી છે. ઔદ્યોગિક નીતિના ડ્રાફ્ટમાં અન્ય રાજ્યોને ધ્યાને રાખીને ધરખમ સુધારા કરવામાં આવ્યા છે. નવી પોલિસીનો સમયગાળો 2020 થી 2025 સુધીનો રહેશે. જેમાં ત્રણ વાયબ્રન્ટ સમિટ આવી શકે તેમ છે.  નવા મૂડીરોકાણને આકર્ષવા માટે અનેક પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે, એટલું જ નહીં સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે એક મહિનામાં કોઇપણ નવો પ્રોજેક્ટ શરૂ થાય તે માટે જોગવાઇ છે.

જાપાન અને ચીનમાં હાજરી ધરાવતી કંપનીઓને પણ સરકારે આમંત્રણ આપ્યું છે. આ માટે બન્ને દેશો સાથે રાજ્ય સરકાર બેઠકો પણ કરી ચૂકી છે. સ્ટાર્ટ અપને સીડ સપોર્ટ રુ. 20 લાખથી વધારીને રુ.30 લાખ કરાયો છે. આવા સાહસિકોને વધારાની રુ. 10 લાખની ગ્રાન્ટ અપાશે.

થ્રસ્ટ સેક્ટર્સને કોર સેક્ટર્સ અને સનરાઇઝ સેક્ટર્સ એમ બે વિભાગોમાં વિભાજિત કરાયા છે. કોર સેક્ટર્સમાં ઇલેક્ટ્રિકલ અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસાસિંગ, સિરામિક્સ, ફાર્માસ્યુટિકલ્સ વગેરેનો સમાવેશ કરાયો છે. સનરાઇઝ સેક્ટર્સમાં એવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમાં ટેક્નોલોજીકલ પ્રગતિ માટેની નોંધપાત્ર સંભાવનાઓ છે અને સસ્ટેનેબલ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે છે, ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ, ઇકો-ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી 4.0 ઇક્વિપમેન્ટ, સોલાર/વિંડ ઇક્વિપમેન્ટ અને એક્સપોર્ટ આધારિત એકમો. થ્રસ્ટ સેક્ટર્સને પોલિસીના એક હિસ્સા તરીકે ઇક્રીમેન્ટલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે.

નવી નીતિમાં બીજા વધુ સેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આર્થિક ક્ષેત્ર ઉપરાંત કૃષિ સેક્ટરને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એ ઉપરાંત એરોસ્પેસ, ડિફેન્સ, સ્ટાર્ટઅપ મિશન, ટેકનોલોજી અને સર્વિસિઝ તેમજ હોસ્પિટાલિટીને સામેલ કરવામાં આવશે. નવી નીતિમાં રોજગારીની તકોને પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પોલિસીમાં સરકારે વન અને પર્યાવરણ, ઉર્જા, ખોરાક અને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, પરિવહન અને નાણાકીય સંસ્થાઓ જેવા ક્ષેત્રોનો સમાવેશ કર્યો છે.

અગાઉની-ર01પની પોલીસી અંતર્ગત જે પ્રોજેકટસ અમલીકરણના વિવિધ તબક્કે છે. આવા પ્રોજેકટસને ઉત્પાદનમાં જવા અને પ્રોજેકટ પૂર્ણ કરવા નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી જાહેર થયાના 1 વર્ષ સુધીમાં કાર્યરત કરવાનો સમય આપવામાં આવશે. જ્યારે  કોમન ઇફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસને પ્રોજેકટ પૂર્ણ કરવા બે વર્ષમાં કાર્યરત કરવાનો સમય આપવામાં આવશે.

રાજ્યમાં ટેક્સટાઇ, હીરા, ફાર્મા, રસાયણ, એન્જીનિયરીંગ, ચાઇનીઝ માટીની ચીજવસ્તુઓ, તૈયાર કપડાં, ડીઝલ એન્જીન જેવા ક્ષેત્રોમાં પણ વધારે પ્રોત્સાહન અપાશે. નીતિમાં બાગાયતી ક્ષેત્રનો વધારે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. સરકારે નવી નીતિમાં 19 જેટલા વિવિધ સેક્ટરોની પ્રોફાઇલ બનાવી છે જે રાજ્યના 33 જિલ્લાઓને અસર કરે છે. અગાઉની નીતિમાં સરકારે માત્ર 12 સેક્ટરો માટે કામ કર્યું છે જેમાં આ વખતે વધુ સાત સેક્ટરોનો ઉમેરો કર્યો છે.

 

ગુજરાતનો ઔદ્યોગિક વિકાસદર 10.14 ટકા

ગુજરાતનો ઔદ્યોગિક વિકાસદર 10.14 ટકા છે. ટોચનો ઔદ્યોગિક વિકાસદર ધરાવતા રાજ્યોની યાદીમાં ટોપટેનમાં ગુજરાત આવે છે તેમ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતુ. ગુજરાતમાં બેરોજગારીનો દર ફક્ત 3.4 ટકા છે. જે પાછલી સફળ ઔદ્યોગિક નીતિને આભારી છે. હવે નવી નીતિમાં રોજગારીને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.

નાના ઉદ્યોગોને અનેક રાહતો

નવી નીતિમાં લઘુ ઉદ્યોગો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. એ અંતર્ગત કેપિટલ સબસિડી, લોન પર વ્યાજની સબસિડી, નાના સાહસિકોને લોન મંજૂર થયાના દિવસે 1 ટકા વધારાની વ્યાજ સબસિડી, સેવા ક્ષેત્રના ઉદ્યોગને 7 ટકા વ્યાજ સહાય અને વિદેશી પેટન્ટેડ ટેકનોલોજી અપનાવે તો રુ.50 લાખની સહાય આપવામાં આવશે. એક્ઝિબિશનમાં સ્ટોલ નાંખવાના ભાડામાં રુ. 2 લાખ સુધી મહત્તમ સહાય કરાશે. ભારત બહાર એક્ઝિબિશનમાં આ સહાય રુ. 5 લાખની અપાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer