એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ વખતે ક્રેશ

એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ વખતે ક્રેશ

14 મૃત્યુ, 123 ઘાયલ, અનેક લોકો લાપતા

 

દુબઈથી કેરળમાં કોઝિકોડ આવેલું વંદે ભારત મિશનનું વિમાન રન-વે પરથી ફસકીને ખીણમાં તૂટી પડયું ઈં વિમાનના બે ટૂકડા થયા ઈં મૃત્યુઆંક વધવાની ભીતિ

કોઝિકોડ તા. 7: વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી આજે રાતે પોણા બસોથી વધુ ઉતારુઓને લઈ કેરળના કોઝિકોડ આવી રહેલા એર ઈન્ડિયા એક્ષપ્રેસ વિમાન કોઝિકોડના એરપોર્ટ પર ઉતરાણ વેળા રન-વે પરથી લપસી ગયા બાદ ખીણમાં જઈ પડતા વિમાનના બે કટકા થઈ ગયાની કાળજું કંપાવતી  દુર્ઘટના બની હતી. અત્યાર સુધીમાં સત્તાવાર ધોરણે 14 મૃત્યુ અને 123ને ઈજાની પુષ્ટિ મળી છે. 15ની હાલત ગંભીર છે. જોકે, હજુ સંખ્યાબંધ લાપતા અને અનેક ઈજાગ્રસ્ત હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.  આ દુર્ઘટનાને પગલે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ પ્રગટ કરીને કેરળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને તમામ સહાયની ધરપત આપી હતી.

કરીપુર તરીકે ય ઓળખાતા એરપોર્ટ પર રાતે સવા 8 કલાકે ભારે વરસાદ વચ્ચે ઉતરાણ કરનાર વિમાન રનવે ઓવરશોટ કરી જઈને-ચૂકાવી ગયા- બાદ દિવાલ સાથે અફળાઈને 30 ફીટ ઉંડી ઘાટીમાં પડતા બે ફાડિયા થઈ જવા સાથે વિમાન ગોઝારા અકસ્માતનો શિકાર બન્યુ હતું. પ્રાથમિક અહેવાલ મુજબ પાયલટ સહિત 14ના મૃત્યુ થયા છે અને કેટલાક ઉતારુઓને ઈજા થઈ છે. મૃતકોમાં બન્ને પાયલોટનો સમાવેશ થાય છે. 123 ઈજાગ્રસ્તોમાં 15ની હાલત ગંભીર છે અને તેમને માલાપ્પુરમની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જયારે તમામ ક્રુ મેમ્બર સલામત છે અને અનેક ઉતારુઓને ઉગારી પણ લેવાયા છે. સદભાગ્યે વિમાન આગનો ભોગ બન્યુ નથી એવું પૂર્વ કેન્દ્રિય મંત્રી કેજે આલ્ફોન્સે ટવીટ કર્યુ હતું. દુર્ઘટના બન્યા સાથે અગ્નિશમન દળના બંબા અને એમ્બ્યુલન્સીસ દુર્ઘટનાસ્થળે ધસી ગયા હતા.

વિમાનમાં 174 ઉતારુઓ, દસ બાળકો, બે પાયલટ અને પાંચ કેબિન ક્રુ સભ્યો હતા. વિદેશોમાં ફસાઈ પડેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કેન્દ્ર સરકારની વંદે ભારત પહેલના ભાગરૂપે આવેલી આ ફલાઈટ હતી. દરમિયાન કોઝિકોડ એરપોર્ટ વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય મંત્રી પિનારાયી  વિજયને દુર્ઘટના અનુસંધાને પોલીસ અને અગ્નિશમન દળને તાકીદના પગલાં માટેની સૂચના આપી હતી, તેમ જ બચાવ અને મેડિકલ સપોર્ટ માટેની ઘટતી તજવીજ કરવા અધિકારીઓને દોરવણી આપી હતી. ઉતરાણ બાદ વિમાન રન-વેના છેડા સુધી પહોંચી ગયા બાદ ઘાટીમાં નીચે પડતાં તેના બે ફાડિયા થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે રનવે પર પાણી ભરાયા હતા. તેથી વિમાન રનવેથી આગળ ગયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer