ભારતમાં કોરોનાનો કોપ જારી, વધુ 62538 કેસ

ભારતમાં કોરોનાનો કોપ જારી, વધુ 62538 કેસ
સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર: વધુ 886 મોત સાથે મરણાંક 41,585
નવી દિલ્હી, તા. 7 : અડધા વરસ જેટલા લાંબા સમયથી દુનિયાની સાથોસાથ ભારતને પણ ભરડામાં લેનાર ઘાતક કોરોના વાયરસના કહેરે શુક્રવારે નવો જ વિક્રમ સર્જ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પહેલીવાર 60 હજારથી વધુ એટલે કે, 62,538 નવા કેસ સામે આવતાં ભારતમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખને વટાવી 20,27,074 પર પહોંચી હતી. બીજીતરફ 24 કલાકમાં વધુ 886 દર્દીઓએ જાન ગુમાવતાં કોરોના સામે જંગ હારી જનારાઓનો કુલ મરણાંક 41,585 પર પહોંચ્યો છે.
કોરોના કોપ વચ્ચે આશ્વાસનરૂપ આંકડા પર નજર કરીએ તો વીતેલા 24 કલાક દરમ્યાન દેશના વિવિધ ભાગોમાં 49,769 દર્દીને વાયરસથી છૂટકારો થતાં કુલ 13,78,105 સંક્રમિતો સાજા થઈ ચૂકયા છે. આમ દર્દીઓ સાજા થઈ જવાનો દર એટલે કે, ‘િરકવરી રેટ’ પણ વધીને 67.98 ટકા થઈ ગયો છે. આજે સળંગ નવમા દિવસે 50 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
ખાસ ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના એક લાખ કેસ સુધી પહોંચતાં 110 દિવસ લાગ્યા હાતા. તો 59 દિવસમાં 10 લાખને પાર અને માત્ર 21 દિવસમાં સંક્રમણની ગતિ એ હદે વધી કે, કેસ 20 લાખને પાર થઈ ગયા છે. દેશમાં આજની તારીખે કુલ કેસોના 29.69 ટકા એટલે કે, 6,07,384 સક્રિય કેસ નોંધાયેલા છે, તો મૃત્યુદર દેશમાં 2.07 ટકા છે. આજે સૌથી વધુ 316 મોત મહારાષ્ટ્રમાં થયાં હતાં. તામિલનાડુમાં 110, કર્ણાટકમાં 93, આંધ્ર પ્રદેશમાં 72, ઉત્તર પ્રદેશમાં 61 પશ્ચિમ બંગાળમાં 56 દર્દીનાં મોત થયાં હતાં. દેશના કુલ 41,585 મોતમાંથી પણ સૌથી વધુ 16,792 મોત સાથે મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વધુ ભયાનક બનતું જઈ રહ્યું છે.
તામિલનાડુમાં 4571, દિલ્હીમાં 4059, કર્ણાટકમાં 2897, ગુજરાતમાં 1918 દર્દીઓ ‘કોરોનાનો કોળિયો’ બની ચૂક્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer