કોરોનાએ તોડી મધ્યમવર્ગની કમર

કોરોનાએ તોડી મધ્યમવર્ગની કમર
લોકડાઉન દરમ્યાન આવકમાં થયું 15 ટકાનું નુકસાન : સર્વેમાં સામે આવી વિગતો
નવી દિલ્હી, તા. 7 : કોરોના વાયરસ સંક્રમણને કારણે દેશવ્યાપી લોકડાઉને સમાજના તમામ વર્ગો પર અસર કરી છે. એક સર્વેમાં એવો ખુલાસો થયો હતો કે, કોરોના વાયરસ લોકડાઉનની સૌથી વધુ અસર દેશના મધ્યમવર્ગ પર પડી હતી. આર્થિક રિસર્ચ ફર્મ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)એ કરેલા એક સર્વેમાં એવું જાણવા મળ્યું કે એપ્રિલ-જૂન 2020 દરમ્યાન મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગને કમાણીના વધારાના મામલામાં વધુ નુકસાન થયું છે.
સર્વેમાં સીએમઆઈઈએ લોકોને ગયા વર્ષની આવકમાં થયેલા વધારા અને આ વર્ષે થયેલા આવકમાં વધારાની સરેરાશનો અભ્યાસ કર્યો હતો.
સર્વે અનુસાર જે લોકોની માસિક આવક 4 હજાર રૂપિયાથી ઓછી હતી તેમને લોકડાઉન દરમ્યાન કમાણીમાં કોઈ વધારો થયો ન હતો.  જ્યારે જેમની માસિક આવક 6 હજાર હતી તેમની કમાણીમાં આ ગાળમાં 1 ટકાનો વધારો થયો હતો, જ્યારે ગયા વર્ષે આ વધારો 14 ટકાનો હતો. એપ્રિલ-જૂન 2019માં પાંચ લાખ રૂપિયા વાર્ષિક કે તેનાથી વધુની કમાણી કરનારા અર્ધાથી વધુ લોકોની કમાણીમાં વધારો થયો હતો. પરંતુ આ વર્ષે લોકડાઉનને કારણે તેમાં 15 ટકાનો ઘટાડો જોવાયો હતો. 10 લાખ કે તેનાથી વધુની કમાણી કરનારા લોકોની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18થી 24 લાખ રૂપિયા વાર્ષિક મેળવનારા વર્ગની કમાણીમાં કોઈ જ વધારો જોવા મળ્યો નથી. આ મોટો કડાકો છે. કેમ કે વર્ષ 2019માં આ વર્ગની કમાણીમાં 65 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતના ઉચ્ચ વર્ગ કે જેની વાર્ષિક કમાણી 36 લાખ રૂપિયાથી વધુ છે તેમની કમાણી લોકડાઉન દરમ્યાન વધી હતી. જો કે, લોકડાઉનની અસર તો આ વર્ગ પર પણ પડી હતી. સીએમઆઈઈના આંકડા મુજબ લોકડાઉન દરમ્યાન ઈપીએફઓના આશરે 13 ટકા ખાતાધારકોએ પોતાના રૂપિયા ઉપાડયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer