કોરોનાગ્રસ્તોને પરીચારિકાઓએ રાખડી બાંધતા સર્જાયા ભાવૂક દૃશ્યો !

કોરોનાગ્રસ્તોને પરીચારિકાઓએ રાખડી બાંધતા સર્જાયા ભાવૂક દૃશ્યો !

સેલસ હોસ્પિટલમાં રક્ષાબંધનની કરાઈ ઉજવણી

રાજકોટ,તા. 3 (ફૂલછાબ ન્યૂઝ): ભાઈ-બહેનના પ્રતીક સમા રક્ષાબંધનની રાજકોટની સેલસ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સાથે ભાવસભર અને અનોખી ઉજવણી કરવામાં આવી. કોરોનાગ્રસ્ત દર્દીઓને નર્સ અને હોસ્પિટલની સ્ટાફ બહેનોએ રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં.

સેલસ હોસ્પિટલમાં હાલ માત્ર કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ડાયરેક્ટર ડો. ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં હોસ્પિટલને સરકારે કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે મંજૂરી આપતા આખી હોસ્પિટલનું અત્યાધુનિક બિલ્ડીંગ કોવિડના દર્દીઓ માટે ફાળવાયું છે. હાલ કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા કુલ 34 ભાઈ બહેનો સાથે હોસ્પિટલના સ્ટાફે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી.

જેમાં હોસ્પિટલની 8 થી 10 નર્સ બહેનો અને સ્ટાફ બહેનોએ કોવિડ-19ના તમામ  પ્રોટોકોલનું પાલન કરતાં પીપીઈ કીટ પહેરીને દર્દીઓના બહેન સાથે વીડિયો કોલ કરી તેના વતી ભાઈના કાંડે રાખડી રૂપી રક્ષા બાંધી હતી. દ્રશ્ય સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની બહેનો અને ભાઈઓ પણ ભાવુક બન્યા હતાં.

સેલસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલ એક મહિલા દર્દી ભાઈને રક્ષાબંધને રાખડી નહીં બાંધી શકે એટલે રડી પડયા હતા ત્યારે સેલસ હોસ્પિટલના સ્ટાફ હેડે મહિલા દર્દી પાસે ગયા અને તેના હાથે રાખડી બંધાવી હતી ત્યારે ત્યાં હાજર દર્દી, ડોક્ટર અને નર્સ બહેનોની આંખો પણ ભીની થઇ

ગઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer