ભાજપના કાર્યકરની હત્યા પાછળનું કારણ શું? મકાન કે દુર્ગંધ

ભાજપના કાર્યકરની હત્યા પાછળનું કારણ શું? મકાન કે દુર્ગંધ

છાસ અને પનીરની દુર્ગંધના કારણે એક વર્ષથી તકરાર ચાલતી’તી: કાર્યકર પર છરીથી હુમલો કર્યા બાદ ઢસડીને બેફામ માર પણ મરાયો’તો: ત્રણની અટકાયત

રાજકોટ, તા. 3: દૂધસાગર રોડ પર દૂધની ડેરી પાસેની લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતાં ભાજપના કાર્યકર આરીફ ગુલામહુશેનભાઇ ચાવડાની હત્યા પાછળનું સાચુ કારણ છાસ, પનીર દુર્ગંધ છે કે મકાન પચાવી પાડવાનો પ્રયાસ છે તે અંગે સઘન તપાસ ચાલી રહી છે. દુર્ગંધ બાબતે એક વર્ષથી તકરાર ચાલતી હોવાનું સામે આવ્યું છે. તો ખૂનના આરોપીએ તેનું મકાન પડાવી લેવાનો કારસો હોવાનો આક્ષેપ કર્યો છે. હત્યા અંગે ત્રણ શખસને સકંજામાં લઇ લેવામાં આવ્યા છે. જયારે એક પર પોલીસ બંદોબસ્ત રાખી દેવાયો છે.

ગઇરાતના લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતાં ભાજપના લધુમતિ મોરચાના કાર્યકર આરીફ ચાવડા પર છરીથી હુમલો કરીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. થોરાળા પોલીસ મથકના ઇન્સ. જી.એમ. હડિયાની પ્રાથમિક તપાસમાં મમરાની છાસ બનાવીને વેચવા બાબતેની તકરારમાં હત્યા થયાનું ખુલ્યું હતું. સામાપક્ષે આરીફની હત્યાના આરોપી અને તેના પાડોશી વસીમ અને તેના પિતા અબ્દુલ ઉસ્માનભાઇ/ ઓસમાણભાઇ ખેબર ઉપર છરી, ધારિયાથી હુમલો થયો હતો.

બનાવ અંગે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી. મૃતક આરીફના ભાઇ મુસ્તાક ગુલામહુશેનભાઇ ચાવડાએ તેના પાડોશી વસીમ ઉર્ફે ચકો, તેના પિતા અબ્દુલ ખેબર,  રમીઝ ઉર્ફે બાબો ઇકબાલ ખેબર અને ઇકબાલ ખેબર સામે નોંધાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેના ઘરની સામે રહેતા અને છાસ, પનીરનો ધંધો કરતાં વસીમ, તેના પિતા, મોટાબાપુ અને પિતરાઇ ભાઇ ઘર પાસે મોટા અવાજે ગાળો બોલાતા હોય તેને તેણે તથા ભાઇ આરીફે ગાળો નહી બોલાવા સમજાવ્યા હતાં. બાદમાં બન્ને ભાઇ ઘરમાં જતા રહ્યા હતાં. આમછતાં તેઓ ગાળો બોલતા હોય તેને ફરી કહેવા જતાં દૂધની ડેરીમાં નોકરી કરતાં અબ્દુલ ખેબર અને તેના ભાઇ ઇકબાલ ખેબરે તેના ભાઇ આરીફને પકડી રાખ્યો હતો અને વસીમ અને રમીઝે છરીના ઘા મારીને ભાઇને પડખા અને વાસામાં ઇજા કરી હતી. તે ભાઇને બચાવવા જતા તેને પણ માર માર્યો હતો. દેકારો થતા તેના પરિવારજનો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તેમની નજર સામે ભાઇને છરી માર્યા બાદ ઢસડીને ઢીકાપાટુનો બેફામ માર મારવામાં આવ્યો હતો. બાદમાં ચારેય નાસી ગયા હતાં.તેના ભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સામાપક્ષે વસીમ ઉર્ફે ચકો ઉર્ફે ટકો અબ્દુલ ખેબરે નોંધાવેલી ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, તેણે ઘર પાસે દૂધ, છાસ અને પનીરની ડેરી (દુકાન) કરી હોય તે આરીફ અને તેના ભાઇ વગેરેને ગમતુ હતું અને અગાઉ ડેરી બંધ કરાવી દીધી હતી. ગઇકાલે રાતના નવેક વાગ્યાના સુમારે આરીફ અનેતેના ભાઇ આબીદ, મુસ્તાક,ઇરફાન વગેરે છરી, ધારિયા સહિત હથિયાર સાથે તેના ઘરમાં આવ્યા હતાં અને હુમલો કરીને તેને તથા પિતા અબ્દુલભાઇને ઇજા કરી હતી.   ખૂની હુમલા પાછળ તેનું મકાન પડાવી લેવાનો કારસો કારણભૂત છે. હત્યા અને હુમલા અંગે તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, વસીમની દુકાનમાંથી છાસ, પનીરની દુર્ગંધ આવતી હોય તે બાબતે તેઓને સમજાવ્યા હતાં. પરંતુ તેણે ધંધો ચાલુ રાખ્યો હતો. બાબતે એક વર્ષથી તકરાર ચાલતી હતી. ગઇરાતના મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. બનાવમાં સાચુ કારણ દુર્ગંધ છે કે મકાન પડાવવાનો પ્રયાસ છે તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા વસીમના પિતરાઇ ભાઇ રમીઝ, મોટાબાપુ ઇકબાલ ખેબર સહિત ત્રણની અટકાયત કરી લેવામાં આવી છે. તેનો કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરાશે તેમ

જણાવાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer