સાવરકુંડલા રેન્જમાં 6 સિંહોના ગ્રુપમાંથી એક સિંહબાળ લાપતા

સાવરકુંડલા રેન્જમાં 6 સિંહોના ગ્રુપમાંથી એક સિંહબાળ લાપતા
 
ગુમ થયેલા સિંહબાળને શોધવા વનતંત્ર ઉંધા માથે
 
(ફૂલછાબ ન્યુઝ)
ખાંભા: સાવરકુંડલા રેન્જના વડાલ વિડી અને આસપાસના વિસ્તારમાં 6 સિંહોના ગ્રુપ છે જેમાં એક સિંહણ અને 5 સિંહબાળ છે ત્યારે વન વિભાગ આ 6 સિંહોના ગ્રુપને બીમારીના કારણે રેસ્કયુ કરી જૂનાગઢ ઝુ અને જસાધાર એનીમલ કેરમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા બાદ છેલ્લા પંદર દિવસ પહેલા આ 6 સિંહોના ગ્રુપને સારવાર આપ્યા બાદ રામગઢ વિડીમાં વન વિભાગ દ્વારા છોડવામાં આવ્યાં હતાં ત્યારે આ 6 સિંહોના ગ્રુપની દેખરેખ રાખવામાં વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. આ 6 સિંહોના ગ્રુપમાંથી એક સિંહબાળ છેલ્લા 6 થી 8 દિવસથી લાપત્તા થયું હોવાનું સિંહપ્રેમીઓમાં ચર્ચા જાગી છે અને સાવરકુંડલા રેન્જના મિતિયાળા અભયારણ, રામગઢ, લુવારા આસપાસના વિસ્તારમાં આ ગ્રુપનો વસવાટ છે ત્યારે વન વિભાગ આ સિંહબાળને ગોતવા ઊંધા માથે થયું છે અને 5 સિંહોનું લોકેશન મળી રહ્યું છે અને એક સિંહબાળના સગડ પણ વન વિભાગને નથી મળ્યા અને આ સિંહબાળનો કોઈ પતો લાગ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ગીરમાં છેલ્લા 5 માસમાં 85 થી વધારે સિંહોના મોત થઈ ચૂકયા છે. ત્યારે સાવરકુંડલા રેન્જના અધિકારીઓ પાર્ટીઓ કરવામાંથી ઉંચા આવતા નથી અને એક તરફ સિંહોના ટપોટપ મોત થઈ રહ્યાં છે અને આરએફઓ કપિલએ સિંહબાળ બાબતે ફોન પણ ઉપાડવાની તસ્દી લીધી ન હતી અને સિંહપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer