રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાંથી સેમ્પલ કેટલા ગાયબ થયા?

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાંથી સેમ્પલ કેટલા ગાયબ થયા?
 
(ફૂલછાબ ન્યુઝ)
 
રાજકોટ, તા.3 : કોરોના મહામારી સમયમાં સરકારથી લઈને સ્થાનિક તંત્રની અનેક બેદરકારીઓ સામે આવી છે ત્યારે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરમાં પણ આવી એક બેદરકારી સામે આવી છે. જેમાં કોરોનાના ટેસ્ટ કરાવવા આવેલા દરદીઓના સેમ્પલ જ ગાયબ થઈ જવા અને 3-3 વખત ટેસ્ટ કરવા છતાં રિપોર્ટ ન આવવાના બનાવ બન્યા છે.
સૌરાષ્ટ્રના હબ રાજકોટમાં કોરોનાની સારવાર માટે અન્ય જિલ્લામાંથી પણ દરદીઓ આવે છે. દરમિયાન કચ્છના એક વ્યક્તિ આંતરડાની તકલીફ હોવાથી રાજકોટ સારવાર માટે આવ્યા હતા. તેઓનો ગત તા.29ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તે દિવસે રિપોર્ટ આવ્યો ન હતો. જો કે, નવાઈની વાત તો એ છે કે, આ વ્યક્તિના સેમ્પલ ગુમ થઈ ગયા હોય તેમ તા.31ના ફરી સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી તેમનો રિપોર્ટ આવ્યો નથી. બીજી બેદરકારીમાં વાંકાનેરની સગર્ભાને યાતના ભોગવવાનો વારો આવ્યો છે. વાંકાનેરની આ સગર્ભાના રાજકોટમાં ત્રણ વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છતાં આજસુધી હજુ રિપોર્ટ આવ્યો નથી.
આવી બેદરકારી અંગે સ્થાનિક હાજર ડોક્ટર કે સ્ટાફને પુછતા તેઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે. જે વ્યક્તિના ટેસ્ટ થયા હોય તેમના રિપોર્ટ અંગે નોંધાવેલા મોબાઈલમાં એક મેસેજ કે કોલ આવે છે તેવી સિસ્ટમ હાલ છે. રાજકોટ સિવિલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવતા લોકોમાં સામાન્ય લક્ષણો હોય તો સેમ્પલ લઈને તેમને ઘરે મોકલી દેવામાં આવે છે. બીજા દિવસે રિપોર્ટ ન આવતા દરદીના સંબંધી કોવિડ કેર ખાતે ધક્કો ખાય છે અને હાજર ડોક્ટરને પૂછતા ઉપરથી સર્વરનો પ્રોબ્લેમ હોવાનું જણાવાય છે. જો દરદીના સંબંધી વધુ પૂછપરછ કરે તો ઉપરી અધિકારીનો સંપર્ક કરવા જણાવી દેવામાં આવે છે. પરંતુ આ ઉપરી અધિકારી કોઈને મળતા નથી અને દરદી તેમજ તેમના પરિવારજનોમાં સતત ચિંતા રહ્યા કરે છે. રાજકોટ સિવિલના કોવિડ કેર સેન્ટરની એકબીજા પર ખો આપવાની, કેસ છુપાવવાની અને સેમ્પલ ખોવાઈ જવા સુધીની બેદરકારીના બનાવોમાં જવાબદારો  સામે રાજ્ય સરકાર પગલા લેશે કે કોરોના વોરિયર્સ કહીને ગંભીર બાબતો પર પડદો પાડી દેવામાં આવશે ?

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer